National

હિમાચલ પ્રદેશનાં કુલ્લુમાં વાદળ ફાટતા તબાહી: અનેક લોકો તણાયા હોવાની આશંકા

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુમાં (Kullu) વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના (Rain) કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આથી અનેક ગામોમાં પૂરના (Flood) પાણી ઘૂસવાથી ઘરો ધરાશાયી થયા છે. આ સિવાય અનેક પ્રોજેક્ટને નુકસાન થયું છે. એટલું જ નહીં, મણિકર્ણમાં પ્રવાસી શિબિરોને પણ નુકસાન થયું છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે મણિકર્ણ ખીણમાં પૂર આવ્યું હતું. જેના કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત છે. ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે.

સ્થાનિક છલાલ પંચાયતના વડા ચુની લાલના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાના કારણે ચોજમાં એક હોમસ્ટે, કેમ્પિંગ સાઈટ અને ફૂટ બ્રિજ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ગૂમ થયા છે. આ ઉપરાંત કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે NH-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ ટીમ હાઈવે ખુલ્લો કરાવવા માટે કામે લાગી છે.

મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાની ઘટના બુધવારે સવારે લગભગ 5 વાગ્યે મણિકર્ણ અને કસોલ વચ્ચે બની હતી. આ સિવાય કુલ્લુ જિલ્લા હેઠળની મણિકર્ણ ખીણની પાર્વતી નદીની ઉપનદી નાલા ચોજ ગામમાં બુધવારે સવારે અચાનક પાણી વધી ગયું હતું. જેના કારણે પાર્વતી નદીના કિનારે આવેલી કેમ્પિંગ સાઈટ સંપૂર્ણપણે નાશ પામી છે. કેપિંગ સાઇટ પરથી કેટલાક લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે.

કુલ્લુના એસપી ગુરદેવ શર્માએ જણાવ્યું કે વરસાદને કારણે જિલ્લામાં પૂરની સ્થિતિ છે. પરંતુ ટીમો સક્રિય રીતે બચાવ કાર્યમાં લાગેલી છે. હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે પૂરમાં 6 લોકો ગૂમ થયા છે. તેની શોધખોળ ચાલુ છે. તેમજ 7 મકાનોને ભારે નુકસાન થયું છે. 3 પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. પૂરના કારણે ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું નથી. આ સાથે લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

એસપી શર્માએ જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં જ્યાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ, કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. સાથે જ પાર્વતી નદીના જળસ્તર વધવાને કારણે સંકટ વધી ગયું છે. કારણ કે નદીના પાણી આજુબાજુના ગામમાં પહોંચી ગયા છે.

પહાડોમાં વાદળ ફાટવાથી તબાહી
વરસાદન કારણે પાર્વતી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે અને સમગ્ર પાર્વતી ખીણમાં અરાજકતાનો માહોલ છે. પાછળના ડુંગરમાં વાદળ ફાટવાના કારણે તબાહી સર્જાઈ છે. પાર્વતી નદીના કિનારે પ્રવાસીઓ માટે કેમ્પિંગ સાઈટ બનાવવામાં આવી હતી, તે ધોવાઈ ગઈ છે.

કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. મોટા ભાગના રસ્તાઓ, ખાસ કરીને મણિકરણ ખીણમાં, બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થળોએ ભૂસ્ખલન અને પથ્થર પડવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુમ થયેલા લોકોના નામ
આ દુર્ઘટનામાં ગુમ થયેલા 4 લોકોના નામ રોહિત (મંડી, સુંદરનગર), કપિલ (પુષ્કર, રાજસ્થાન), રોહિત ચૌધરી (ધર્મશાલા) અને અર્જુન (બંજર, કુલ્લુ) છે. આ ભયાનક તબાહીમાં 6 ઢાબા, ત્રણ કેપ્ગિં સાઈડ, એક ગૌશાળા અને 4 ગાયો વહી જવાના અહેવાલ સામે આવ્યા છે.

ભૂસ્ખલનને કારણે N-H-5 સવારથી બંધ છે
બીજી તરફ ઝાકરી નજીક બ્રોની ખાડ પાસે ભૂસ્ખલનને કારણે NH-5 સવારથી બંધ છે. હાઈવે બંધ થવાને કારણે કિન્નોર સાથેનો સંપર્ક બંધ થઈ ગયો છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શિમલામાં બાળકી પર કાટમાળ પડ્યો
શિમલામાં ભૂસ્ખલનને કારણે તંબુમાં સૂઈ રહેલી બાળકી પર કાટમાળ પડવાના સમાચાર છે. આ ઘટનામાં બાળકીનું મોત થયું છે અને 2 લોકો ઘાયલ થયા છે. હાલ રાહત કાર્ય ચાલુ જ છે.

Most Popular

To Top