ગાંધીનગર: બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદે ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી રીટ, અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદે ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટે રીટ રદ કરી દેતા હવે દાદાનું બૂલડોઝર ફરી વળ્યું છે.
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ ૧૨ ગેરકાયદે ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. પિટિશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદે ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી રીટ અરજીને પણ ફગાવી દેવામાં આવી છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
