Vadodara

ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, ‘કડક’ છાપ ધરાવતા વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાનો ઉધડો લીધો

ન્યાયતંત્રના આદેશની અવગણના ભારે પડી, હાઈકોર્ટે રેવન્યુ સેક્રેટરીને તપાસના આદેશ આપ્યા

(પ્રતિનિધિ), વડોદરા. તા.29

વડોદરા :- પોતાની કડક કાર્યશૈલી માટે જાણીતા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા અત્યારે કાયદાકીય ભીંસમાં મુકાયા છે. ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો છતાં તેનું પાલન ન કરવામાં આવતા જસ્ટિસ એ.એસ. કારિયા અને જસ્ટિસ એન.વી. પિરઝાદાની ડિવિઝન બેન્ચે કલેક્ટર સામે અત્યંત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે આ મામલે મહેસૂલ સચિવ ને હસ્તક્ષેપ કરવા અને સમગ્ર મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે.

આ વિવાદ ડભોઈના બારીપુરા વિસ્તારની જમીન સાથે જોડાયેલો છે. આ જમીનને ઔદ્યોગિક બિનખેતી માં પરિવર્તિત કરવા માટે અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે અગાઉ આ અંગે હુકમ કર્યો હોવા છતાં, તત્કાલીન કલેક્ટર એ.બી. શાહ અને હાલના કલેક્ટર અનિલ ધામેલિયાએ આ આદેશની અવગણના કરી હોવાનું સામે આવ્યું છે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સરકારી અધિકારીઓ કોર્ટના હુકમોને હળવાશથી લઈ રહ્યા છે.

  • કલેક્ટર અનિલ ધામેલિયા વિરુદ્ધ કોર્ટના તિરસ્કારના ત્રણ અલગ-અલગ કેસમાં હાઈકોર્ટ અગાઉ ₹75,000નો દંડ ફટકારી ચૂકી છે.
  • કોર્ટે આજે મહેસૂલ સચિવને આદેશ આપ્યો છે કે તેઓ આ મામલે વ્યક્તિગત રસ લઈ તપાસ કરે કે શા માટે વારંવાર કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
  • બેન્ચે ટિપ્પણી કરી હતી કે, જો ઉચ્ચ અધિકારીઓ જ ન્યાયિક આદેશોનું સન્માન નહીં કરે, તો સામાન્ય જનતામાં ખોટો સંદેશ જશે.

સામાન્ય રીતે ‘શિસ્તબદ્ધ’ ગણાતા કલેક્ટર સામે જ્યારે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે, ત્યારે મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉના કલેક્ટર અને વર્તમાન કલેક્ટર બંને આ વિવાદમાં લપેટાયા હોવાથી હવે રાજ્ય સરકાર આ બાબતે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. હાઈકોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે કાયદાથી ઉપર કોઈ નથી, પછી ભલે તે ગમે તેટલા પ્રભાવશાળી અધિકારી કેમ ન હોય. હવે આગામી દિવસોમાં રેવન્યુ સેક્રેટરીનો રિપોર્ટ કલેક્ટરની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

Most Popular

To Top