અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર આ બે દેશો સુધી મર્યાદિત રહી નથી. તેની અસર અન્ય દેશોના અર્થતંત્ર પર પણ ગંભીર રીતે પડી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન પર આ યુદ્ધનો મોટો આર્થિક પ્રહાર થયો છે. દેશ પહેલાથી જ દેવાના બોજ નીચે દબાયેલો હતો, અને હવે આ યુદ્ધે તેની સ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે આ બાબત સ્વીકારી છે. તેમણે જાહેરમાં કહ્યું છે કે ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે દેશની અર્થવ્યવસ્થા લગભગ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારા પણ આ યુદ્ધના કારણે અસરહીન બની ગયા છે. આર્થિક મુશ્કેલીનું મુખ્ય કારણ ઓઇલનો વધતો ખર્ચ છે. યુદ્ધ પહેલા પાકિસ્તાન દર અઠવાડિયે આશરે 30 કરોડ અમેરિકન ડોલરનો ઓઈલ આયાત કરતું હતું. પરંતુ હાલની પરિસ્થિતિમાં આ ખર્ચ વધીને લગભગ 80 કરોડ ડોલર થઈ ગયો છે. આટલો મોટો વધારો દેશના ખજાનાં પર ભારે બોજ પાડી રહ્યો છે.
ઉર્જા સંકટ પણ ઝડપથી ઊભું થઈ રહ્યું છે. સરકારના અહેવાલ મુજબ, પાકિસ્તાન પાસે હવે માત્ર 5થી 7 દિવસ ચાલે એટલો જ કાચા તેલનો જથ્થો બચ્યો છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો દેશને ગંભીર ઉર્જા કટોકટીનો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક કડક પગલાં લીધા છે. લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ઈંધણનો ઉપયોગ ઓછો થાય. ઉપરાંત, સરકારના ખર્ચમાં ઘટાડો કરવા માટે મંત્રીઓ અને સરકારી અધિકારીઓના પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.
શાહબાઝ શરીફના નિવેદન પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આ યુદ્ધને જલદી સમાપ્ત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે મધ્યસ્થી કરીને આ સંકટનો ઉકેલ લાવવામાં આવે. પરંતુ અમેરિકા અને ઈરાન બંને દેશોએ હાલમાં કોઈ વાતચીત માટે તૈયાર ન હોવાના સંકેત આપ્યા છે, જેના કારણે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધતી જાય છે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. એક તરફ દેવાનો ભાર, બીજી તરફ વધતો ઓઈલ ખર્ચ અને ત્રીજી તરફ વૈશ્વિક અસ્થિરતા, આ બધું મળીને દેશને આર્થિક રીતે નબળું બનાવી રહ્યું છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે, તો પાકિસ્તાનને વધુ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વૈશ્વિક રાજકીય તણાવની અસર સીધી રીતે અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર પડે છે. ખાસ કરીને એવા દેશો પર, જે પહેલાથી જ આર્થિક રીતે નબળા હોય. પાકિસ્તાન માટે હવે જરૂરી છે કે તે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવીને આ સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે.