Columns

યુએઈ દ્વારા OPECનો ત્યાગ કરવામાં આવ્યો તેનાથી ભારતને આર્થિક ફાયદો થશે

ઈરાન યુદ્ધને કારણે વિશ્વ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ OPEC અને OPEC+ માંથી ખસી જવાની જાહેરાત કરી છે. UAE લાંબા સમયથી OPEC દ્વારા ખનિજ તેલના ઉત્પાદન પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી પરેશાન છે. જો કે, સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા વિવાદોને કારણે તેણે OPEC અને OPEC+ છોડવાનો નિર્ણય લીધો છે. આ બંને દેશો અનેક મોરચે એકબીજા સામે ટકરાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાએ UAE પર તેની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આનાથી વૈશ્વિક તેલસંકટ વધુ ખરાબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર ભારત પર પડી શકે છે. દરમિયાન, UAEના આ નિર્ણયને ગલ્ફના દેશોમાં તિરાડ તરીકે જોવામાં આવી રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ઓપેકની ટીકા કરી રહ્યા છે, જે તેલના ભાવમાં પોતાની મરજી મુજબના ફેરફારો કરે છે. થોડા દિવસો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ગલ્ફના દેશોને સુરક્ષા પૂરી પાડે છે, પરંતુ ઓપેક દેશો ઉત્પાદન ઘટાડીને ઊંચા ભાવે તેલ વેચે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓપેકના આ એકાધિકારને તોડવા માંગતા હતા, જેથી ખનિજ તેલનું બજાર મુક્ત થઈ શકે. થોડા દિવસો પહેલાં ટ્રમ્પે તો ધમકી પણ આપી હતી કે જો ગલ્ફના દેશો અમેરિકાથી સુરક્ષા ઇચ્છે છે, તો તેમણે ઓપેકથી દૂર રહેવું પડશે.

UAEના આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે, જેઓ લાંબા સમયથી OPEC ને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. OPEC એ સાઉદી અરેબિયા અને રશિયા દ્વારા પ્રભુત્વ ધરાવતું સંગઠન હતું અને તેઓ બધું જ નક્કી કરતા હતા. યુએઈનો આ નિર્ણય સાઉદી અરેબિયાના વર્ચસ્વને સીધો પડકાર આપે છે. યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગાશે જે રીતે ઈરાની હુમલાઓ પર અન્ય આરબ દેશોના નબળા વલણની ટીકા કરી હતી, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અબુ ધાબી હવે તેની સુરક્ષા અને આર્થિક હિતો જાળવવા માટે વોશિંગ્ટનની નજીક જઈ રહ્યું છે.

ભારત તેની ક્રુડ ઓઇલની જરૂરિયાતના લગભગ ૮૫ ટકાની આયાત કરે છે. OPEC છોડ્યા પછી UAE હવે ઉત્પાદન ક્વોટાનાં નિયંત્રણોથી મુક્ત છે. તાજેતરનાં વર્ષોમાં UAE એ તેની તેલ ઉત્પાદનક્ષમતા વધારવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે. હવે તે કોઈ પણ પ્રતિબંધ વિના ઉત્પાદન મહત્તમ કરી શકશે. જ્યારે બજારમાં વધુ UAE તેલ ઉપલબ્ધ થશે અને માંગ ઘટશે, ત્યારે કાચા તેલના ભાવો ઘટશે. ભારત માટે ખનિજ તેમના ભાવમાં પ્રતિ બેરલ ૫થી ૧૦ ડોલરનો ઘટાડો પણ અબજો રૂપિયાના ફાયદામાં પરિણમશે.

અત્યાર સુધી, ભારતને તેલ ખરીદવા માટે OPECના કડક નિયમો અને સાઉદી અરેબિયાની આગેવાની હેઠળની વ્યૂહરચના પર આધાર રાખવો પડતો હતો. OPECમાંથી UAEનું બહાર નીકળવું ભારત માટે એક લાભકારક તક રજૂ કરે છે. હવે ભારત UAE સાથે સીધા લાંબા ગાળાના અને ડિસ્કાઉન્ટેડ તેલ માટે કરાર કરી શકે છે. ભારત પાસે હવે રશિયા કે અન્ય દેશો પર આધાર રાખવાને બદલે તેના જૂના અને વિશ્વસનીય મિત્ર યુએઈ પાસેથી વધુ ખનિજ તેલ મેળવવાનો વિકલ્પ રહેશે. યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને તેલ ક્ષેત્રમાં આ નવી સ્વતંત્રતા બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.

જો યુએઈ બજારમાં વધુ તેલ વેચશે તો વૈશ્વિક પુરવઠો વધશે, જેનાથી કિંમત પર દબાણ આવશે. આ દબાણ રશિયા માટે હાનિકારક હોઈ શકે છે, જે ઊંચા ભાવો પર આધાર રાખે છે. ઈરાન, જે પહેલાંથી જ પ્રતિબંધો હેઠળ છે, તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો કે, રશિયા જેવા બિન-OPEC દેશોને પણ ઉત્પાદન વધારવા માટે વધુ સ્વતંત્રતા મળશે. OPEC માંથી UAE ના બહાર નીકળવાથી ગલ્ફમાં ખનિજ તેલના રાજકારણનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનને નિયંત્રિત કરીને OPEC દ્વારા આગેવાની રાખતું હતું. UAE ના બહાર નીકળવાથી સાઉદીનું આ નિયંત્રણ નબળું પડશે અને નાના ઉત્પાદક દેશોને વધુ સ્વતંત્રતા મળશે. UAE તેની ક્ષમતા વધારીને બજાર હિસ્સો મેળવવાનો પ્રયાસ કરશે, જે સાઉદી અરેબિયા સાથે સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી શકે છે અને પાવર ગેમ બદલી શકે છે.

આ નિર્ણયની બજાર પર તાત્કાલિક અસર પડશે. તેલના ભાવ મુખ્યત્વે બ્રેન્ટ ક્રુડ જેવા વૈશ્વિક બેન્ચમાર્ક દ્વારા નક્કી થાય છે, જે ભૂરાજનીતિ અને વેપારથી પ્રભાવિત હોય છે. જો UAE OPEC ની બહાર નીકળીને ખનિજ તેલનું વધુ ઉત્પાદન કરે તો પુરવઠો વધશે, જે સંભવિત રીતે કિંમત પર દબાણ લાવશે. જો ભૂરાજકીય તણાવ વધે અથવા અન્ય દેશો ઉત્પાદનમાં ઘટાડો કરે, તો તેની અસર મર્યાદિત હોઈ શકે છે. UAEનો નિર્ણય ભાવમાં અસ્થિરતા વધારી શકે છે, પરંતુ તે એકલું ભાવ નક્કી કરશે નહીં. ઓપેકની એકતામાં ભંગાણ દુનિયા માટે બહુ મોટી ઘટના છે.

ગલ્ફમાં ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશોનું ઓપેક સંગઠન ૧૯૬૦ માં સ્થપાયેલ છે. તેમાં સાઉદી અરેબિયા, ઇરાક, ઈરાન અને કુવૈત જેવા દેશોનો સમાવેશ થાય છે. તેની પ્રાથમિક ભૂમિકા વિશ્વના તેલ પુરવઠાને નિયંત્રિત કરવાની છે જેથી ભાવ સ્થિર રહે. OPEC+ નામનું નવું જોડાણ OPECના દેશો દ્વારા રશિયા જેવા મુખ્ય તેલ ઉત્પાદકો સાથે મળીને ૨૦૧૬ માં બનાવવામાં આવ્યું હતું, જ્યારે તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ દેશો વિશ્વના તેલ ઉત્પાદનમાં આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે આ દેશો ઉત્પાદન ઘટાડે છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે.

ઈરાન યુદ્ધે ખાડી દેશો માટે ખનિજ તેલની નિકાસ પહેલાંથી મુશ્કેલ બનાવી દીધી છે. વિશ્વના લગભગ ૨૦ ટકા ક્રુડ ઓઈલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ઓમાન અને ઈરાન વચ્ચે સ્થિત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. ઈરાન તરફથી ધમકીઓ અને જહાજો પરના હુમલાઓને કારણે આ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ અસ્થિરતા વચ્ચે OPEC માંથી UAE ના ખસી જવાથી ખનિજ તેલના બજારમાં વધુ અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે. 

UAE લાંબા સમયથી OPEC નું સભ્ય રહ્યું છે. પહેલાં ૧૯૬૭માં અબુ ધાબી દ્વારા અને પછી ૧૯૭૧માં જ્યારે યુએઈ સ્વતંત્ર દેશ બન્યો ત્યારથી તે ઓપેકનું સભ્ય છે. યુએઈ મધ્ય પૂર્વમાં તેની વિદેશ નીતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે સાઉદી અરેબિયા સાથે હિતોનો સંઘર્ષ થયો છે. આ સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદી અરેબિયામાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કર્યું, જેને યુએઈએ તેના વર્ચસ્વ માટે સીધા પડકાર તરીકે જોયું હતું.

સાઉદી અરેબિયા OPEC પર પ્રભુત્વ ધરાવે છે. તેના પ્રભાવનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાએ OPEC દેશો પાસેથી ઉત્પાદન ઘટાડવાની નીતિ માટે મંજૂરી મેળવી હતી. વધુમાં, બંને દેશો યમન અને સુદાનમાં લશ્કરી સંઘર્ષોમાં સામેલ છે અને પ્રાદેશિક નેતૃત્વ માટે સ્પર્ધા કરી રહ્યા છે. યુએઈએ તેની તેલ ઉત્પાદનક્ષમતા વધારવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જો કે, ઓપેક દ્વારા લાદવામાં આવેલા ઉત્પાદનકાપ પ્રતિબંધોને કારણે તે તેની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી.

આ તેની આવકની સંભાવનાને ઘટાડી રહ્યું છે, જેને તે વધુ તેલ વેચીને વધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તાજેતરના આંકડાઓ અનુસાર યુએઈ દરરોજ લગભગ ૨૯ લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેની ઉત્પાદનક્ષમતા પર અસર પડી છે. UAE પાસે હાલમાં પ્રતિ દિવસ ૪૮.૫ લાખ બેરલ ઉત્પાદનની ક્ષમતા છે. ૨૦૨૭ સુધીમાં ૫૦ લાખ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચવાનું તેનું લક્ષ્ય છે. OPEC માંથી બહાર નીકળ્યા પછી UAE હવે કોઈ પણ ક્વોટા કે પ્રતિબંધો વિના તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ખનિજ તેલનું ઉત્પાદન કરી શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top