Dakshin Gujarat

દીવ અને સોમનાથ તથા દમણથી મુંબઈ સુધી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ

દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) 74 માં ગણતંત્ર દિવસ અને દાનહ-દમણ-દીવના ચોથા વિલીનીકરણની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે સવારે 9 કલાકે નાની દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) પર આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ પટેલે તિરંગાને હવામાં લહેરાવી સલામી આપી નાગરિકોને ગણતંત્ર દિવસ અને દાનહ-દમણ-દીવના ચોથા વિલીનીકરણની શુભકામનાઓ પાઠવી હતી.

ત્યારબાદ પ્રશાસકે માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કાર્ય કર્યું હતું. સ્કૂલ, કોલેજ, પોલીસ તથા અન્ય વિભાગો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું હતું. બાદમાં વિવિધ ઝાંખીની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ અવસરે પ્રદેશના પ્રશાસકે પોતાના ઉદબોધનમાં આગામી દિવસોમાં થનારા વિવિધ વિકાસના કામો અંગેનો વિસ્તૃતમાં ખ્યાલ આપ્યો હતો.

આ સિવાય શિક્ષણ, સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ દાનહ દમણ જે રીતે હરણફાળ ભરી રહ્યું છે. જે જોતા આગામી સમયમાં પ્રદેશના વિદ્યાર્થીઓની સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં વિવિધ ડિગ્રીનું શિક્ષણ મેળવવા આવશે એવી વ્યવસ્થા ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. ખાસ પ્રદેશના યુવા વિદ્યાર્થીઓ માટે ડિગ્રી કોલેજમાં 20 ટકા આરક્ષિત કરી હોવાનું જણાવ્યું હતું. પર્યટકો પ્રદેશની મુલાકાતે સરળતાથી આવી શકે એ માટે એર કનેક્ટિવિટીને પણ વેગ આપવામાં આવ્યો છે. જેમાં દમણથી દીવ શરૂ કરાયેલી હેલિકોપ્ટર સેવા બાદ ગણતંત્રના દિવસથી દીવથી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધી તથા દમણથી મુંબઈ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આગામી 1 ફેબ્રુઆરીથી દીવથી રાજકોટ સુધી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે. આગામી સમયમાં પર્યટકોને આકર્ષવા દમણ અને દીવમાં ફ્લોટિંગ હોટલ પણ શરૂ કરવામાં આવશે. દમણના દેવકા ગાર્ડનમાં બાળકોના મનોરંજન માટે ટોય ટ્રેન તથા દેશનું મોટામાં મોટા બની રહેલું પક્ષી ઘર પણ જલ્દીથી શરૂ કરવા પ્રશાસકે આશ્વાસન આપ્યું હતું. સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલમાં પણ 900 બેડની અત્યાધુનિક સુવિધા સાથેની સારવાર ઉપલબ્ધ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. સેલવાસ ખાનવેલ વચ્ચે પંચકર્મ સાથેની આયુર્વેદિક હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top