Gujarat

અમદાવાદ, સુરત સહિત ગુજરાતનાં આ શહેરોમાં કોરોનાનો પગપેસારો વધ્યો

ગાંધીનગર: રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના (Corona) કેસો વધી રહ્યા છે. તેમાં ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) મનપામાં કોરોના નવા કેસમાં ઉછાળો આવ્યો છે, અને ગુરૂવારે નવા કેસની સંખ્યા 100ને પાર કરીને 114 થઈ છે. જ્યારે રાજ્યમાં 228 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગુરૂવારે નવા 228 કેસ નોંધાવા સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ એક હજારને પાર કરી 1102 થઈ છે. બીજી તરફ કોરોના 117 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 114, વડોદરા મનપામાં 26, સુરત મનપામાં 20, રાજકોટ મનપામાં 12, જામનગર મનપામાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચ, ગાંધીનગર મનપા, ગ્રામ્ય, વડોદરા ગ્રામ્યમાં 4, આણંદ, મહેસાણા, વલસાડમાં ૩, અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, કચ્છ, મોરબીમાં 2, અને જામનગર ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં ગુરૂવારે વધું 85,738 લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં 12 થી 14 વર્ષ સુધીના 4477 બાળકોને પ્રથમ ડોઝ, 12 થી 14 વર્ષ સુધીના 13515 બાળકોને રસીનો બીજો ડોઝ, જ્યારે 18 થી વધુ ઉમરના 2270 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18330 બાળકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 1244 યુવક-યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 3899 યુવકો-યુવતીઓને રસીનો બીજો ડોઝ તથા 42003 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ સીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,07,19,403 લોકોને રસી અપાઈ છે.

સુરતમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, નવા એક જ દિવસમાં 20 કેસ નોંધાયા
સુરત : વેકેશનો પિરીયડ પુરો થવાની સાથે જ સુરત શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ધીરેધીરે વધી જ રહી છે. એક સમયે સુરત શહેરમાં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા હતા પરંતુ હવે એકથી શરૂ કરીને આજે ગુરૂવારે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા 20 પર પહોંચી હતી. અગાઉ ગત તા.19મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં કોરોનાનો 21 કેસ નોંધાયા હતા. ત્યારબાદ આ પ્રથમ વખત છે કે જ્યારે સુરતમાં કોરોનાના 20 દર્દી નોંધાયા છે. જે દર્દીને કોરોના થયો છે તેમાં મોટાભાગનાના ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેથી એવું માની શકાય કે હવે કોરોના ફરી કોમ્યુનિટીમાં દેખાવા માંડ્યો છે અને કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.

સુરતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે કોરોનાની ચોથી લહેર શરૂ થવાના નિર્દેશ આપી રહ્યા છે. સુરતમાં કોરોનાનો કેસ સાડા ત્રણ માસ બાદ ફરી સરખા થયા છે. જે કેસ નોંધાયા તેમાં વરાછા-એ ઝોનમાં એકસાથે પતિ-પત્ની બંનેને કોરોના દેખાયો છે. જ્યારે વેસુમાં 13 વર્ષની કિશોરીમાં કોરોના દેખાયો હતો. હાલમાં સુરતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 80 પર પહોંચી જવા પામી છે. તેમાં 2 દર્દીને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 9 દર્દી સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી હતી.

સુરત જિલ્લામાં પણ એક જ દિવસમાં કોરોનાના 6 કેસ નોંધાયા
સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં પણ કોરોના ધીરેધીરે માઝા મુકી રહ્યો છે. જિલ્લામાં ગુરૂવારે એક જ દિવસમાં કોરોનાના એકસાથે 6 કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દી સાજો થઈ જતાં તેને રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નોંધાતા કોરોનાના કેસને કારણે સુરત જિલ્લામાં પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોંચી જવા પામી છે. આજે જે નવા 6 કેસ નોંધાયા તેમાં બારડોલીમાં ત્રણ, જયારે ચોર્યાસી, મહુવા અને માંગરોલમાં એક એક કેસનો સમાવેશ થાય છે.

Most Popular

To Top