Sports

ચોથી ટી-20, સીરિઝ જીવંત રાખવા ટીમ ઇન્ડિયાએ જીતવું જરૂરી

રાજકોટ : દક્ષિણ આફ્રિકા સામે આવતીકાલે શુક્રવારે (Friday) અહીં રમાનારી ચોથી ટી-20 મેચ પણ સીરિઝ (Series) જીવંત રાખવા ભારતીય ટીમ (Indian Team) માટે જીતવી જરૂરી છે ત્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા ભારતીય ટીમને કેપ્ટન ઋષભ પંત અહીંની બેટીંગ ફ્રેન્ડલી વિકેટ પર ફોર્મમાં પરત ફરીને મોટી ઇનિંગ રમે તેવી ઠીમ ઇન્ડિયાને આશા છે. જો પંત ફોર્મમાં આવી જશે તો મિડલ ઓવરમાં ટીમ પર જે પ્રેશર ઊભું થાય છે તેમાંથી બચી શકાશે.

પંતના ખરાબ ફોર્મ ઉપરાંત ટીમ ઇન્ડિયાએ શરૂઆતની બે મેચમાં કરેલી ભુલને વિશાખાપટ્ટનમમાં સુધારીને મોટી જીત મેળવી હતી. હવે પાંચ મેચની આ સીરિઝમાં જળવાઇ રહેવા માટે ટીમ ઇન્ડિયાને વધુ એક જીતની જરૂર છે, કે જેથી સીરિઝ માટે પાંચમી મેચ નિર્ણાયક બની શકે. પંતની જ્યારે પણ ટીકા થાય છે ત્યારે તે મોટી ઇનિંગ રમીને ટીકાકારોના મ્હો બંધ કરી દે છે અને ચોથી મેચમાં તેની પાસે એવી તક છે.

ત્રીજી ટી-20માં ઋતુરાજ ગાયકવાડે ઉપયોગી ઇનિંગ રમી હતી અને ઇશાન કિશન પણ સતત ત્રીજી મેચમાં પરિપક્વ બેટીંગ કરીને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટેના રિઝર્વ ઓપનર તરીકેનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. શોર્ટબોલનો સામનો કરવામાં નિષ્ફળ જતો શ્રેયસ અય્યર હજુ સુધી એવી કોઇ ઇનિંગ રમી શક્યો નથી અને ત્રીજા ક્રમે તેની પાસે પણ ભારતીય ટીમને મોટી ઇનિંગની આશા હશે. મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે.

કેએલ રાહુલ ગ્રોઇન ઇન્જરીની સારવાર માટે જર્મની જશે
નવી દિલ્હી: ભારતીય ટીમનો ઓપનર કેએલ રાહુલ પોતાની ગ્રોઇન ઇન્જરીને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાઇ રહેલી ટી-20 સીરિઝમાંથી આઉટ થયા પછી હવે ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ આઉટ થઇ ગયો છે. રાહુલ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલા ફિટ થઇ જવા માગે છે અને અહેવાલો અનુસાર તે પોતાની ઇજાની સારવાર માટે જર્મની રવાના થશે. મીડિયા રિપોર્ટસ અનુસાર બીસીસીઆઇએ રાહુલને જર્મની મોકલવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇ સચિવ જય શાહે એ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે બોર્ડ રાહુલના આરોગ્ય પર નજર રાખી રહ્યું છે અને સારવાર માટે તે જર્મની જશે. રાહુલ આ મહિનાના અંતે અથવા તો જુલાઇની શરૂઆતમાં જર્મની જવા રવાના થઇ શકે છે.

Most Popular

To Top