Columns

સંતોષ

એક સુફી ફકીરના મૃત્યુના દિવસો નજીક હતા…તેઓ પોતે એક ઝૂંપડીમાં રહેતા હતા.અને તે જ તેમની હતી.તેમના શિષ્યો અને ભક્તોએ તેમના માટે મોટો બગીચો અને મેદાન વાળો આશ્રમ બનાવ્યો હતો.સુફી ફકીરે કહ્યું કે, ‘હું જીવનભર ફકીરીમાં જીવ્યો મારા માટે આ નાની ઝૂંપડી પૂરતી હતી અને છે. જીવનભર મને કોઈ લાલસા રહી નથી અને અત્યારે પણ નથી.મને બસ આ મારી ઝૂંપડીમાં જ દફનાવજો એટલુજ પુરતું છે.મને જીવનભર મેદાન અને બગીચાની કોઈ જરૂર ન હતી અને હવે હું મારા મૃત્યુ બાદ જે સંપૂર્ણપણે સંતુષ્ઠ હોય તેને આપી જવા માંગું છું.’

સંપૂર્ણપણે સંતુષ્ઠ હોય તેવા લોકોને શિષ્યો શોધવા લાગ્યા.બગીચા અને મેદાનમાં બોર્ડ લગાવ્યું કે જે સંપૂર્ણપણે સંતુષ્ઠ હશે તેને ફકીર તરફથી આ ભેટ મળશે. અનેક લોકો આવ્યા પણ ફકીર સાથે વાત કર્યા બાદ ખાલી હાથે પાછા ફરતા.નગરના બાદશાહ સુધી આ વાત પહોંચી..તેણે વિચાર્યું મારી પાસે તો બધું જ છે હું તો દરેક વાતે સંતુષ્ઠ છું એટલે ફકીર મને તો પાછા કાઢી જ નહિ શકે. બાદશાહ ફકીર પાસે આવ્યો.અંદર ઝૂંપડીમાં ગયો, ફકીરની પથારી પાસે ગયો અને ફકીરને કહ્યું, ‘હું નગરનો બાદશાહ છું અને મારી પાસે બધું જ છે.મને કોઈ ખોટ નથી.હું સંતોષી છું.તમે મને પસંદ કરી આ મેદાન અને બગીચો આપી શકો છો.’

ફકીર હસ્યા અને બોલ્યા, ‘તો પછી તું અહીં કેમ આવ્યો છે ?? જો બધી વાતનો સંતોષ છે તો અહીં આ મેદાન અને બગીચા માટે શું કામ આવ્યો ???’ ફકીરનો કડક સવાલ સાંભળી બાદશાહ  સડક થઈ ગયો.ફકીરે કહ્યું, ‘ તું સાચે સંતોષી હોત તો અહીં આવત જ નહિ.જે અહીં મેદાન અને બગીચો મેળવવા પોતે સંતુષ્ઠ છે તેમ દાવો કરી અહીં આવે છે તેઓ સંતુષ્ઠ છે જ નહિ…મેદાન અને બગીચો મેળવી લેવાની લાલચ જ તમને અને બધાને અહીં લઇ આવી…જ્યાં લાલચ હોય કૈક મેળવી લેવાની ઈચ્છા હોય તે સંતુષ્ઠ ક્યાંથી હોય???’

બાદશાહે કહ્યું, ‘તો સાચો સંતુષ્ઠ ગોતશો કઈ રીતે ??’ ફકીરે કહ્યું, ‘જે સાચે સંતોષી હશે તે અહીં આવશે જ નહિ…મારે તેની પાસે જવું પડશે.બાદશાહ યાદ રાખજો જયારે કોઈ ઈચ્છા ન હોય , કઈ મેળવવાની ભાવના ન હોય,સંતોષની એ પરમ ક્ષણે ઈશ્વર સામેથી આવશે તમારે તેની પાસે નહિ જવું પડે.’ સુફી ફકીરે મરણ પથારી પરથી પણ ઊંડી સમજ સમજાવી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top