Columns

કર્નલ સોફિયા કુરેશી બિનસાંપ્રદાયિકતાની નીતિનું જીવંત અને જ્વલંત ઉદાહરણ છે

પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાંઓ પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ભારતની મહિલા લશ્કરી અધિકારી અને ગુજરાતની દીકરી કર્નલ સોફિયા કુરેશી સમાચારમાં છે. ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાની તરફેણમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ૨૦૨૦ માં કર્નલ સોફિયા કુરેશીની સિદ્ધિઓનો સ્વીકાર કર્યો હતો, જે બુધવારે ઓપરેશન સિંદૂર પર મિડિયાને માહિતી આપનારી બે મહિલા અધિકારીઓમાંની એક હતી.

પહેલગામમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આતંકવાદીઓ દ્વારા સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ ભેદ પાડવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા હોય તેમ ભારતીય સેનાએ મિડિયાને સંબોધન કરવા માટે બે મહિલા અધિકારીને મેદાનમાં ઊતાર્યાં હતાં, જેમાંનાં એક મુસ્લિમ હતાં તો બીજાં હિન્દુ અધિકારી હતાં.

કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. વડોદરામાં જન્મેલી કર્નલ સોફિયા કુરેશી ગુજરાતની વતની છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ૧૯૯૫માં બી.એસ.સી.ની અને ૧૯૯૭માં બાયો કેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવનારી સોફિયાના પિતા અને દાદા પણ ભારતીય સેનામાં હતા. સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશી ૧૯૭૧માં બાંગ્લા દેશના યુદ્ધમાં સામેલ થયા હતા.

સોફિયાના પિતાના નાના બ્રિટીશ લશ્કરમાં હતા અને તેમણે સૈન્યની નોકરી છોડીને ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધો હતો. માસ્ટર્સ ડિગ્રી પછી સોફિયાએ પીએચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો હતો અને કોલેજમાં લેક્ચરરની નોકરી પણ લીધી હતી. સોફિયા ૧૯૯૯માં ભારતીય સેનામાં જોડાઈ હતી. ભારત સરકારે મહિલાઓ માટે સેનામાં ભરતી કાઢી ત્યારે તેણે પીએચ.ડી. ભણવાનું છોડીને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈમાંથી તાલીમ લીધી હતી.

એક્સરસાઇઝ ફોર્સ ૧૮ હેઠળ ૧૮ દેશોની બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં ભારતની બાજુનું કમાન્ડિંગ કરવાની તક મળતાં સોફિયા ચર્ચામાં આવી હતી. તે સમયે તે એકમાત્ર મહિલા હતી, જે કોઈ પણ દેશના સૈન્ય એકમનું કમાન્ડિંગ કરી રહી હતી. તેણે ૪૦ સૈનિકોની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ફોર્સ ૧૮ કોઈ સામાન્ય તાલીમ નહોતી. તે ASEAN પ્લસ દેશોનો બહુરાષ્ટ્રીય લશ્કરી અભ્યાસ હતો, જેમાં ૧૮ દેશોની સેનાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં પણ ભાગ લીધો હતો.

આફ્રિકન દેશ કોંગોમાં ૭૨ કલાકના સતત ઓપરેશન દરમિયાન સોફિયાએ એવી બહાદુરી બતાવી કે કંપની કમાન્ડર એટલા પ્રભાવિત થયા કે તેમને પૂછવું પડ્યું કે આ ભારતીય મહિલા સૈનિક કોણ છે? કોંગોમાં પાંચ વર્ષની એક કન્યાનું તેના પરિવાર સાથે મિલન કરાવીને તેણે શાબાશી મેળવી હતી. લશ્કરી ટુકડીએ પૂર્વ આફ્રિકામાં ૭૨ કલાકનું પડકારજનક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

સ્વીડન, ટ્યુનિશિયા, ઉરુગ્વે જેવા દેશોના સૈનિકોનો સમાવેશ કરતી લશ્કરી ટુકડીએ ઘેરાબંધી અને શોધખોળની કામગીરી હાથ ધરવાની હતી. ભારત તેનું નેતૃત્વ કરી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન નાગરિકોના જીવ બચાવવાની જવાબદારી સમગ્ર યુનિટની હતી. ઉત્તર-પૂર્વ ભારતમાં સોફિયાના પોસ્ટિંગ દરમિયાન તેને ઘણી મહત્ત્વપૂર્ણ તકો પણ મળી. તેને પ્રથમ મહિલા લશ્કરી પોલીસના માર્ગદર્શન અને તાલીમમાં ભાગ લેવાની તક પણ મળી હતી. હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના આશરે ૨૫,૦૦૦ વિદ્યાર્થીને સપ્તશક્તિ વિદ્યાર્થી યોજના હેઠળ પ્રોત્સાહન આપવાનું કામ સોફિયા કરી રહી છે. હાલમાં તે મહિલા સૈનિકોના એક યુનિટનું નેતૃત્વ કરી રહી છે. સોફિયાની બહેન સાઇના ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી છે.

ઘણાં લોકો સોફિયા કુરેશીને મળતા પગાર અને અન્ય ભથ્થાંઓ વિશે પણ જાણવા માંગે છે. સોફિયા કુરેશીના પગારની વાત કરીએ તો તેનો મૂળ પગાર ૧,૨૧,૨૦૦ થી ૨,૧૨,૪૦૦ રૂપિયાની વચ્ચે છે. મૂળભૂત પગાર ઉપરાંત તેને ઘણાં પ્રકારનાં ભથ્થાં પણ મળે છે. મોંઘવારી ભથ્થું ફુગાવાના આધારે આપવામાં આવે છે. તેને દર મહિને લશ્કરી સેવા પગાર તરીકે ૧૫,૫૦૦ રૂપિયા મળે છે. આ રકમ બ્રિગેડિયર રેન્કથી નીચેના તમામ અધિકારીઓને આપવામાં આવે છે. બધા સૈન્ય કર્મચારીઓને રહેઠાણ માટે ઘર ભાડું ભથ્થું મળે છે.

આ ઉપરાંત, જોખમી વિસ્તારોમાં કામ કરવાના આધારે ફિલ્ડ એરિયા ભથ્થું પણ આપવામાં આવે છે. તે સામાન્ય રીતે રૂ. ૧૦,૫૦૦ થી રૂ. ૨૫,૦૦૦ સુધીની હોય છે. ૩,૬૦૦ થી ૭,૨૦૦ રૂપિયા પરિવહન ભથ્થું આપવામાં આવે છે. સ્પેશ્યલ ફોર્સિસ યુનિટમાં કામ કરનારાઓને ૨૫,૦૦૦ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. સૈન્ય કર્મચારીઓને દર વર્ષે ૨૦,૦૦૦ રૂપિયા યુનિફોર્મ ભથ્થાં તરીકે મળે છે. સોફિયા કુરેશીએ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં અને પશ્ચિમ બંગાળમાં યુવાનોને અને તેમાં પણ ખાસ કરીને યુવતીઓને ભણવામાં મદદ કરવા માટે વર્કશોપનું પણ આયોજન કર્યું છે. સોફિયા કુરેશીનાં લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના એક આર્મી ઓફિસર સાથે થયા છે.

બહુ ઓછાં લોકોને ખબર હશે કે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ તેના એક મહત્ત્વના ચુકાદામાં કર્નલ સોફિયા કુરેશીનો માનભેર ઉલ્લેખ કર્યો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ભારતીય સેનામાં સ્ટાફ સોંપણી સિવાય તમામ હોદ્દાઓ પરથી મહિલાઓને સંપૂર્ણ રીતે બાકાત રાખવી અયોગ્ય છે. ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન (PC) ની મંજૂરી આપતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે મહિલા શોર્ટ સર્વિસ કમિશન (SSC) અધિકારીઓને સ્ટાફ નિમણૂકો સિવાય કંઈ પણ મેળવવા પર સંપૂર્ણ પ્રતિબંધ સ્પષ્ટપણે ભારતીય સેનામાં કારકિર્દીની પ્રગતિના સાધન તરીકે PC આપવાનો હેતુ પૂર્ણ કરતો નથી. સર્વોચ્ચ અદાલતે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલી વિશિષ્ટતાઓનો પણ ઉલ્લેખ કર્યો ત્યારે કર્નલ કુરેશીની સિદ્ધિઓનું ઉદાહરણ રજૂ કર્યું હતું.

સોફિયા કુરેશીની સાથે મિડિયાને સંબોધન કરનાર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોઈ સામાન્ય પાયલોટ નથી. વ્યોમિકા સિંહ વર્ષ ૨૦૦૪ માં ભારતીય વાયુસેનામાં જોડાઈ હતી. આજે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પાસે ૨,૫૦૦ કલાકથી વધુ હવાઈ ઉડાનનો અનુભવ છે. વ્યોમિકા સિંહે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના ઘણા મુશ્કેલ વિસ્તારોમાં કામગીરી હાથ ધરી છે. વ્યોમિકા સિંહે બાળપણથી જ એટલે કે શાળાના દિવસો દરમિયાન પાઇલટ બનવાનું સ્વપ્ન જોયું હતું અને આ કારણોસર તે નેશનલ કેડર કોર્પ્સ (NCC) માં જોડાઈ હતી. અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનામાં જોડાયાનાં ૧૩ વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું હતું.

સોફિયા કુરેશીનાં માતાપિતા અને ભાઈ મોહમ્મદ સંજય કુરેશી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહે છે. તેમના ઘરે પત્રકારો સાથે વાત કરતાં સંજયે કહ્યું કે કર્નલ સોફિયા જ્યારે પીએચ.ડી. પૂર્ણ કરવાની અણી પર હતી ત્યારે તેણે વર્ગખંડની બહાર જોવાનું અને ભારતીય સેનાનો લીલો ગણવેશ પહેરવાનું નક્કી કર્યું હતું. તેની બહેન તેમના દાદા અને પિતાથી પ્રેરિત હતી, કારણ કે બંનેએ આર્મીમાં સેવા આપી હતી. તેમની સાથે તેમના પિતા તાજુદ્દીન કુરેશી, માતા હનીમા અને પુત્રી ઝારા પણ હતાં. પોતાની બહેન સોફિયાને ઝારા માટે રોલ મોડેલ ગણાવતાં સંજયે કહ્યું કે તેની કિશોર વયની પુત્રીએ પણ આર્મીમાં જોડાવાનું મન બનાવી લીધું છે.

કર્નલ સોફિયાના પિતા તાજુદ્દીન કુરેશીએ કહ્યું કે તેમનો પરિવાર ફક્ત દેશની ચિંતા કરે છે. મને મારી દીકરી પર ગર્વ છે. મારો પરિવાર હંમેશા વયમ્ રાષ્ટ્રે જાગરણમ્ ના સિદ્ધાંતનું પાલન કરે છે. અમે પહેલાં ભારતીય છીએ અને પછી મુસ્લિમ. ગુજરાત સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે કર્નલ સોફિયાએ ૧૯૯૭માં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી અને પછી આર્મીના કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈ હતી. કર્નલ સોફિયાને કારણે ગુજરાતના મુસ્લિમો પણ ગર્વ અનુભવી રહ્યા છે. સોફિયા કુરેશી ભારતની બિનસાંપ્રદાયિકતાની નીતિનું જીવંત અને જ્વલંત ઉદાહરણ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top