Gujarat

માવઠાથી ખેતી પાકમાં થયેલા નુકસાનના સર્વે માટે 565 ટીમો દ્વારા કામગીરી શરૂ

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી (Rain) ખેતી (Farming) અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. કેબીનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ ખેડૂતોને વળતર સહાય આપવા માટે ત્વરિત સર્વે હાથ ધરવા માટે 565 જેટલી કામે લગા઼ડવામાં આવી છે.

કેબીનેટ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સિનિયર કેબીનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકસાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકસાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

સર્વેની વિગતો આપતા પ્રવકત્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top