ચાઈનીઝ એપ મારફતે ભારતભરમાં 520 કરોડની છેતરપિંડી કરનાર સુરતનો ચાવાળો નીકળો

સુરતઃ પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ (Chinese app) દ્વારા બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણાં ડબલ (double money scheme) કરવાની લાલચ આપીને 520 કરોડની છેતરપિંડી (fraud) કરવામાં આવી છે.

જે નાણાં બોગસ કંપનીઓ (bogus company) ઊભી કરાવી જમા કરાવવામાં આવતા હતાં. આવી બોગસ કંપની સુરત શહેર ખાતે ઉભી કરનાર ટ્રાવેલ્સ એજન્ટ અને ચાની લારી ચલાવનારને સુરત સાયબર ક્રાઇમ સેલએ પકડી પાડ્યા હતા. બેંગ્લોર ખાતે 120 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની સામે બેંગ્લોર સીટી, સી.આઇ.ડી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદ મુજબ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અને તેનું ROZOR PAY માં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજિસ્ટર્ડ કરી એકાઉન્ટ બનાવી તેમાં ગેમિંગ, ઇકોમર્સ અને સોશિયલ પ્લેટફોર્મ્સનું પેમેન્ટ આવતું હતું. જે ગેમિંગ, ઇકોમર્સ અને સોશિયલ પ્લેટફોર્મ્સના બદલે તેઓના એકાઉન્ટમાં ગુગલ પ્લે સ્ટોરની પાવર બેંક એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ ઉપર વ્યાજ આપવાના બહાને રોકાણ કરાવી કસ્ટમર પાસેથી પૈસા ભરાવતાં હતાં. જેમાં આશરે પાંચ લાખ જેટલા કસ્ટમરો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં સુરતમાંથી બેની ધરપકડ સુરત સાયબર ક્રાઈમે કરી હતી.

બાતમીના આધારે વિજયભાઇ છગનભાઇ વણઝારા (ઉ.વ .૩૫ ધંધો – ચા નાસ્તાની લારી રહે.એમ/૩૦૫, સુમન શ્વેત, ઓ.એન.જી.સી. નગરની સામે, મગદલ્લા રોડ, સુરત તથા મુળ રહે.ગામ – પીપલોદ તા.દેવગઢ બારીયા જી.દાહોદ) અને જય અશોકભાઇ પારેખ (ઉ.વ.૩૦ ધંધો – એજન્ટ રહે.સી/૨૧૦, રીવર હાઇટ્સ, પરમ રો હાઉસની પાસે, તાપી રીવર ફ્રન્ટની સામે, અડાજણ,સુરત તથા મુળ રહે.ગામ – ભમધરા તા.જી.ભાવનગર) ને શોધી કાઢ્યા હતા. બંને આરોપીઓને બેંગ્લોર સિટી, સી.આઇ.ડી., સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. આ બાબતે દિલ્હી , સાયબર સેલ ખાતે પણ ગુન્હો દાખલ કરાયો છે. આ ગુન્હામાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વિજયને તેના નામે કંપની ખોલવા 25 હજાર રૂપિયા આપ્યા હતાં

જય પારેખ ટ્રાવેલ્સ એજન્ટ છે અને વિજય વણઝારા ચા ની લારી ચલાવે છે. જયએ વિજયના નામે બેંક એકાઉન્ટ ખોલી બોગસ કંપની બનાવી હતી. વિજયને તેના નામે કંપની બનાવવા માટે 25 હજાર રૂપિયા મળ્યા હતા. જેટલા પણ લોકો એપ ડાઉનલોડ કરી 1000-1200 રૂપિયાનું રોકાણ કરતા તેના પૈસા વિજયના ખાતામાં જમા થતા અને તે એકાઉન્ટ જય ઓપરેટ કરતો હતો. જય દિલ્લી ખાતે પકડાયેલી ગેંગના સંપર્કમાં કઈ રીતે આવ્યો તે અંગે વધારે પુછપરછ હાથ ધરવામાં આવી છે.

આ રીતે સમગ્ર ગુનો આચરવામાં આવતો હતો

દિલ્હી સાયબર સેલ ખાતે પકડાયેલા આરોપીઓ દ્વારા પાવર બેંક તથા ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ બનાવવામાં આવી હતી. જે ચાઇનીઝ એપ દ્વારા દેશના લાખો લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપતા હતા. દેશના પાંચ લાખ જેટલા લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં નાણા ટ્રાન્સફર કરવા માટે બોગસ કંપનીઓ બનાવવામાં આવી હતી. અને તેઓના નામના એકાઉન્ટ રજીસ્ટર કરવવામાં આવ્યા હતા. આ બોગસ કંપનીઓના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. અને તે એકાઉન્ટોમાંથી મુખ્ય આરોપીઓને નાણાં મોકલવામાં આવતા હતા.

કયા રાજ્યમાં કેટલાનું કૌભાંડ કરાયું

દિલ્લીમાં 150 કરોડ
ઉત્તરાખંડમાં 250 કરોડ
બેંગ્લોરમાં 120 કરોડ

Related Posts