Gujarat

બાળ તસ્કરી, એજન્ટો ખોટા બર્થ સર્ટિફિકેટ તૈયાર કરી આપતા

અમદાવાદ: અમદાવાદમાં બાળ તસ્કરીનો ક્રાઈમ બ્રાન્ચ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર નેટવર્કમાં બાળકોની તસ્કરીની સાથે તેમનું બર્થ સર્ટિફિકેટ પણ એજન્ટો દ્વારા કાઢી આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચએ આ એજન્ટોની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં જ બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરીને નેટવર્કના મુખ્ય સૂત્રધાર મનાતા યુનિસખાનની પાલનપુરથી ધરપકડ કરી હતી. આ અગાઉ અમદાવાદમાંથી વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવની ધરપકડ કરી 15 દિવસના બાળકને મુક્ત કરાવ્યું હતું. આ બાળકને આ લોકો હૈદરાબાદ પહોંચાડવાના હતા. આ બાળકને મુખ્ય આરોપી દ્વારા ૩.૬૦ લાખમાં ખરીદવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં બાળ તસ્કરીની સાથે કેટલાક એજન્ટો ચોક્કસ નર્સિંગ હોમમાં બાળકનો જન્મ થયો હોવાની ખોટી એન્ટ્રી કરાવીને ખોટી વિગતોના આધારે જન્મનું પ્રમાણપત્ર અને સરકારી દસ્તાવેજો તૈયાર કરી આપતા હતા. જેથી કરીને આ બાળક અંગે ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ન નડે. પોલીસે ખોટી વિગતોના આધારે જન્મ પ્રમાણપત્ર તૈયાર કરતા એજન્ટોની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ આ એજન્ટોની ધરપકડ કરે તેવી સંભાવના છે.

Most Popular

To Top