ગાંધીનગર: ગુજરાતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. અમદાવાદમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સહિતના પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ₹202 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમને રાજ્યની સુરક્ષા નીતિ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ વિકાસકાર્યોમાં છારોડી ખાતે ₹47.98 કરોડના ખર્ચે અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવમાં ₹33.49 કરોડનું અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઇનમાં ₹74.62 કરોડના પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે ₹39.68 કરોડના પોલીસ આવાસ, સૈજપુર બોઘામાં ડોગ કેનલ અને ટ્રેનિંગ ઓફિસ તેમજ SRP ગ્રુપ-2ના બંગલાનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ATS માત્ર કોઈ વિશેષ દળ નથી, પરંતુ રાજ્યના સાડા છ કરોડ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક છે. તેમણે ATSને “365 દિવસ, 24 કલાક કામ કરતી સાયલન્ટ ફોર્સ” તરીકે ઓળખાવી હતી. તેમના જણાવ્યા અનુસાર આતંકવાદ, ડ્રગ્સ નેટવર્ક અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ સામે ATSએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે.
દરિયાઈ સુરક્ષા અંગે પણ તેમણે કડક વલણ વ્યક્ત કર્યું હતું. 1600 કિમી લાંબી દરિયાઈ સીમા પર ઘૂસણખોરી અને ડ્રગ્સ સ્મગલિંગ સામે ATSની કામગીરીને તેમણે ઐતિહાસિક ગણાવી હતી. રાજ્ય સરકાર ATSને ટેકનિકલ તેમજ બજેટરી સ્તરે વધુ મજબૂત બનાવશે તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું.
કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, આતંકવાદ અને સંગઠિત ગુનાઓના પડકારોને પહોંચી વળવા માટે ATSને આધુનિક શસ્ત્રો, તાલીમ અને માનવબળથી સતત સજ્જ કરવામાં આવી રહી છે. નવા ભવનના નિર્માણથી સુરક્ષા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.