Comments

છમ છમ બરસા પાની…!

વરસાદના બુંદ-બુંદને ખબર હોય કે પ્રેમ-રોગીઓએ મારો ઉપભોગ કેવો બુલંદ-બુલંદ કરેલો..! એક છોડવું ઉગાડવા માટે કેટકેટલા ઉધામા કરવા પડે ને પ્રેમની કૂંપણો, ખાતર-પાણી-પ્રકાશ કે પવન વગર સૂકે લાકડે પણ આપોઆપ ફૂટે..! સમજાતું નથી કે કૂંપણો આપમેળે ફૂટે છે કેમની..? ‘છમ છમ બરસા પાની’ જેવા ટહુકાઓ કાનમાં  આવીને આપઘાત કરે ત્યારે તો મોરલાઓ તો ઠીક ઘુવડિયા પણ ‘ડેન્સ’ કરવા માંડે..! પાછા દલીલ એવી કરે કે, ‘ઉંમર તો એક આંકડો છે. ઉમર આકરી નથી, ફાંકડી છે..!’  એક બાજુ પ્રેમની થેરેપી ચાલતી હોય ને આવાં પ્રેમ-ગીતોની લ્હાણી થતી હોય ત્યારે ‘ઈમ્યુનીટી’ માટે મોંઘાદાટ ઇન્જેકશનો ખરીદવા પડતાં નથી. ઈમ્યુનીટી આપોઆપ પ્રગટ થાય..!

મોડલ કેટલું જૂનું છે એ મહત્ત્વનું નથી. પ્રેમના જુગાર રમવા માટે માણસ કેટલો મોડર્ન છે, એની બોલી બોલાય..! પુરાણી સંવતમાં ક્યાં કોઈની વસંત આડે કોરોના આડો આવતો..? વાતાવરણ જ એવું નહિ કે, કોઈએ કહેવું પડે કે, ‘તુમ ચમનીયા આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..!’ ઓન્લી જાત મહેનત જિંદાબાદ..! શેર-શાયરી તો આવડતી જ કોને..? જનાબ ગાલીબ સાહેબની શાયરીઓ જ સાથિયાનો રંગ બનીને પ્રેમ-કાપલામાં ઉભરતો.  પ્રેમનો બહુ ઉછાળ આવે તો ફિલ્મી ગીતોની સર્વિસ ૧૦૮ ની માફક મળતી ખરી. એના કપાળમાં કાંદા ફોડું, એના ઉપર જ અમારા પ્રેમ-ખેલ ચાલતા..!  ઓલી નહિ દેખાતી તો, લલકારી પણ કાઢતા કે, ‘ તું છૂપી હૈ કહાં, મૈ તડપતા યહાં..!’ જો કે, અમારી ગાયકીમાં દુકાળ ખરો, ગાતાં ત્યારે હું રડું છું કે કૂતરું રડે છે, એ ઝટ ઓળખાતું નહિ પણ જેના માટે ગાયું હોય,  એને સટાક દઈને ‘ઈફેક્ટ’ મળી જતી.  બાકી કૂતરાઓનો ડર તો લાગતો દોસ્ત..! આપણને કોઈના બદલે કોઈ બચકું ભરી જાય તો પસંદ નહિ.  ૧૪ ઇન્જેક્શનથી નાહકની દૂંટી જ સુજાડવાની ને..? આખું બચકું જ બદલાય જાય તો સહન કેમનું થાય..?

જ્યારે જ્યારે વરસાદ છમ..છમ થવા માંડે, ત્યારે-ત્યારે  રાજકપૂરસાહેબનો આત્મા અમારું શરીર ભાડે લેતો. બાકી  કોઈનો પણ ચહેરો નરગીસબેન જેવો તો મળી રહેતો..! (આ ઉમરે બેન જ કહેવાય..!) એમની મશહૂર ફિલ્મ, ‘શ્રી૪૨૦’ તો આજે પણ લોકોના ગલોફામાં સંતાયેલી હશે. એક છત્રીમાં બંને પલળીને, છત્રી ઉપર જે જુલમ કરતાં એ દ્રશ્ય હજી ડીલીટ થયું નથી..! એ સીન જોતી વખતે તો, ધોતિયામાં ગરોળી ભરાઈ ગઈ હોય એમ વગર નરગીસે પણ અમે નાચી ઉઠતા.ચારસો વીસ વખત તો, માત્ર આ સીન જોવા જ ‘શ્રી ૪૨૦’ ફિલમ જોયેલી. કદાચ ત્રણસો-ચારસો વધારે લખાય ગઈ હશે, પણ વીસેક વખત તો પાક્કું..! આ માટે લાંબું વિચારવાની જરૂર નથી, એ વિચારવાનું કે, એ જમાનામાં પણ અમે કેટલા સંસ્કારી હતા ? ૪૨૦ ની આગળ પણ ‘શ્રી’ લગાવીને  આદર કરતાં..!  ફિલ્લમ ભલે ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હતી પણ એનાં સ્વપ્નાંઓ તો ‘ઇસ્ટમેન કલર’ માં જ આવતાં..!  આટલી કહાણી વાંચ્યા પછી, પ્લીઝ..! હવે એવું કોઈ નહીં પૂછતાં કે, ‘આ રાજકપૂર ને નરગીસ હતાં કોણ..?

પડદા ઉપર ગાયેલું એમનું આ ગીત, ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ, પ્યારમેં ક્યું ગભરાતા હૈ દિલ..!’ સવારે ઉઠીએ એટલે બ્રશ કરતાં-કરતાં પણ ગાતા. એમાં દાંત ઉપર બ્રશ એટલી વાર ઘસાય જતું કે દાંતમાં પણ સફેદી આવી જતી. સાંભળતા પણ એટલી વાર કે કાનમાંથી મેલ કાઢવાનો ખર્ચ જ નહિ આવતો. ગીત સાંભળીને જ મેલ સાફ થઇ જતો. આ ગીત એટલે અમારા પ્રેમનો બેઝીક કોર્ષ..! શું ગાયન હતું યાર..? એ જમાનામાં પ્રેમ કરવો એટલે કાંદા છોલવા જેટલો સહેલો નહિ. હાલના ભ્રષ્ટાચારની જેમ પ્રેમને સાચવવો પડતો. ભૂલમાં પણ કોઈ ઘરે જઈને ઘંટડી વગાડી આવતું તો બાપા જ જમાદાર બનીને ધોઈ નાંખતા. એવી દશા બેસતી કે, ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ ના બદલામાં માર જ પડતો..! એ વખતે દશામા તો હોય નહિ એટલે કોઈ અમારી દશા જોવા પણ નહિ ફરકતું..! એક ચોખવટ કરી લઉં કે, આ ફિલ્લમ માત્ર કુંવારા જ જોતાં એવું નહિ..!  સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જઈએ છીએ એવું કહીને કેટલાંક વડીલો પણ ટોકીઝમાં ઝડપાઈ જતાં..! દાઢમાં કણ ફસી હોય એમ, હજી આજે પણ એ દિવસો યાદ આવે છે મામુ..! કાળમીંઢ પાણામાંથી  કૂંપણ ફૂટવા માંડે એમ પરણેલા હોય કે કુંવારા, ઘણા ચમનીયાઓ આળસ ખંખેરીને મજનૂના રવાડે ચઢી જતાં..! શ્રી ૪૨૦ના આ ગાયનમાં એ મેજિક હતો. જાને કહાં ગયે વો દિન..!

પેટ છૂટી વાત કરું તો, ભણ્યા પછી કઈ લાઈનમાં જવું એની તો કોઈને ગતાગમ હતી જ નહિ પણ પ્રેમની અફલાતૂન લાઈન પકડવાની પહેલી હિંમત અમને આ ફિલમે આપેલી. બાકી હરામ બરાબર કે પ્રેમ એને જ કહેવાય એની ખબર પણ હોય તો..! પણ ડાહ્યા એટલા કે ‘ઓમ નમ: શિવાય’ ની ધૂન વાગે તો તેમાં પણ મૂંડી હલતી ને આવા ગાયનમાં પણ હલતી. ગાયનમાં જરા જોરથી હલતી એટલો જ ડીફરન્સ..!  આ ગાયન આજે પણ સાંભળવા મળે તો, જૂનું ખરજવું ઉભરવા માંડે..! હવે મૂંડી નહિ હલે પણ માણસ આખો હલવા માંડે ખરો…! યાર…એકલાં ગીતો જ ઘરડાં થયાં એવું થોડું છે? અમે પણ થયાં ને બોસ..? આજે જો એવી પ્યારની કબડ્ડી રમવા ગયા તો લંગડી રમવાના દિવસો આવે..! વગર દાંતે સીંગ-ચણા ફાંકવાની ઓફર મળી હોય એવું લાગે …! એક તો ઘૂંટણીયે જૂનો વા હોય, આવી હાલતમાં પ્યાર હુઆ ઈકરાર હુઆ…ના શૌર્ય-ગીત ગાવા જઈએ તો ઘૂંટણનો વધેલો સ્ટોક પણ ખતમ થઈ જાય..!   

એક વાત છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ..! આવા ગીત જ્યારે પણ સાંભળવા મળે ત્યારે શેરબજાર બેસી પડ્યું હોય એમ ઉંમરમાં કડાકો તો બોલી ઉઠે…! દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જાય. સવારમાં ભલે કોઈએ ‘ ગુડ મોર્નિંગ ‘ ના કર્યું હોય તો પણ દિવસ ગુલાબી બની જાય. કાતરિયામાં ભરાયેલો કાટમાળ પણ હલવા માંડે.  વિચાર-મુદ્રામાં એક વાર આવી તો જવાય કે શું સાલો આપણો જમાનો હતો? એમ થાય કે, “ચલો ઇક્બાર ફિરસે અજનબી બન જાયે.!” ભલે, એ જમાનામાં ઐશ્વર્યારાય, મલ્લિકા શેરાવત કે દીપિકા પાદુકોણ નહિ હતી, પણ લીલા ચીટનીસનાં વાવાઝોડામાં પણ વસંત દેખાતી. સૂકી ડાળમાં પણ વસંત ફૂટવા લાગતી.! આ ગીત આજે પણ સાંભળવા મળે એટલે, ડેડબોડી જેવી બોડીમાં સિક્સપેક સફેદી આવવા માંડે..!

એમાં જો આ ગીત આવતું હોય ને વરસાદ તૂટી પડે તો ખલ્લાસ..! પ્રકૃતિ પણ ચીસ પાડવા માંડે કે, ‘ઊભો થા કુંભકર્ણ, ખાટલા પકડીને શું સૂતો છે…? ઉઠાવ તારી છત્રી ને નાચવા માંડ..! લોહીના બાટલા ચઢાવેલા હોય તો એ પણ હાલવા માંડે. આપણને ખ્યાલ સુદ્ધાં નહી રહે કે નખ વડે ઓશીકું ફાડીને રૂ કેમ ખોતરીએ છીએ..!  હાઈ પ્રેસર ઓટોમેટિક લેવલમાં આવી જાય..! પ્રેસરની ગોળી ના લીધી હોય તો પણ દિવસ મસ્ત નીકળી જાય. કોઈનું પ્રેસર જ નહીં વધે..! નો સિસ્ટેમેટિક, નો મેથેમેટિક બધું ઓટોમેટિક સેટ થઇ જાય.  આપણો કુંવર જો ગીત ગાતો ગાતો ઘરમાં દાખલ થાય તો એવું નહીં માનવાનું  કે એ સ્કૂલનો ‘ પ્રોજેક્ટ ‘ મોઢે કરે છે….! માની લેવાનું કે એના આંબે પણ હવે ‘મોર’ આવવા માંડ્યા છે…! એને ચોકલેટ કે ચુંઈગમમાં રસ નથી, ચીકની ચમેલી શોધી કાઢી છે..!

લાસ્ટ ધ બોલ

ચમનીયાના છૂટાછેડાના કેસમાં જજસાહેબે ચુકાદો આપ્યો કે, બંનેના છેડા આજથી છૂટા કરવામાં આવે છે પરંતુ એ માટે ચમનીયાએ દર મહિને અડધો પગાર એની વાઈફને આપવાનો રહેશે..!ચુકાદો સાંભળીને ચમનીયો કોર્ટમાં જ ખડખડાટ હસવા બેઠો. જજસાહેબે આ જોયું ને તરત પૂછ્યું કે, ‘રડવાને બદલે તમે ખડખડાટ હસો છો કેમ?’ચમનીયો કહે. ‘સાહેબ અડધો પગાર બચી ગયો, એટલે હસું છું. બાકી દર મહિને તો એ મારો આખો પગાર લઇ લેતી હતી..!’– એના કપાળમાં કાંદા ફોડું..! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top