Sports

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ખડકયો રનનો ઢગલો, ભારતની સારી શરૂઆત

અમદાવાદ: ભારતીય ટીમ હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને પોતાની બેટિંગથી ધમાલ મચાવી છે. ગ્રીને ભારતીય બોલરોની ચારેતરફ ધોલાઈ કરતા ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. આ એ જ ગ્રીન છે જેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની હરાજીમાં ઊંચી બોલી લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ 17.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેને ખરીદ્યો હતો. આ વખતે પહેલીવાર ગ્રીન IPL રમતા જોવા મળશે.

હવે આ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અમદાવાદ ટેસ્ટમાં બેટથી તોફાન મચાવી રહ્યો છે. ગ્રીને ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની સદી પૂરી કરી. તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી 143 બોલમાં ફટકારી હતી. આ દરમિયાન ગ્રીને 16 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 67ની નજીક હતો. કેમરન ગ્રીને ઉસ્માન ખ્વાજા સાથે મળીને 5મી વિકેટ માટે 358 બોલમાં 208 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 350ની પાર પહોંચાડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતની સારી શરૂઆત
અમદાવાદ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી કોઈ પણ નુકશાન વિના 36 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 18 રન બનાવીને અણનમ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 180 અને કેમરન ગ્રીને 114 રન બનાવ્યા હતા. ભારતમાંથી આર. અશ્વિને સૌથી વધુ છ વિકેટ લીધી હતી.

આ અગાઉ અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે ઉસ્માન ખ્વાજા 180 અને કેમેરોન ગ્રીન 114 રને આઉટ થયા હતા. બંનેએ 5મી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. જો મેચ હાર અથવા ડ્રોમાં સમાપ્ત થાય છે, તો ભારતે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ શ્રેણી પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.

Most Popular

To Top