Columns

વેપાર અને દયા

એક કરિયાણાના વેપારીની દુકાન પર એક અઢાર ઓગણીસ વર્ષનો યુવાન હાંફતો હાંફતો આવ્યો. તેની એક મુઠ્ઠીમાં થોડા પૈસા અને બીજા હાથમાં સામાનની ચિઠ્ઠી હતી.યુવાન મોઢા પરથી એકદમ થાકેલો અને નબળો દેખાતો હતો.તેના હાથની ચિઠ્ઠી આપી તે પ્રમાણે સામાન આપવા કહ્યું….વેપારીના માણસે તે પ્રમાણે સામાન કાઢ્યો અને કોથળીઓમાં ભર્યો.
બહુ થોડો સામાન્ય જરૂરતનો સામાન હતો.માણસે હિસાબ કર્યો અને પૈસા માંગ્યા…યુવાને પોતાના હાથની મુઠ્ઠીના બધા પૈસા તેની સામે મૂકી દીધા.માણસે પૈસા ગણ્યા અને જોયું કે જેટલા રૂપિયાનો સામાન હતો તેના કરતાં પંદર રૂપિયા ઓછા હતા.તેણે યુવાનને કહ્યું, ‘ભાઈ હજી ૧૫ રૂપિયા આપ.’

યુવાન મૂંઝાયો અને ધીમેથી બોલ્યો, ‘મારી પાસે જેટલા હતા બધા રૂપિયા આપી દીધા. હવે એક પણ પૈસા નથી.’ શેઠ આ સાંભળી રહ્યા હતા.માણસે શેઠ સામે જોયું ,શેઠે કહ્યું, ‘ભાઈ ૧૫ રૂપિયાનો સામાન ઓછો કરી નાખ, જયારે પૈસા આવે ત્યારે લઇ જજે. અમે અહીં કોઈને ઉધાર આપતા નથી.’ યુવાન રડમસ ચહેરે બોલ્યો, ‘ભલે ,આમ પણ અમને કોણ ઉધાર આપે ..’ આટલું બોલતાં તે ચક્કર ખાઈને જમીન પર ફસડાયો.શેઠ અને માણસે તેને ઊભો કર્યો અને પાણી આપ્યું.થોડી વાર બાદ સ્વસ્થ થઈને તે બોલ્યો, ‘શેઠજી, મારા ઘરે પિતા છે નહિ, માતા બીમાર છે. ત્રણ નાનાં ભાઈ બહેન છે અને ત્રણ દિવસથી ઘરે ખાવાનો દાણો નથી. બધા ભૂખ્યાં છે.હું મજૂરી કરી માંડ આટલા પૈસા લાવી શક્યો છું.શેઠ જે આપી શકાય તે આપો, પણ મા અને ભાઈ બહેનો કંઈ ખાઈ શકે તેવી રીતે આપો.’

શેઠે પહેલાં તેને બેસાડ્યો અને માણસને દુકાનની પાછળ જ આવેલા ઘરે મોકલી ભોજન ભરેલી થાળી મંગાવી યુવાનને જમાડ્યો…નાના ભાઈ બહેનો માટે પણ નાસ્તો અને ફળ બાંધી આપ્યાં અને પછી માલ સામાનનો હિસાબ કરી ૧૫ રૂપિયા જેટલો સામાન ઓછો કરી સામાન બાંધી આપ્યો.યુવાન સંતોષ પામી ઉતાવળા પગે ઘરે ગયો. યુવાનના ગયા બાદ, વેપારી શેઠના દીકરાએ પૂછ્યું, ‘પિતાજી આવો કેવો વ્યવહાર, આમ તમે આ યુવાનની તકલીફ જોઈ તેને જમાડ્યો…નાસ્તો અને ફળ આપ્યાં અને માલસામાનના હિસાબમાં ૧૫ રૂપિયાનો સામાન ઓછો કરાવી દીધો…એટલો સામાન આપી દેવો હતો ને…આવું કેમ કર્યું?’ શેઠ બોલ્યા, ‘દીકરા, આ વાત યાદ રાખજે ..વેપાર કરે તો કોઈને દયા ખાઈને ઉધાર આપતો નહિ ,હિસાબમાં ચૂકતો નહિ અને જયારે કોઈ જરૂરિયાતમંદ જુએ તો તેની મદદ ચોક્કસ કરજે. સેવા અને દાન કરતી વખતે કોઈ હિસાબ કરતો નહિ.’ વેપારી શેઠે દીકરાને સોનેરી સલાહ આપી.

Most Popular

To Top