SURAT

ST તંત્રને દિવાળી ફળી, 1135 ટ્રીપના બુકિંગના એડવાન્સ પેટે 1.75 કરોડની આવક

સુરત: દિવાળીના (Diwali) સમયગાળામાં સુરતથી (Surat) સૌરાષ્ટ્રમાં જનારા પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે એસટી તંત્રએ દિવાળીમાં એક્સ્ટ્રા બસો (Extrra bus) દોડાવવાનું શરૂ કર્યું છે. માત્ર ત્રણ દિવસમાંથી સુરતથી અમરેલી-ભાવનગર સહિતના વિસ્તારો માટે 507 ટ્રીપો માટે બસો રવાના થઈ ચૂકી છે. તંત્રનું આયોજન બસોની કુલ 1600 ટ્રીપ દોડાવવાનું છે.

એસટી નિયામક સંજય જોશીએ જણાવ્યું હતું કે, સુરતથી ભાવનગર-અમરેલી સહિતના વિસ્તારો માટે બસો દોડાવવામાં આવે તે માટે ભારે ઇન્ક્વાયરી હતી. તેને પહોંચી વળવા માટે તંત્રએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું છે. તેના ભાગ રૂપે સિઝનમાં કુલ 1600 બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. ખાસ વાત એ છે કે ગૃપ બુકિંગ સહિત 1135 ટ્રીપ માટે બસોનું બુકિંગ થઈ ગયું છે. તેના એડવાન્સ પેટે 1.75 કરોડ રૂપિયા એસટી તંત્રને મળી ચૂક્યા છે. હજી બુકિંગ ચાલી રહ્યું છે. એક્સ્ટ્રા બસોને મુસાફરોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર ત્રણ દિવસમાં સુરતથી 507 ટ્રીપ માટે બસો રવાના થઈ છે. આ ટ્રીપો કુલ 1.80 લાખ કિલોમીટરનું અંતર કાપશે.

મનપાના ઇજારદારોની દિવાળી પણ સુધરી : 10 દિવસમાં 800 કરોડ ચુકવાયા
સુરત: મહાનગર પાલિકા કમિશનર પદે શાલીની અગ્રવાલે સુકાન સંભાળીને તુરંત આચારસહિતા લાગે તે પહેલા ફાઇલોના નિકાલ માટે રીતસર ઝુંબેશ ઉપાડી હોય તેમ ફટાફટ નિકાલ ચાલુ કરી દીધો હતો. જેના પરિણામે છેલ્લે સ્થાયી સમિતિની મીટિંગમાં 1000 કરોડથી વધુના ટેન્ડરો મંજૂર થઇ શકયા છે. જો કે કમિશનરે વિકાસ કામો અને સુવિધાના કામોની સાથે સાથે દિવાળીને ધ્યાને રાખીને પેન્ડીંગ બીલોના નિકાલમાં પણ કાળજી દાખવી હોય, છેલ્લા 10 દિવસમાં 800 કરોડથી વધુના બિલ પણ ચુકવાઇ ગયા છે. જેના કારણે ઇજારદારની દિવાળી પણ સુધરી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મહાનગર પાલિકામાં કામ કરતા ઇજારદારો પણ ચૂંટણી નજીક આવતા ચિંતામાં મુકાયા હતા અને ઝડપથી પોતાના બીલ મંજૂર કરાવી લેવા દોડતા થઇ ગયા હતા. જો કે મનપાનું તંત્ર પણ છેલ્લા 10 દિવસથી એટલુ બધુ ગતિશીલ થઇ ગયું છે કે, મંજૂરી માટે આવેલા 5 હજાર બિલનો ફટાફટ નિકાલ થવા માંડયો છે અને ઇજારદારોની દિવાળી ન બગડે તેનું ધ્યાન રાખી તહેવાર પૂર્વે જ 800 કરોડ રૂપિયા બિલ પેટે ચૂકવ્યા છે. જેના કારણે હવે ઇજારદારના કર્મચારીઓને પણ પગાર-બોનસ મળવા માંડ્યુ હોય સુરતની બજારોમાં તેજીનો પવન ફુંકાય છે.

Most Popular

To Top