Madhya Gujarat

બોરસદમાં પાનના ગલ્લા બન્યા પેટ્રોલ પંપ !

બોરસદ : બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાનના ગલ્લા પર છુટથી પેટ્રોલ મળી રહ્યું છે. બોરસદ શહેરમાં બે તથા આજુબાજુના હાઇવે ઉપર પણ પેટ્રોલ પંપ આવેલા છે, તેમ છતાં છેલ્લા છ મહિનાથી હવે તાલુકાના તમામ ગામડાઓમાં મોટાભાગના પાનના ગલ્લાઓ ધીમે ધીમે ગેરકાયદેસર પેટ્રોલ પંપમાં પરિવર્તિત થઇ રહ્યા છે. બજાર કરતો પણ ઊંચા ભાવે વેચાતું પેટ્રોલ નાછૂટકે વાહનચાલકો ખરીદતા હોય છે. કોઈપણ જાતની સલામતીની વ્યવસ્થા વગર ખુલ્લેઆમ વેચાતા પેટ્રોલ ના કારણે ભવિષ્યમાં મોટી હોનારત પણ સર્જાઇ શકે તેમ છે.

બોરસદ શહેરની નજીક આવેલા ગામડાઓ તથા કાંઠાગાળા અને અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં હવે પેટ્રોલ મળવું એકદમ સરળ થઈ ગયું છે. જેનું મુખ્ય કારણ એ છે કે ગામની ભાગોળે આવેલા તમામ ગલાઓ હવે ગેરકાયદેસર પેટ્રોલનું વેચાણ કરતા ખુલ્લેઆમ નજરે પડે છે. ગલ્લા વાળાઓ સ્થાનિક પેટ્રોલ પંપથી 20 લીટર કે 50 લીટરના ડબ્બા ભરીને પેટ્રોલ આવતા હોય છે અને ગલ્લા પાસે જાહેરમાં ખુલ્લેઆમ મુકીને વાહનચાલકોને બજાર કરતો પણ 30 રૂપિયા જેટલો ઊંચો ભાવ લઈને રેડી આપતા હોય છે. હાલ ગામડાઓમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે પેટ્રોલના ઊંચા ભાવને કારણે વાહનચાલકો શહેરમાં પેટ્રોલ લેવા જતાં તેમને મોંઘુ પડતું હોય છે.

જેથી ગામ ભાગોળે આવેલા ગલ્લા ઉપરથી વીસ કે ત્રીસ રુપિયા વધારે આપીને જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરાવી રહેતા હોય છે. જેના કારણે હવે આ ગેરકાયદેસર ધંધો ધીમે ધીમે ખૂબ જ વિકસી રહ્યો છે અને તમામ ગામડાઓમાં હવે મોટા ભાગે ગેરકાયદેસર પેટ્રોલનું વેચાણ જાહેરમાં અને ખુલ્લેઆમ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. બોરસદમાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક બનાવ સર્જાય તો ગલ્લા વાળા અને આજુબાજુ ઊભેલા કેટલાયના જાનનું જોખમ સર્જાય તેવી સ્થિતિ પણ પેદા થઇ શકે તેમ છે. બોરસદ મામલતદાર અને પુરવઠા વિભાગની નજરમાં આ બધું હોવા છતાં પણ ધંધો ખુલ્લેઆમ ચાલે છે. અધિકારીઓ કોઇ કારણસર આંખઆડા કાન કરીને આવો ધંધો ચલાવવા દેતા હોય છે, પરંતુ નાગરિકોના જાનમાલની અને સલામતીની ચિંતા કરતા નથી.

પેટ્રોલ પંપો દ્વારા કેરબા ભરી દેવામાં આવે છે
ગ્રામ્ય વિસ્તારમાં પાનના ગલ્લા પર મળતાં પેટ્રોલ સંદર્ભે પેટ્રોલ પંપ વાળાઓ પણ જવાબદાર ગણાય છે. કારણ કે સ્થાનિક ગલ્લા વાળાઓ પેટ્રોલ પંપે કારબા લઈને 20 લિટર કે 50 લિટર પેટ્રોલ લઈ જતા હોય છે, તો પણ પેટ્રોલ પંપ વાળાઓ તેમણે પેટ્રોલ આપતા હોય છે અને કયા કારણ માટે લઈ જાઓ છે ? તેવું કોઈ પૂછતું નથી. જેથી પેટ્રોલ પંપ વાળાનો પણ ધંધો ચાલતો રહે છે. જે ભવિષ્યમાં કોઇ મોટી હોનારત સર્જી શકે તેમ છે

પાંચ હજાર લીટરથી વધુનું વેચાણ થાય છે
બોરસદ તાલુકાના 65 ગામડાઓમાં હાલ અંદાજિત દરેક ગામમાં ત્રણથી વધુ ગલ્લા વાળાઓ પેટ્રોલ વેચતા હોય છે, જેમાં દરેક ગામની સરેરાશ ગણાય તો સોથી વધુ લીટર પેટ્રોલ આવી રીતે રોજ વેચાય છે અને તાલુકા લેવલથી ગણી એ તો અંદાજિત રોજનું પાંચ હજારથી પણ વધુ લિટર પેટ્રોલ બની બેઠેલા પેટ્રોલ પંપો વાળાઓ વેચીને કમાણી કરી રહ્યા છે.

Most Popular

To Top