Dakshin Gujarat

ભીલાડમાં બેરિકેટ ઉડાવી ટ્રકચાલક ભાગ્યો, સેલવાસથી ટ્રક પકડાઈ ત્યારે તેમાંથી મળ્યો આટલો બધો દારૂ

ઉમરગામ : ભીલાડ(Bhilad) ઇન્ડિયા પાડા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ(Police) કર્મી પર ગાડી(vehicle) ચડાવી કચડી નાખવાનો બુટલેગરે પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પીછો કરતા ટ્રક મૂકી બુટલેગર ફરાર થયો હતો પોલીસે રૂપિયા ચાર લાખનો દારૂ અને પાંચ લાખની ટ્રક(Truck) કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

  • ભીલાડ ઇન્ડિયા પાડા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મી સાથે બની ઘટના
  • બુટલેગરે ગાડી ચડાવવાના પ્રયાસથી ચકચાર
  • પોલીસે પીછો કરતા દારૂ ભરેલી ટ્રક મૂકી બુટલેગર ફરાર

ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી નીતિનકુમાર ગણેશભાઈ તથા હોમગાર્ડ વિનોદભાઈ ચંદુભાઈ જીઆરડી જતીન રોહિતનાઓ મંગળવારે ભીલાડ ઇન્ડિયાપાડા નરોલી ચેકપોસ્ટ ભીલાડ ઉપર પ્રોહીબીશન અંગે સેલવાસથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન બે વાગ્યાના સુમારે સફેદ કલરની મહિન્દ્રા કંપની બોલેરો મેક્સી ટ્રક નંબર જીજે ૧૬-એયુ ૫૯૪૯ આવતા આ ટ્રકને હાથ બતાવી ઉભી રાખવા ઈશારો કરતા ટ્રકના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી ઈરાદાપૂર્વક પોલીસ કર્મી નિતીનકુમાર ઉપર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમય સુચકતા વાપરી પોલીસ કર્મી નીતિને છલાંગ મારી સાઇટ ઉપર ખસી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

દારૂ ભરેલી ટ્રક મૂકી બુટલેગર ફરાર
ટ્રક ચાલકે પોતાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ભરી ચેકપોસ્ટ ઉપર ગોઠવેલા બેરીકેટને પણ ટક્કર મારી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને પોતાની ટ્રક પુરપાટ ઝડપે હંકારી નાસી ગયો હતો. પોલીસે પીછો કરતા સેલવાસ નરોલી ખાતે દારૂ ભરેલી ટ્રક મૂકીને ગાડીનો ચાલક નાસી ગયો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂની બોટલો નંગ ૨૪૨૬ કિંમત રૂપિયા ૪,૦૦,૮૦૦ નો જથ્થો તથા રૂપિયા પાંચ લાખની કિંમતની ટ્રક કબજે લીધી હતી. આ બનાવ સંદર્ભે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નીતિનકુમાર ગણેશભાઈ (નોકરી ભીલાડ પોલીસ સ્ટેશન)એ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top