SURAT

સુરતના સરથાણામાં ‘ધાબળા ગેંગ’નો તરખાટ! સૂવાનો ઢોંગ કરી દુકાનમાંથી રૂ. 1.09 લાખની ચોરી

દિવાળીના તહેવારોની રોનક વચ્ચે સુરત શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે. ખાસ કરીને ચોરીની અનોખી અને શાતિર પદ્ધતિ અપનાવતી મહિલાઓની ટોળકીએ વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુરતના સરથાણા વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ધાબળો ઓઢીને જાહેરમાં સૂવાનો ઢોંગ કરી દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં રોકડ અને ઈમિટેશન જ્વેલરી સહિત કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે.

ચોરીને અંજામ આપવા મહિલાઓની આ ટોળકીએ અનોખી તરકીબ અપનાવી હતી. ગેંગની એક કે બે મહિલાઓ દુકાનનું શટર વચ્ચેથી વાળીને અંદર પ્રવેશતી હતી, જ્યારે અન્ય મહિલાઓ દુકાનની બહાર ફૂટપાથ કે ઓટલા પર ધાબળો ઓઢીને સૂવાનો ઢોંગ કરતી હતી. વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકોને આ મહિલાઓ સામાન્ય રીતે સૂતી હોવાનો ભાસ થતો હતો. આ રીતે તેઓ કોઈને શંકા ન જાય તે માટે બહારથી નજર રાખતી અને અંદર ચાલી રહેલી ચોરીને છુપાવવામાં મદદ કરતી હતી.

દુકાનનું શટર તોડવાને બદલે વચ્ચેથી વાળીને તેમાં જગ્યા બનાવવામાં આવી હતી. ત્યારબાદ અંદર પ્રવેશેલી મહિલાઓએ ગલ્લામાં રાખેલી રોકડ રકમ અને ડિસ્પ્લેમાં મૂકેલી કિંમતી ઈમિટેશન જ્વેલરી એકઠી કરી હતી. ચોરી કર્યા બાદ ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. મહિલાઓની આ મોડસ ઓપરેન્ડીને કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ છે, કારણ કે જાહેરમાં સૂવાનો ઢોંગ કરીને ચોરી કરવામાં આવતી હોવાથી આસપાસના લોકોને પણ ઘટનાની જાણ થતી નથી.

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ચોરી અને તસ્કરીની ઘટનાઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, વહેલી સવારે બનેલી આ ઘટનાએ પેટ્રોલિંગની અસરકારકતા સામે સવાલો ઊભા કર્યા છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારો દરમિયાન દુકાનોમાં માલસામાન અને રોકડનો વ્યવહાર વધતો હોવાથી સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત હોવી જોઈએ.

ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. દુકાનદારની ફરિયાદના આધારે અજાણી મહિલાઓની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસની દુકાનો અને રસ્તાઓ પર લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજના આધારે મહિલાઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તહેવારોના સમયે બનેલી આ ઘટનાએ વેપારીઓને પોતાની દુકાનોની સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.

Most Popular

To Top