અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. દક્ષિણ ફ્લોરિડામાં એક પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન અચાનક હવામાંથી અનિયંત્રિત થઈને મિસાઈલની જેમ સીધું જમીન પર તૂટી પડ્યું હતું. જમીન સાથે અથડાતાં જ વિમાનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકાના પરિવહન મંત્રી શૉન ડફીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાસ્થળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પેલેસથી લગભગ 11 કિલોમીટરના અંતરે હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, ‘લિયરજેટ 60’ (Learjet 60) નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહામાસ જવા માટે રવાના થયું હતું. વિમાનનો ટેલ નંબર N722BD હતો. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ ઘટનાને મોટી ત્રાસદી ગણાવી હતી. જોકે, વિમાન હવામાંથી અચાનક નીચે કેવી રીતે તૂટી પડ્યું તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઇલટે વિમાન પર બરફ જામી રહ્યો હોવાની જાણ કરી હતી. પાઇલટે બહારનું તાપમાન માઇનસ 47 ડિગ્રી સેલ્સિયસ હોવાનું અને મધ્યમ સ્તરનું ટર્બ્યુલન્સ હોવાની માહિતી આપી હતી. જોકે, થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પાઇલટે ઇમરજન્સી જાહેર કરીને વિમાન અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું હોવાની જાણ કરી હતી. રેડિયો સંદેશા મુજબ, વિમાન પ્રતિ મિનિટ 20,000થી 22,000 ફૂટની ઝડપે નીચે ઉતરી રહ્યું હતું અને ઓવરસ્પીડની સ્થિતિ સર્જાઈ હતી.
આ દરમિયાન કોકપિટમાં એલાર્મના અવાજો સંભળાઈ રહ્યા હતા અને ક્રૂ વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલર સતત પાઇલટ સાથે સંપર્કમાં રહીને તેને હિંમત આપી રહ્યો હતો. કંટ્રોલરે પાઇલટને કહ્યું હતું કે તે તેની સાથે છે અને વાતચીત ચાલુ રાખે. જોકે, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે કોકપિટમાંથી ગભરાટભર્યો અવાજ સંભળાયો હતો. પાઇલટ તરફથી ‘બહાર જુઓ… હે ભગવાન, હવે અમારી પાસે સમય નથી બચ્યો!’ એવા શબ્દો સંભળાયા બાદ રેડિયો સંપર્ક તૂટી ગયો હતો.
થોડી જ વારમાં વિમાન દક્ષિણ ફ્લોરિડાના એક વિસ્તારમાં ધડાકાભેર જમીન પર તૂટી પડ્યું હતું. વિમાન જમીન સાથે અથડાતાં જ મોટો વિસ્ફોટ થયો હતો અને આગની જ્વાળાઓ સાથે ઘાટો કાળો ધુમાડો આસપાસ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટના મિલિટરી ટ્રેલ અને 10મા એવેન્યુ નોર્થ પાસે બની હતી. વિમાન એક વ્યસ્ત રસ્તાની નજીક પડતાં જમીન પર મોટો ખાડો પણ પડી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં વિમાન આકાશમાંથી અત્યંત ઝડપે નીચે પડતું દેખાય છે. સદનસીબે વિમાન નજીકનાં રહેણાક મકાનો અથવા રસ્તા પરથી પસાર થતાં વાહનો સાથે અથડાયું નહોતું. જો વિમાન વસાહતનાં ઘરો કે વાહનો પર પડ્યું હોત તો જાનહાનિનો આંકડો વધુ મોટો થઈ શક્યો હોત. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી શેરિફ કાર્યાલયની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળની બંને તરફના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર અને અન્ય ઇમરજન્સી ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી છે. વિમાનમાં બરફ જામી રહ્યો હોવાની પાઇલટની જાણ, હવામાનની સ્થિતિ, ટર્બ્યુલન્સ અને વિમાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામી સહિતનાં પાસાં તપાસવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.