અમદાવાદમાં યોજાયેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. બંને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યા છે. પુરુષ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 54-20થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો, જ્યારે મહિલા ટીમે યુગાન્ડાને 35-15થી પરાજય આપીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. પુરુષોની ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ શ્રીલંકા પર દબાણ બનાવી રાખ્યું હતું. રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ હાફમાં ભારતે 30-10ની સરસાઈ મેળવીને મેચ પર મજબૂત પકડ બનાવી લીધી હતી. બીજા હાફમાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત જાળવી રાખી હતી અને અંતે 54-20થી વિજય મેળવ્યો હતો.
ભારત તરફથી આદિત્ય શિંદેએ શાનદાર પ્રદર્શન કરતાં 14 રેડમાં 10 પોઇન્ટ મેળવ્યા હતા, જેમાં ચાર બોનસ પોઇન્ટનો સમાવેશ થાય છે. ભરત હૂડાએ બીજા હાફમાં આઠ રેડ પોઇન્ટ મેળવ્યા હતા અને સાત રેડમાં એક પણ વખત ટૅકલ થયા નહોતા. પંકજ મોહિતેએ છ પોઇન્ટ અને ઉપકપ્તાન નવીન કુમારે પાંચ પોઇન્ટનું યોગદાન આપ્યું હતું. ડિફેન્સમાં યોગેશ દહિયાએ હાઇ-5 નોંધાવ્યો હતો. તેમણે પ્રથમ હાફમાં કરેલા પાંચેય ટૅકલ પ્રયાસ સફળ બનાવ્યા હતા. ભારતીય પુરુષ ટીમે સમગ્ર મેચમાં 30 રેડ પોઇન્ટ અને 14 ટૅકલ પોઇન્ટ મેળવ્યા હતા. ટીમે શ્રીલંકાને ચાર વખત ઓલઆઉટ કર્યું હતું, જ્યારે ભારત એક પણ વખત ઓલઆઉટ થયું નહોતું. શ્રીલંકા તરફથી મદુવંથાએ છ ટૅકલ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે અન્સાફ અને વિદુરંગાએ ત્રણ-ત્રણ પોઇન્ટ નોંધાવ્યા હતા.
મહિલાઓની ફાઇનલમાં પણ ભારતીય ટીમે શરૂઆતથી જ પોતાની તાકાત બતાવી હતી. કેપ્ટન નિધિ શર્માની આગેવાનીમાં ભારતે યુગાન્ડાને 35-15થી હરાવ્યું હતું. પ્રથમ હાફના અંતે ભારત 22-7થી આગળ હતું. ભારતીય ટીમે બીજા હાફમાં પણ સરસાઈ જાળવી રાખીને સરળતાથી ખિતાબ જીત્યો હતો. સાક્ષીએ 10 રેડમાં નવ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે અનુએ છ અને કેપ્ટન નિધિ શર્માએ પાંચ પોઇન્ટનું યોગદાન આપ્યું હતું. ડિફેન્સમાં રિતુ અને સુમને ચાર-ચાર ટૅકલ પોઇન્ટ નોંધાવ્યા હતા.
ભારતીય પુરુષ ટીમની ટુર્નામેન્ટની સફર પણ યાદગાર રહી હતી. ટીમે ગ્રુપ સ્ટેજમાં રમેલી તમામ છ મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું અને ફાઇનલમાં શ્રીલંકાને 54-20થી પરાજય આપ્યો હતો. આમ, ભારતીય પુરુષ ટીમે સતત આઠ જીત સાથે ટુર્નામેન્ટ પૂરી કરી હતી. સમગ્ર સ્પર્ધામાં ભારતે કુલ 380 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે વિરોધી ટીમોને 193 પોઇન્ટ આપ્યા હતા.
23થી 31 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી આ પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં 13 દેશોની 23 ટીમોએ ભાગ લીધો હતો. બંને કેટેગરીમાં ભારતે અજેય રહીને ગોલ્ડ મેડલ જીતતાં અમદાવાદમાં ભારતીય કબડ્ડી માટે ઐતિહાસિક અને યાદગાર ક્ષણ સર્જાઈ છે.