વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે ડિજિટલ પેમેન્ટને લઈને સારા સમાચાર છે. હવે દુબઈના બુર્જ ખલીફા અને સિંગાપોરના યુનિવર્સલ સ્ટુડિયોઝ સહિત અનેક પ્રખ્યાત પર્યટન સ્થળોની ટિકિટ UPI દ્વારા બુક કરી શકાશે. આ માટે હવે ઇન્ટરનેશનલ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા અન્ય પેમેન્ટ ગેટવે પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPIનો આંતરરાષ્ટ્રીય વ્યાપ સતત વધી રહ્યો છે. હાલમાં 10 દેશોમાં UPI પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે ઉઝબેકિસ્તાન ટૂંક સમયમાં આ નેટવર્ક સાથે જોડાનાર 11મો દેશ બનશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદેશમાં ભારતીય પ્રવાસીઓ માટે ટિકિટ બુકિંગ અને ખરીદીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાના હેતુથી વિવિધ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં આવી રહી છે.
દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના ઑબ્ઝર્વેશન ડેક ‘એટ ધ ટોપ’ની ટિકિટ હવે સીધી UPIથી ઓનલાઇન બુક કરી શકાશે. આ સુવિધા માટે NIPLએ NEOPAY અને એમાર એન્ટરટેઇનમેન્ટ સાથે ભાગીદારી કરી છે. આ સાથે બુર્જ ખલીફા UAEમાં ઓનલાઇન પેમેન્ટ અને ઇ-કોમર્સ માટે UPI સ્વીકારનારું પ્રથમ મોટું પર્યટન સ્થળ બન્યું છે.
સિંગાપોરમાં પણ ભારતીય પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. NIPLએ ત્યાંની પેમેન્ટ કંપની FOMO Pay સાથે ભાગીદારી કરી છે. તેના દ્વારા રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે આવેલા યુનિવર્સલ સ્ટુડિયો સિંગાપોર, સિંગાપોર ઓશનેરિયમ અને એડવેન્ચર કોવ વોટરપાર્કની ટિકિટ UPI દ્વારા ઓનલાઇન ખરીદી શકાશે. આ સુવિધાથી પ્રવાસીઓ માટે વિદેશમાં ટિકિટ બુકિંગ વધુ સરળ અને સુવિધાજનક બનશે.
ભારત પોતાની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન યાત્રા દરમિયાન 30 ઓગસ્ટ 2026ના રોજ થયેલા બિઝનેસ કરારના અમલ બાદ ઉઝબેકિસ્તાન પણ UPI નેટવર્ક સાથે જોડાશે. આમ, તે આ સુવિધા ધરાવતો 11મો દેશ બનશે.
UPI એટલે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ, જેને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ દ્વારા મોબાઇલની મદદથી સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. અગાઉ ડિજિટલ વૉલેટનો ઉપયોગ વધુ થતો હતો, જેમાં KYC જેવી પ્રક્રિયાઓ જરૂરી હતી. UPI દ્વારા બેંક ખાતા સાથે સીધું જોડાણ થતું હોવાથી પેમેન્ટની પ્રક્રિયા સરળ બની છે.
ભારતમાં RTGS અને NEFT જેવી પેમેન્ટ સિસ્ટમનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, જ્યારે IMPS, RuPay અને UPI જેવી સિસ્ટમોનું સંચાલન NPCI કરે છે. સરકારે 1 જાન્યુઆરી 2020થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક અમલમાં મૂક્યું હતું, જેના કારણે સામાન્ય UPI પેમેન્ટ પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી.