National

હવે એરપોર્ટ પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બતાવવાની ઝંઝટ ખતમ! ચહેરો જ બનશે ઓળખ

હવાઈ મુસાફરી કરતા લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે એરપોર્ટ પર પ્રવેશથી લઈને બોર્ડિંગ સુધી વારંવાર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બતાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા આધુનિક ઈ-ગેટ ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતી આ સુવિધા હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પણ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થામાં મુસાફરોનો ચહેરો જ તેમની ઓળખ અને બોર્ડિંગ પાસ તરીકે કામ કરશે. એટલે કે, એરપોર્ટ પર મુસાફરી દરમિયાન વારંવાર દસ્તાવેજો કાઢવાની જરૂર નહીં પડે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય પણ બચશે.

આ આધુનિક ટેકનોલોજીને ‘ડિજી યાત્રા’ તરીકે ઓળખવામાં આવે છે. તે સંપૂર્ણપણે ફેસ રેકગ્નિશન એટલે કે ચહેરાની ઓળખની ટેકનોલોજી પર આધારિત છે. એરપોર્ટના પ્રવેશદ્વાર, સુરક્ષા તપાસ કેન્દ્ર અને બોર્ડિંગ ગેટ પર ખાસ બાયોમેટ્રિક ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. આ ગેટ હાઈટેક કેમેરાથી સજ્જ હોય છે, જે મુસાફરના ચહેરાને સ્કેન કરીને સિસ્ટમમાં રહેલી વિગતો સાથે સરખાવે છે. ચહેરાની ઓળખ સફળતાપૂર્વક ચકાસાઈ જાય ત્યારબાદ ઈ-ગેટ આપમેળે ખુલી જાય છે અને મુસાફર આગળ વધી શકે છે.

આ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ મુસાફરી પહેલાં કેટલીક સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સૌથી પહેલાં પોતાના મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ ઓળખપત્રની વિગતો દાખલ કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે. એપમાં પોતાની સ્પષ્ટ સેલ્ફી અપલોડ કર્યા બાદ ડિજિટલ ઓળખની પ્રક્રિયા પૂર્ણ થશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મુસાફરી બુક કર્યા બાદ પ્રસ્થાનના થોડા કલાક પહેલાં એપમાં બોર્ડિંગ પાસ અને પાસપોર્ટની ડિજિટલ નકલ શેર કરવાની રહેશે. ત્યારબાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી પ્રવેશદ્વારથી લઈને સુરક્ષા તપાસ અને બોર્ડિંગ ગેટ સુધી મુસાફર માત્ર ઈ-ગેટના કેમેરા સામે ઊભા રહીને ચહેરાની ઓળખ કરાવી શકશે. આ પ્રક્રિયા ગણતરીની સેકન્ડોમાં પૂર્ણ થઈ જશે અને મુસાફરને વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં રહે.

ડિજી યાત્રા ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો મુસાફરોનો કિંમતી સમય બચાવવાનો છે. એરપોર્ટ પર ચેક-ઇન, ઇમિગ્રેશન અને સુરક્ષા તપાસ દરમિયાન લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યા ઓછી થશે. ખાસ કરીને મુસાફરોની સંખ્યા વધુ હોય ત્યારે આ વ્યવસ્થા એરપોર્ટ પરની ભીડ અને પ્રક્રિયાના સમયને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, ચહેરાની ઓળખના આધારે વેરિફિકેશન થતું હોવાથી બનાવટી દસ્તાવેજો અને ઓળખની છેતરપિંડીનું જોખમ પણ ઘટાડી શકાય છે.

મુસાફરોના ડેટાની સુરક્ષાને પણ આ વ્યવસ્થામાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડિજી યાત્રા સિસ્ટમમાં મુસાફરોની માહિતી સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ રાખવામાં આવે છે. મુસાફરી પૂર્ણ થયા બાદ 24 કલાકની અંદર સંબંધિત ડેટા સિસ્ટમમાંથી આપમેળે ડિલીટ થઈ જાય છે. આથી મુસાફરોની અંગત માહિતી લાંબા સમય સુધી સિસ્ટમમાં સંગ્રહિત રહેતી નથી.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એરપોર્ટ પર મુસાફરીની પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ફ્લાઇટ્સ બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પણ ડિજી યાત્રાનો વ્યાપ વધવાથી આગામી સમયમાં એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ વધુ સુગમ બનવાની આશા છે.

Most Popular

To Top