અમેરિકામાં હેલોવીનની ઉજવણી દરમિયાન હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ટેક્સાસના ડલાસ શહેરમાં ગોળીબારની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત અલાબામાના બર્મિંગહામમાં ફૂટબોલ મેચ બાદ થયેલા સામૂહિક ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય આઠ લોકોને ઈજા પહોંચી હતી. હેલોવીન વીકએન્ડ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં બનેલી આવી ઘટનાઓને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
ડલાસના પોલીસ વડા ડેનિયલ કોમેક્સે જણાવ્યું હતું કે શહેરમાં ગોળીબારની ત્રણ અલગ-અલગ ઘટનાઓ બની હતી. તેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને 15 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. પોલીસ દ્વારા ડીપ એલમ વિસ્તારમાં બનેલી ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસોમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ પોલીસે ધરપકડ કરાયેલા લોકો અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ, અલાબામાના બર્મિંગહામમાં લિજન ફિલ્ડ સ્ટેડિયમની બહાર મેજિક સિટી ક્લાસિક ફૂટબોલ મેચ પૂર્ણ થયા બાદ સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મેચ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે ગોળીબાર થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી હેલોવીન વીકએન્ડ દરમિયાન ટીનેજર્સની મોટી ભીડ રસ્તાઓ પર એકઠી થઈને ઉજવણી કરતી હોવાની ઘટનાઓ વધી રહી છે. આવી ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ અચાનક હિંસા ફાટી નીકળતી હોવાને કારણે સ્થાનિક પ્રશાસન માટે સુરક્ષા જાળવવી પડકારરૂપ બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ જર્સીથી લઈને એટલાન્ટા સુધીનાં અનેક શહેરોમાં ટીનેજર્સ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ જાહેર સ્થળો પર દેખરેખ રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઈલિનોઈસના ઓક પાર્કમાં પણ હેલોવીન દરમિયાન હિંસાની ઘટનાઓ અટકાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંના પોલીસ વડાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે ટીનેજર્સની ગતિવિધિઓ પર નજર રાખવા અને હિંસક ઘટનાઓને રોકવા માટે અગાઉથી પગલાં લેવામાં આવ્યા હતા. હેલોવીન વીકએન્ડ દરમિયાન અમેરિકાના અલગ-અલગ શહેરોમાં બનેલી ગોળીબારની ઘટનાઓએ તહેવારની ઉજવણી દરમિયાન જાહેર સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે.