બોલિવુડ અભિનેતા અજય દેવગણે વિમલ ઇલાયચીની જાહેરાતને લઈને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આપવામાં આવેલી શો-કોઝ નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અભિનેતાએ FDAની નોટિસને માત્ર દેખાડો અને ઔપચારિકતા ગણાવી છે. તેમનો આરોપ છે કે FDAએ તેમનો ખુલાસો સાંભળ્યા વિના જ જાહેરાતને પ્રતિબંધિત વિમલ પાન મસાલાના પ્રમોશન તરીકે માની લીધો હતો. આ અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં 4 નવેમ્બરે સુનાવણી થવાની શક્યતા છે.
અજય દેવગણે પોતાની રિટ અરજીમાં જણાવ્યું છે કે FDA દ્વારા તેમને આપવામાં આવેલી 16 ઓગસ્ટની કારણદર્શક નોટિસ પૂર્વગ્રહથી પ્રેરિત અને પૂર્વનિર્ધારિત હતી. તેમના મતે, વિભાગે તેમના જવાબ અને રજૂઆતને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા વિના જ જાહેરાત અંગે નિર્ણય લઈ લીધો હતો. તેમણે આ કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવી છે અને નોટિસ સામે કોર્ટમાં પડકાર ફેંક્યો છે.
ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટે મહારાષ્ટ્ર FDAએ અજય દેવગન ઉપરાંત બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફને પણ કારણદર્શક નોટિસ પાઠવી હતી. વિભાગનો આરોપ હતો કે વિમલ ઇલાયચીની જાહેરાત સરોગેટ એડવર્ટાઇઝિંગનો ભાગ છે. વિમલ બ્રાન્ડ મુખ્યત્વે પાન મસાલા અને ગુટખા સાથે સંકળાયેલી હોવાથી ઇલાયચીના નામે કરવામાં આવતી જાહેરાતો દ્વારા પ્રતિબંધિત ઉત્પાદનોનું આડકતરી રીતે પ્રમોશન કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુટખા અને પ્રતિબંધિત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી FDAએ આ જાહેરાતોને લઈને કાર્યવાહી કરી હતી.
અજય દેવગણે પોતાની અરજીમાં આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે તેઓ માત્ર વિમલ ઇલાયચીની જાહેરાત કરે છે. તેમના જણાવ્યા અનુસાર, ઇલાયચી એક કાયદેસરનું ઉત્પાદન છે, જે બજારમાં મુક્તપણે વેચાય છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે દલીલ કરી છે કે FDAએ ઇલાયચી અને પાન મસાલાને એક જ ઉત્પાદન માનીને ભૂલ કરી છે. બંને ઉત્પાદનો વચ્ચેનો તફાવત સમજ્યા વિના જાહેરાતને પ્રતિબંધિત પાન મસાલાના પ્રમોશન સાથે જોડવી યોગ્ય નથી.
અભિનેતાએ વધુમાં જણાવ્યું છે કે કાયદેસર રીતે વેચાતી પ્રોડક્ટની જાહેરાત કરવી તેમનો અધિકાર છે. આવી જાહેરાતથી દૂર રહેવાનો આદેશ આપવો એ ભારતીય બંધારણ હેઠળ મળેલા વ્યવસાય અને રોજગારના મૂળભૂત અધિકારો પર અયોગ્ય પ્રતિબંધ મૂકવા સમાન છે. તેમણે FDAની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે કાયદેસરના ઉત્પાદનની જાહેરાતને પ્રતિબંધિત ઉત્પાદનના પ્રચાર તરીકે ગણવી યોગ્ય નથી.
આ મામલે હવે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન FDAની નોટિસ અને તેની પાછળની કાર્યવાહી અંગે દલીલો થવાની છે. અજય દેવગનની અરજીથી સરોગેટ જાહેરાતો, પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોના આડકતરા પ્રચાર અને કાયદેસર ઉત્પાદનોની જાહેરાત વચ્ચેના તફાવતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય પર આ મામલે આગળની કાર્યવાહીનો આધાર રહેશે.