Business

ચીન અને અમેરિકાનો AI પરપોટો હવે ફૂટવાની તૈયારીમાં છે

૧૯૯૦ના દાયકામાં જે રીતે ડોટ કોમનો ફુગ્ગો ફૂટી ગયો હતો તેમ ૨૦૨૦ના દાયકામાં AI નો ફુગ્ગો પણ ફૂટી જવાની તૈયારીમાં છે. વિશ્વભરમાં AI કંપનીઓ ભવિષ્યના નફાની ગણતરી સાથે અબજો ડોલરની ઉધારી કરી રહી છે, પણ નફો ક્યાંય દૂર સુધી પણ દેખાતો નથી. ભારતીય શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વચ્ચે ચીનના AI ક્ષેત્રના સમાચાર વિશ્વભરનાં રોકાણકારો માટે ચેતવણીરૂપ છે. ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓના શેરોમાં આવેલો ઉછાળો હવે મોટા ઘટાડામાં ફેરવાઈ ગયો છે. STAR50 ઇન્ડેક્સ, જેમાં AI અને સેમિકન્ડક્ટર કંપનીઓનું વર્ચસ્વ છે, તે જુલાઈના ટોચના સ્તરથી ચાર મહિનાથી ઓછા સમયમાં લગભગ ૪૦ ટકા ઘટ્યો છે. આનાથી બજારના મૂલ્યમાં લગભગ ૪૮૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

AI ની માંગ અંગે ચિંતાઓ અને ચીની ટેક ઉત્પાદનો પર અમેરિકન પ્રતિબંધોની સંભાવનાએ રોકાણકારોને ગભરાવ્યા છે. આ ઘટાડાથી ચીનના સામાન્ય રોકાણકારોની બચતને ટેકનોલોજી ક્ષેત્ર તરફ આકર્ષિત કરવાના પ્રયાસોને પણ ફટકો પડ્યો છે. ચીનનો બ્લુ-ચિપ ઇન્ડેક્સ જૂનમાં ટોચ પર હતો. હવે તે લગભગ ૨૦ ટકા નીચે આવી ગયો છે. ઓગસ્ટમાં લિસ્ટિંગ થયા પછી ચીનના રોબોટ નિર્માતા યુનિટ્રીના શેરના ભાવો લગભગ અડધા થઈ ગયા છે. ચિપ નિર્માતા CXMTના શેરના ભાવો પણ ગયા મહિનામાં એક ક્વાર્ટરથી વધુ ઘટ્યા છે. જુલાઈથી મેટાએક્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને મૂર થ્રેડ્સ ટેકનોલોજીના શેર પણ લગભગ ૫૦ ટકા ઘટ્યા છે.

તેજી દરમિયાન રોકાણકારોએ આ કંપનીઓમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. હવે નુકસાનના ડરથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યાં છે. ટેકનોલોજી કંપનીઓ માટે મૂડી એકત્ર કરવાનું મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોને શેરોમાં વધુ ઘટાડાનો ભય છે. વિશ્લેષકોના મતે અમેરિકાના પ્રતિબંધોનો ભય, ડેટા સેન્ટરો માટે ચીની સાધનોના પુરવઠા પર સંભવિત નાકાબંધી અને શેરોના અતિશય ઊંચા ભાવોએ વેચાણને વેગ આપ્યો છે. જો કે, કેટલાંક રોકાણકારો આ ઘટાડાને ખરીદીની તક તરીકે પણ જોઈ રહ્યાં છે. ચીનના રોકાણ કરનારા સમુદાયમાં ચિંતા વધી રહી છે કે AIમાં નફો રળવાની આશાઓમાં વધુ પડતું રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે.

ચીનની જેમ અમેરિકાનાં બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. અગ્રણી ઇન્ડેક્સ, S&P 500, ૨.૦૬ ટકા ઘટ્યો છે. ઇન્ટેલના શેરમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે. NVIDIA, AMD, DELL અને HPના શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ નોંધપાત્ર ઘટાડાના પરિણામે Nasdaq Composite ઇન્ડેક્સ ૨.૮૬ ટકા ઘટીને બંધ થયો છે. આ મોટા ઘટાડાએ વિશ્વભરનાં રોકાણકારોને ડરાવી દીધાં છે અને એવું માનવામાં આવે છે કે અમેરિકામાં પણ AI નો પરપોટો ફૂટવા લાગ્યો છે. શુક્રવારે નાસ્ડેક કમ્પોઝિટમાં ૫ જૂન પછીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો જોવા મળ્યો હતો.

આનું કારણ ઇન્ટેલ અને એમેઝોનનાં નબળાં ત્રિમાસિક પરિણામો હતાં. ડેટા પણ AI ના પક્ષમાં નથી, જેના કારણે રોકાણકારો નિરાશ થયાં છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે AI નો પરપોટો ટૂંક સમયમાં ફૂટી શકે છે. શું AI બબલ ફૂટી ગયો છે? આ પ્રશ્ન હાલમાં દરેક રોકાણકારને પરેશાન કરી રહ્યો છે. વૈશ્વિક AI ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. જે AI એ છેલ્લાં બે વર્ષથી જનતા અને ઉદ્યોગ બંનેમાં ઉત્સાહ પેદા કર્યો છે તે જ AI હવે મોટા પાયે માળખાકીય ખર્ચ અને આવકના પ્રવાહના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે. કંપનીઓ હજુ પણ તેના રોડમેપ વિશે અનિશ્ચિત છે. આ કારણે AI માળખું વાસ્તવિકતા સાથે અથડાઈ રહ્યું છે.

CAIA એસોસીએશનના સ્ટીફન વોંગ આ ઘટાડા વિશે સમજાવતાં કહે છે કે AI વિશે કરવામાં આવેલા બધા ઊંચા દાવાઓની હવે ફરીથી ચકાસણી કરવામાં આવી રહી છે. તે નક્કી કરવામાં આવી રહ્યું છે કે તેઓ તેમની પાસેથી રોકાણકારોએ રાખેલી અપેક્ષાઓ પર ખરા ઊતરે છે કે નહીં. આ જ કારણ છે કે AI કંપનીઓ તેમના શેરોમાં તીવ્ર ઘટાડો જોઈ રહી છે. આને AI પરપોટાના ફૂટવા સાથે જોડવામાં આવી રહ્યું છે.

AI ક્ષેત્રમાં આવકની સંભાવના, નફાકારકતા અને ખર્ચ-અસરકારકતાની હવે નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. યુબીએસ ગ્લોબલ રિસર્ચનો અંદાજ છે કે છ સૌથી મોટી કંપનીઓ ૨૦૩૦ સુધીમાં એઆઈ પર ૭.૭ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરશે. નિષ્ણાતો માને છે કે પાણીની જેમ પૈસા ખર્ચવાના આ નવા વલણથી તેમનાં રોકાણ પરના વળતરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પોતાનો નફો જાળવી રાખવા માટે આ કંપનીઓને ૨૦૩૧ સુધીમાં આશરે ૧ ટ્રિલિયન ડોલરની વધારાની આવક ઉત્પન્ન કરવાની જરૂર પડશે, પરંતુ રોકાણકારોને શંકા છે કે શું તેઓ ખરેખર ભવિષ્યમાં આટલી આવક ઉત્પન્ન કરી શકશે.

ચીની અને અમેરિકન શેરબજારો કૃત્રિમ બુદ્ધિમત્તા અને ટેકનોલોજી શેરબજારો અંગેની ચિંતાઓથી દબાયેલા છે, તેમ છતાં ભારતીય શેરબજાર આ ઘટનાઓથી અવિચલિત રહ્યું છે અને તેણે પોતાની ઉપરની ગતિ જાળવી રાખી છે. ભારતના શેર બજારમાં છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં ૨ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ બે દિવસમાં ૧,૨૧૩ પોઈન્ટ ઉછળીને ૭૪,૪૫૯ પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ માં પણ વધારો જોવા મળ્યો છે.

વિશ્લેષકો માને છે કે આ AI પરપોટો ડોટ-કોમના પરપોટા કરતાં ૧૭ ગણો મોટો અને ૨૦૦૮ ના રિયલ એસ્ટેટ ક્રેશ કરતાં ચાર ગણો મોટો છે. કંપનીઓએ AI ની ક્ષમતાઓને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરી છે, જેના કારણે AI કંપનીઓમાં મોટા પાયે રોકાણો થયાં છે. આ પરિસ્થિતિ ગંભીર આર્થિક કટોકટી તરફ દોરી શકે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોઈ શકે છે. ભારત પણ તેનાથી બચી શકશે નહીં અને તેને અનેક પડકારોનો પણ સામનો કરવો પડશે. એક સ્વતંત્ર સંશોધન પેઢી મેક્રોસ્ટ્રેટીજી પાર્ટનરશિપે તેના અહેવાલમાં આ ચિંતા વ્યક્ત કરી છે.

પેઢીના જણાવ્યા અનુસાર AI પરપોટો ખૂબ મોટો થઈ ગયો છે. જુલિયન ગેરેન અને તેમની ટીમ માને છે કે કંપનીઓએ AI ની સાચી શક્તિને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરી છે. મોટા વ્યવસાયોમાં મોટા ભાષા મોડેલો (LLMs) અપનાવવાનો દર પહેલાથી જ ઘટવા લાગ્યો છે. ગેરેને એમ પણ કહ્યું કે ચેટજીપીટી કદાચ ટોચમર્યાદા પર પહોંચી ગયું છે. તેમણે સમજાવ્યું કે તેનું નવું સંસ્કરણ તેના પુરોગામી કરતાં દસ ગણું મોંઘું છે, પરંતુ પ્રદર્શનમાં કોઈ સુધારો દર્શાવતું નથી. આ પરિસ્થિતિ સૂચવે છે કે AI નો વિકાસ અપેક્ષા મુજબ આગળ વધી રહ્યો નથી. ગેરેને પોતાના અહેવાલમાં ચેતવણી આપી હતી કે આ AI તેજીનાં ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે. જો આ પરપોટો ફૂટશે તો અર્થતંત્ર મંદીમાં ડૂબી શકે છે, જેનાથી સરકાર માટે તેને સંભાળવું ખૂબ મુશ્કેલ બનશે.

ટીએસ લોમ્બાર્ડ ખાતે ગ્લોબલ મેક્રોના મેનેજિંગ ડિરેક્ટર ડારિયો પર્કિન્સે પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટેક કંપનીઓ AI ડેટા સેન્ટર બનાવવા માટે ભારે દેવું લઈ રહી છે. તેમણે આ વલણની તુલના ડોટ-કોમ અને સબપ્રાઇમ મોર્ટગેજ બબલ્સ સાથે કરી હતી. પર્કિન્સે સમજાવ્યું હતું કે મોટી ટેક કંપનીઓને ચિંતા નથી કે તેમનાં રોકાણો કોઈ વળતર આપશે કે કેમ, કારણ કે તેઓ રેસમાં છે. તેમણે કહ્યું કે આ ચોક્કસપણે એક લાલ સિગ્નલ છે. તેનો અર્થ એ છે કે કંપનીઓ નફા કરતાં સ્પર્ધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે એક ખતરનાક સંકેત છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે પણ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે AI એક પરપોટો છે. ભારત પણ વૈશ્વિક વાતાવરણથી મુક્ત રહી શકે તેમ નથી.

ભારતે કોઈ પણ સંભવિત વૈશ્વિક મંદી અથવા AI પરપોટાના ફૂટવાની અસરને ઘટાડવા માટે સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. પ્રથમ, તેણે માળખાગત સુવિધાઓ અને ગ્રામીણ આવક પર સરકારી ખર્ચ ચાલુ રાખીને સ્થાનિક માંગ જાળવી રાખવી જોઈએ. આ વૈશ્વિક આંચકાઓની અસરને ઘટાડશે. બીજું, AI ને કારણે સંભવિત નોકરીના નુકસાનનો ઉકેલ મેળવવા માટે ભારતે ખાસ કરીને IT અને ઉત્પાદન ક્ષેત્રોમાં મોટા પાયે કૌશલ વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકવા જોઈએ. ત્રીજું, AI તેજીને આર્થિક પરપોટામાં ફેરવાતી અટકાવવા માટે ભારતની સરકારે ઉચ્ચ-મૂલ્યાંકન અને ખૂબ દેવાવાળા સ્ટાર્ટઅપ્સ પર નિયમનકારી કડકતા જાળવી રાખવી જોઈએ, જેથી તેઓ દેવાળું ફૂંકે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top