India

જાન્યુઆરી 2027થી બદલાશે 6 ટ્રેનોના નંબર, સુપરફાસ્ટ ચાર્જ દૂર થતાં ટિકિટ સસ્તી થશે

રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. જાન્યુઆરી 2027થી અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી છ ટ્રેનોને સુપરફાસ્ટમાંથી સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે મુસાફરોને ટિકિટમાં લાગતો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવો નહીં પડે. પરિણામે જનરલ, સ્લીપર અને એસી સહિતના વિવિધ વર્ગોની ટિકિટના ભાડામાં રૂ. 15થી રૂ. 75 સુધીનો ઘટાડો થશે. આ ઉપરાંત ટ્રેનો નવા નંબર સાથે દોડશે. જોકે, ટ્રેનોના રૂટ, સ્ટોપેજ અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

સુપરફાસ્ટ ટ્રેનને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં ફેરવવાથી મુસાફરોને વર્ગ પ્રમાણે અલગ-અલગ રાહત મળશે. જનરલ અને સેકન્ડ સિટિંગ (2S)ની ટિકિટમાં રૂ. 15નો ઘટાડો થશે. સ્લીપર ક્લાસમાં રૂ. 30, એસી ચેર કાર અને થર્ડ એસીમાં રૂ. 45, જ્યારે સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીની ટિકિટમાં રૂ. 75 સુધીનો ઘટાડો થશે. આ ઘટાડો સુપરફાસ્ટ ટ્રેનોમાં વસૂલવામાં આવતા વધારાના ચાર્જને દૂર કરવાથી થશે.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ જતી જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પણ આ ફેરફાર લાગુ થશે. હાલમાં આ ટ્રેન 20495/20496 નંબરથી દોડે છે. 3 જાન્યુઆરી, 2027થી તેને નવા નંબર 14809/14810 સાથે સામાન્ય એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આ ફેરફારથી અમદાવાદ સહિત સમગ્ર રૂટના મુસાફરોને ટિકિટ ભાડામાં રાહત મળશે. જોકે, ટ્રેનના હાલના સમયપત્રક, રૂટ અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેની ચાર ટ્રેનોને 1 જાન્યુઆરી, 2027થી નવા નંબર સાથે એક્સપ્રેસ શ્રેણીમાં દોડાવવામાં આવશે. તેમાં દાદર–એકતાનગર અને એકતાનગર–દાદર ટ્રેનોનો સમાવેશ થાય છે. હાલમાં 12927 નંબરથી દોડતી દાદર–એકતાનગર ટ્રેનનો નવો નંબર 19067 થશે, જ્યારે પરત ફરતી 12928 નંબરની એકતાનગર–દાદર ટ્રેન નવા નંબર 19068 સાથે દોડશે.

વલસાડ–વડનગર અને વડનગર–વલસાડ ટ્રેનોના નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે. હાલમાં 20959 નંબરથી દોડતી વલસાડ–વડનગર ટ્રેન 19059 નંબર સાથે દોડશે. જ્યારે 20960 નંબરની વડનગર–વલસાડ ટ્રેનનો નવો નંબર 19060 રહેશે. આ ચારેય ટ્રેનોમાં પણ સુપરફાસ્ટ શ્રેણીમાંથી એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તન થવાથી મુસાફરોને વધારાના સુપરફાસ્ટ ચાર્જમાંથી રાહત મળશે.

આ ફેરફારનો મુખ્ય લાભ નિયમિત મુસાફરી કરતા લોકોને મળશે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં સ્લીપર અને એસી વર્ગના મુસાફરોને ટિકિટ દીઠ રૂ. 30થી રૂ. 75 સુધીની બચત થઈ શકે છે. મુસાફરોએ જાન્યુઆરી 2027થી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રેનના નવા નંબરની નોંધ રાખવી જરૂરી રહેશે.

Most Popular

To Top