૧૯૯૧માં રાજમોહન ગાંધીએ ‘પટેલ: અ લાઇફ’ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એપ્રિલ ૧૯૯૦ની તારીખ ધરાવતી આ પુસ્તકની પ્રસ્તાવનામાં રાજમોહન લખે છે: ‘સ્વતંત્ર ભારતની સ્થાપનાએ મુખ્યત્વે ત્રણ પુરુષો-ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોમાંથી વૈધતા અને શક્તિ મેળવી હતી. પરંતુ જ્યારે નેહરુના કિસ્સામાં ભરપૂર સન્માન અને ગાંધીના કિસ્સામાં કર્તવ્યભાવ સાથે તેમને યાદ કરવામાં આવે છે, ત્યારે પટેલના કિસ્સામાં તે અત્યંત કંજૂસીભર્યા રહ્યા છે.’
આ પ્રસ્તાવના નેહરુ શતાબ્દી વર્ષની ઉજવણી પછી લખાઈ હતી. રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે આ ઉજવણી ધામધૂમથી કરી હતી. તેમના પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ વડાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન નેહરુની મરણોત્તર છબીને ચમકાવવા માટે પ્રયાસો કર્યા હતા. એ જ સંદર્ભમાં વલ્લભભાઈ પટેલ પરનું રાજમોહનનું પુસ્તક પહેલી વાર પ્રકાશિત થયું હતું. 35 વર્ષ પછી તેની નવી આવૃત્તિ એવા સમયે આવી છે જ્યારે રાજકીય વાતાવરણ સાવ અલગ છે.
રાજમોહન લખે છે કે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા પછી પણ વલ્લભભાઈ ‘પોતાના ગ્રામીણ મૂળ માટે હંમેશાં ગર્વ અનુભવતા હતા’. 1920ના દાયકાના ઉત્તરાર્ધમાં બારડોલી સત્યાગ્રહના નેતૃત્વ દરમિયાન તેઓ ‘ખેડૂતોની બોલી અને ખેડૂતોના મુહાવરાના માસ્ટર’ સાબિત થયા હતા અને તેમણે ખેડૂતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજમોહન લખે છે કે ‘વલ્લભભાઈને ગાંધીમાં જ ત્રણ વ્યક્તિત્વો જોવા મળ્યાં હતાં-એક સંત, યોદ્ધા અને માર્ગદર્શક કે જેના પર તેઓ વિશ્વાસ કરી શકતા હતા અને અનુસરી શકતા હતા.’
1930ના દાયકામાં બ્રિટિશ રાજના સહકેદી તરીકે બંનેએ 16 મહિના સાથે વિતાવ્યા હતા. એ દરમિયાન વલ્લભભાઈનો મહાત્મા પ્રત્યેનો સ્નેહ અનેક સેવાકાર્યોમાં વ્યક્ત થતો હતો. તેઓ દરરોજ ગાંધીજી માટે લીમડાનું દાતણ તૈયાર કરતા, લીંબુ નિચોવતા અને તેમના પત્રો લખવામાં મદદ કરતા. 1930ના દાયકાના ઉત્તરાર્ધમાં નેહરુ અને પટેલ કોંગ્રેસના બે મુખ્ય નેતાઓ તરીકે ઊભર્યા ત્યારે રાજકીય વ્યૂહરચનાના મુદ્દે તેમના મતભેદો હતા. આમ છતાં, રાજમોહન લખે છે કે, ‘આઝાદી સૌથી પહેલાં મળવી જોઈએ અને ગાંધી અતિ આવશ્યક હતા.
આ બે મૂળભૂત બાબતો હતી, જેના પર વલ્લભભાઈ અને જવાહરલાલ સહમત હતા.’ નેહરુએ પણ પટેલ સાથેના સંબંધો વિશે કહ્યું હતું કે, ‘અમારા રાજકીય મતભેદો કરતાં અમારા સંમતિના મુદ્દાઓ વધુ હતા.’ ગાંધીજીના અવસાન બાદ બંનેએ પોતાના મતભેદો ભૂલીને સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. ગાંધીજીની હત્યાના ત્રણ દિવસ પછી નેહરુએ પટેલને પત્ર લખ્યો હતો કે, ‘બાપુના અવસાન સાથે બધું જ બદલાઈ ગયું છે અને આપણે એક અલગ અને વધુ મુશ્કેલ વિશ્વનો સામનો કરવાનો છે.
જૂના વિવાદોનું હવે બહુ મહત્ત્વ રહ્યું નથી અને મને લાગે છે કે સમયની તાકીદની જરૂરિયાત એ છે કે આપણે બધાએ શક્ય તેટલી નિકટતાથી અને સહકારી રીતે કામ કરવું.’ નેહરુએ વધુમાં લખ્યું હતું કે, ‘આપણે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયાને 25 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે અને સાથે મળીને ઘણાં વાવાઝોડાં અને જોખમોનો સામનો કર્યો છે. હું પૂરી ઈમાનદારીથી કહી શકું છું કે આ સમયગાળા દરમિયાન તમારા પ્રત્યે મારો સ્નેહ અને આદર વધ્યો છે.’ પટેલે જવાબમાં આ લાગણીઓનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે બાપુના મૃત્યુથી બધું બદલાઈ ગયું છે અને દેશની કટોકટી આપણને સાથે મળીને કરેલા કામની અનુભૂતિ કરાવે છે. દેશના હિતમાં હવે વધુ સંયુક્ત પ્રયાસોની જરૂર છે.
બંનેએ મતભેદો ભૂલીને દેશના ટુકડાઓને એક રાષ્ટ્રમાં જોડવા સાથે મળીને કામ કર્યું. રાજમોહન લખે છે કે ગૃહમંત્રી અને વડા પ્રધાન તરીકે સાથે કામ કરતા વર્ષોમાં પટેલ નેહરુની પ્રાથમિકતા અને લોકપ્રિયતાથી સારી રીતે વાકેફ હતા. 14 નવેમ્બર 1948ના રોજ નેહરુના 69મા જન્મદિવસે પટેલે લખ્યું હતું કે, ‘મહાત્મા ગાંધીએ પંડિત નેહરુને પોતાના ઉત્તરાધિકારી તરીકે નામાંકિત કર્યા હતા. ગાંધીજીના મૃત્યુ પછી આપણને સમજાયું છે કે આપણા નેતાનો નિર્ણય સાચો હતો.’ આ કૉલમ વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી પર પ્રકાશિત થઈ રહી છે. ગાંધી અને નેહરુ સાથેના પટેલના સંબંધો સહિત તેમના જીવન અને કાર્યનાં વિવિધ પાસાંઓ જાણવા માગતા લોકોએ રાજમોહનનું પુસ્તક વાંચવું જોઈએ. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રનિર્માતાના જીવનનો તે સૌથી સંપૂર્ણ અને વિગતવાર અભ્યાસ છે.
મેં આ કૉલમની શરૂઆત રાજમોહન ગાંધીના ‘પટેલ: અ લાઇફ’ની 1991ની આવૃત્તિની પ્રસ્તાવનાથી કરી હતી. હવે તેનો અંત 2026ની આવૃત્તિની પ્રસ્તાવનાના અંશથી કરીશ. રાજમોહન લખે છે: ‘રાજકીય હેતુઓ માટે પટેલનો દુરુપયોગ અથવા શોષણ કરવાના સતત પ્રયાસોમાંથી આપણે શું સમજવું જોઈએ? હિન્દુ સર્વોપરિતા અને મુસ્લિમ અધીનતાની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે સરદારનો ઉપયોગ કરવાના પ્રયાસોનો સામનો કરવો એ દુઃખદાયક છે.’ રાજમોહન અર્થપૂર્ણ રીતે અવલોકન કરે છે કે વર્તમાન સંદર્ભમાં ભારત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ‘પટેલ વિરુદ્ધ નેહરુના વિવાદને અતિશયોક્તિપૂર્વક રજૂ કરવો એ ધ્યાન ભટકાવવા તરીકે કામ કરે છે.’
પુસ્તક વિશે તેઓ વધુમાં લખે છે: ‘આ પાનાં બતાવશે કે પટેલ અને નેહરુ એકબીજા સાથે વારંવાર દલીલો કરતા હતા. તેમના મતભેદો ઘણી વાર તીવ્ર હતા. તેમની પૃષ્ઠભૂમિ, પ્રારંભિક જીવન અને દૃષ્ટિકોણ અલગ હતાં. ખાનગીમાં હંમેશાં અને ક્યારેક જાહેરમાં પણ બંને પોતાના મતભેદો વિશે સ્પષ્ટ હતા. તેમના મતભેદોમાં ડ્રામા અને અર્થ છે. જો કે, આ પાનાં પ્રગટ કરશે કે અંતે દરેક વિવાદનો અંત એકતામાં પરિણમ્યો હતો.’ પટેલ-નેહરુના મતભેદો ઉકેલવામાં મહાત્માની ભૂમિકા નોંધ્યા પછી રાજમોહન આશા વ્યક્ત કરે છે કે વાચકો ગાંધી-પટેલ-નેહરુ ત્રિકોણની અસાધારણ પ્રકૃતિને ઓળખશે અને સમજશે કે દરેક તોફાની સંકટ અને ઊથલપાથલ પછી આ ત્રણેયનું એક થવું ભારત માટે કેટલું મોટું વરદાન હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.