સુરતના કોટ વિસ્તારમાં પણ દુષિત પાણીની સમસ્યાએ માથું ઊંચક્યું છે. અડાજણ-રાંદેર બાદ હવે ગોપીપુરા, સોનીફળિયા અને અંબાજી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરયુક્ત અને દુષિત પાણી મળતું હોવાની ફરિયાદો સામે આવી છે. દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે ઘરોમાં પીવાના પાણીની જગ્યાએ ગટરનું પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ દિવસથી પાણીની ગુણવત્તાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી આવતું હોવાની ફરિયાદને કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. તહેવારના સમયે રોજિંદા વપરાશ માટે સ્વચ્છ પાણી ન મળતાં પરિવારોની મુશ્કેલી વધી છે.
પાલિકાની કામગીરી સામે કટાક્ષ કરતાં સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોર્પોરેટરોને પોતાના માટે ગુણવત્તાયુક્ત ભજીયાં જોઈએ છે, તો સામાન્ય શહેરીજનોને પીવા માટે શુદ્ધ પાણી કેમ નહીં? પ્રજાના ગ્લાસમાં ગટરયુક્ત પાણી અને કોર્પોરેટરોની થાળીમાં ગરમાગરમ ભજીયાં પીરસાતાં હોવાની સ્થિતિને લોકોએ ‘સ્માર્ટ સુરત’ના મોડલ સામે સવાલ તરીકે રજૂ કરી છે. અડાજણ-રાંદેર બાદ કોટ વિસ્તારમાં પણ આવી ફરિયાદો સામે આવતાં પાલિકાની પાણી પુરવઠા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. પાણીની લાઇનોમાં ગટરનું પાણી કેવી રીતે ભળી રહ્યું છે તેની તપાસ કરી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.