૧૯૯૮-૯૯ના વર્ષમાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ૨૦ ખેડૂતોએ સંકર-૪ જાતના કપાસનું વાવેતર કર્યું. કપાસની માવજત માટે આ ખેડૂતોએ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટ પદ્ધતિ અપનાવી ૫૦ ટકા સેન્દ્રિય ખાતર અને ૫૦ ટકા રાસાયણિક ખાતર તથા દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો. આથી લાંબો તાંતણો ધરાવતા ૧૬,૦૦૦ કિલો કપાસનો ઉતારો મળ્યો. બજારભાવે કપાસિયા સાથેનું રૂ વેચ્યું હોત તો ખેડૂતોને ચાર લાખની આવક થઈ હોત. પરંતુ આ ખેડૂતોએ કપાસમાંથી બીજ છૂટાં પાડી તેને ભુજમાં જિનિંગ માટે મોકલ્યું. ત્યારબાદ મોરબીની અરુણોદય મિલમાં તેમાંથી યાર્ન (તાર) તૈયાર કરાવી, એ જ મિલમાં સફેદ ટી-શર્ટનું વિવિંગ કરાવ્યું. પરિણામે ૧૬,૦૦૦ કિલો રૂમાંથી ૮,૦૦૦ ટી-શર્ટ બન્યાં. તેના નિર્માણમાં રાસાયણિક પ્રક્રિયાનો શક્ય તેટલો ઓછો ઉપયોગ થતાં તેને ‘સેમી ઑર્ગેનિક’ પ્રમાણપત્ર મળ્યું. બેલ્જિયમમાં ઓક્સફાર્મ દ્વારા એક ટી-શર્ટના રૂ. ૨૭૫ લેખે ખરીદી કરવામાં આવી. આ કાર્યથી પ્રભાવિત વિદેશી વેપારીઓએ વધુ ૨૫,૦૦૦ ટી-શર્ટનો ઑર્ડર આપ્યો.
ધરતીમાતાની ચાકરી કરનાર ગુજરાતનો ખેડૂત પેઢી દર પેઢીથી કપાસ ઉગાડે છે અને ગાંસડીઓ બાંધી વિદેશોમાં નિકાસ કરે છે. એક જમાનામાં માંચેસ્ટર ઉદ્યોગ જેના પર નભતો તેવા આપણા કપાસના ખેડૂતોની શક્તિ જોઈ ગાંધીજીએ સ્વરાજની ચળવળ સાથે રેંટિયાની વાત ઘર-ઘર સુધી પહોંચાડી. ગરીબ માણસને સ્વાવલંબી બનાવવા ખાદીનાં વસ્ત્રોને પ્રતિષ્ઠા આપી. પરંતુ રેંટિયાને તકનિક તરીકે સ્વીકારનાર ગાંધીનું તત્ત્વ તેમના અનુયાયીઓની સમજણથી પર રહી ગયું. આથી ખાદી વેલ્યૂએડેડ બનવાને બદલે સરકારી સબસિડી આધારિત કાર્યક્રમ બની ગઈ એટલું જ નહીં, ગુજરાતના ગાંધી-સર્વોદય પરિવારમાં શિરમોર શ્રી મનુભાઈ પંચોલીને તો કહેવું પડ્યું કે, “આજની ખાદી એ ગાંધીની વિધવા માત્ર છે.”
કાળી મજૂરી કરી, કુદરત સામે બાથ ભીડી કપાસ ઉગાડનાર ખેડૂતને એક કિલો કપાસના રૂ. ૨૨થી ૨૫ મળે છે. એ પ્રમાણે માંડવીના ૨૦ ખેડૂતોને વ્યક્તિગત રીતે રૂ. ૨૨,૦૦૦ મળ્યા હોત. પરંતુ માંડવી સ્થિત એગ્રોસેલ દ્વારા આ કપાસને જિનિંગ મશીનથી આગળ લઈ જઈ યાર્ન અને વોવલ મશીન સુધી પહોંચાડવા માર્ગદર્શન મળ્યું. પરિણામે એક ખેડૂતને રૂ. ૮૮,૫૦૦ની આવક થઈ. આગામી વર્ષના ટી-શર્ટના ઑર્ડર્સ વધુ આકર્ષક બનાવવા ખેડૂતો તેને વેજિટેબલ ડાયમાં રંગી તેના પર કચ્છના કારીગરોનું ભરતકામ અને છાપકામ કરાવશે. આમ, ખેડૂતોનો કપાસ વધુ રોજગારલક્ષી બનશે.
ગુજરાત રાજ્યે ગુજરાત એગ્રો સર્વિસ સેન્ટરની યોજના દ્વારા ખેતીના માળખામાં આધુનિકીકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. પરંપરાગત ખેતીના સ્થાને નવાં ઓજારો, બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ પ્રચલિત બન્યાં. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનાં સ્નાતકો અને વિદ્યાપીઠોના રૂરલ સ્ટડીઝના અનુસ્નાતકો દ્વારા સંચાલિત આ ખેતસેવા કેન્દ્રોએ દૂર-દૂરનાં ગામડાંઓમાં ખેતીની નવી પદ્ધતિઓ પ્રચલિત કરી. આથી ગુજરાતનું ખેતઉત્પાદન આપણી જરૂરિયાતો સાથે બરાબરીની હરોળમાં આવ્યું.
પરંતુ માંડવીનાં એગ્રોસેલ કેન્દ્રોએ ખેડૂતોના મિત્ર બની પોતાની ત્રણ એકર જમીન પર ખેડૂતોની મગફળીમાંથી સારી જાતના દાણા અલગ કરી તેને પરદેશ મોકલવાની સેવા આપી છે. ઉપરાંત ખેડૂતો પોતાની સિંગદાણામાંથી તેલ અને ખોળ કઢાવી મહેનતનું અધિક મૂલ્ય મેળવી શકે તેવી સાધનસુવિધા પણ પૂરી પાડી છે. ‘પ્રામાણિક ધંધો અને વાજબી નફો’ની કાર્યપદ્ધતિથી ચાલતા માંડવીના કૃષિકેન્દ્રમાં ખેડૂતોનાં જૂનાં-નવાં સાધનોની લે-વેચની સેવા વિસ્તરી છે. આસપાસનાં ૩૦૦ ગામડાંઓને પણ ખેતઆનુષંગિક સેવાઓથી આવરી લેવાયાં છે.
હવામાં લહેરાતું હળવું સિલ્ક સ્ત્રીઓનું મન મોહી લે છે અને પુરુષોનું ખિસ્સું ખંખેરી લે છે. સિલ્કનાં વસ્ત્રો બહુ રૂપાળાં હોય છે, પરંતુ તેની બનાવટ અત્યંત ક્રૂર છે. શેતૂરનાં પાન ખાઈ ૯૦ દિવસ કોશેટામાં રહેતી ઇયળ પછી સુંદર પતંગિયું બની બહાર આવે છે અને ફૂલોને ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. પરંતુ માણસ પોતાના સ્વાર્થ ખાતર લાખો કોશેટાઓને ગરમ પાણીમાં ઉકાળી રેશમનો તાંતણો છૂટો પાડે છે. આમ, પતંગિયાની પ્રાકૃતિક સ્થિતિ અટકવાની સાથે કરોડો જીવની હત્યા થાય છે.
આ સ્થિતિથી બચવા અમદાવાદ સ્થિત આઈ.આઈ.એમ.ના સહકારથી એગ્રોસેલે કચ્છના ખેડૂતોમાં એરંડાની ખેતી પ્રચલિત કરી છે. ખારા-ભાંભળા પાણીમાં ઉછરતી ગુજરાત એગ્રો-૧ નામની વેરાયટીના એરંડાને ઓછી માવજત છતાં બીજનો સારો ઉતારો મળે છે. તેના પાન પર નભતી ‘બોમ્બિક્સ મોરી’ નામની ઇયળથી અહિંસક સિલ્ક બનાવી શકાય છે.
ઉપરાંત અડધા હોર્સ પાવરની મોટર કે ઓઇલ એન્જિન સાથે ચાક કટર ફિટ કરી તેના ડાળખાના ભૂકામાંથી ઘરવપરાશ માટે કોલસો બનાવી શકાય છે. એરંડાના તેલનો ઉપયોગ નાયલોન રેઝિનના નિર્માણમાં પણ થાય છે, તેથી તેના તેલના ભાવ ઊંચા રહે છે. એરંડાનો ખોળ ઉત્તમ સેન્દ્રિય ખાતર હોવાથી ખેડૂતો પોતાની જમીનને તેનું ઉત્પાદન પાછું આપી નવી સિઝનમાં વધુ ઉત્પાદનની આશા રાખે છે. ખેડૂતને ધરતીપુત્ર અને જગતનો તાત જેવા શિરપાવ આપ્યા પછી તેની કંગાળ હાલત સામે જોવાની રાજકીય પક્ષોને ફુરસદ નથી. ત્યારે કપાસના પૂમડાનું કુદરતું બનાવનાર તેમજ એરંડાના છોડ પર સિલ્કના કાપડ અને નાયલોન રેઝિનની શોભા આપનાર એગ્રોસેલના કચ્છી માડુઓને સલામ ખપે છે.
ગુજરાતની ૧૮ લાખ હેક્ટર જમીન પર નર્મદાનું પાણી વહેશે ત્યારે વર્ષે ૧૪૦૦ કરોડનું ખેતઉત્પાદન બજારમાં આવશે. તે વેળાએ ડુંગળીના પાકની જેમ અનેક પાકોની બેહાલી થઈ શકે છે. “પાણીના પાપે ખેડૂતો અન્નની હોળી કરશે!” તેવા માઠા દિવસો પણ આવી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતનાં ટમેટાં, સૌરાષ્ટ્રની ડુંગળી, ચીકુ, કેરી અને બોર જેવી ફળપેદાશો તથા શાકભાજીના ઉત્પાદનમાં વિજ્ઞાન અને મધ્યમ કદની તકનિકનો સમન્વય થાય તો ખેડૂતોની મહેનત બે પાંદડે થાય. અન્યાયમુક્ત, પ્રદૂષણમુક્ત અને રોજગારલક્ષી સમાજની રચના થાય. નાનાં ગામડાંઓ ભાંગતાં અટકે અને સ્વસ્થ સમાજની ગાંધીની કલ્પનાનો પાયો બંધાય. સૂતરના તાંતણે સ્વરાજની વાત લઈ ગુજરાત ગાંધીમેળાઓ યોજે છે ત્યારે શહેરી કલ્ચર દ્વારા વિકેન્દ્રિત ઉત્પાદનવ્યવસ્થા થકી ગાંધીવિચારનું દર્શન કરાવનાર એગ્રોસેલ જેવી વ્યવસ્થાઓને પણ હવે ગાંધીની સંસ્થા ગણવાનો સમય પાકી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.