Business

દિલ્હીમાં ફટકાડા નિયંત્રણો: લોકલાગણી અને પ્રદૂષણ નિયંત્રણ – બંને બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

દેશની રાજધાનીના શહેર દિલ્હીમાં ત્યાંના શિયાળામાં ઠંડા હવામાન, ગીચ વસ્તી, વાહનોની મોટી સંખ્યા, ઉદ્યોગો વગેરેને કારણે ધુમ્મસ અને ધુમાડા મિશ્રીત સ્મોગની મોટી સમસ્યા સર્જાય છે અને તેથી ત્યાં શિયાળામાં પ્રદૂષણ ખૂબ વધી જાય છે. અધૂરામાં પુરું દિવાળી પણ શિયાળાના પ્રારંભે જ આવે છે અને દિવાળીના દિવસોમાં ત્યાંની વિશાળ વસ્તી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડે તેથી વાયુ પ્રદૂષણમાં ઓર ઉમેરો થાય છે.

આથી ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં દિવાળી ટાણે ફટાકડા ફોડવા પર નિયંત્રણો મૂકવામાં આવતા રહ્યા છે પરંતુ તે બાબત ભારે કચવાટ અને વિવાદનો વિષય બને છે. અગાઉ દિવાળી ટાણે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેતા ભારે લોકરોષ જાગ્યો હતો અને પછી મર્યાદિત નિયંત્રણો અને ગ્રીન ફટાકડા જેવી બાબતો આવી. સુપ્રીમ કોર્ટે મૂકેલા નિયંત્રણોનો અમલ દિલ્હી સરકાર કડક રીતે કરાવી શકતી નથી કે કરાવતી નથી તેને કેટલીક મર્યાદાઓ નડતી હોવા ઉપરાંત લોક રોષનો પણ ડર હોય છે. હવે હાલ દિવાળીના થોડા દિવસો પહેલાં, સુપ્રીમ કોર્ટે ૭ અને ૮ નવેમ્બરે સવારે ૬થી ૭ વાગ્યા દરમિયાન અને રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન દિલ્હી-નેશનલ કેપિટલ રીજન(NCR)માં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને પ્રશાંત બી. વરાલેની બેન્ચે અવલોકન કર્યું હતું કે ફટાકડા ફોડવાથી ચોક્કસપણે પ્રદૂષણ થશે, અને કોઈ ચોક્કસ ધાર્મિક રંગ ધરાવતી પરંપરામાં જોડવાનો વ્યક્તિગત અધિકાર મર્યાદિત છે અને તે બંધારણીય નિયંત્રણોની ઉપરવટ જઇ શકે નહીં. બેન્ચે કહ્યું છે કે જો કે સંપૂર્ણ પ્રતિબંધ લાદવો એ આદર્શ ઉકેલ જેવો લાગે છે, તેમ છતાં અમારું માનવું છે કે આ અદાલત પાસે આ તબક્કે એ નક્કી કરવા માટે પૂરતો ડેટા નથી કે ફટાકડા ફોડવાથી થતા  પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાને હલ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ શ્રેષ્ઠ ઉકેલ હશે કે નહીં.

સ્વાભાવિક છે કે દિલ્હીમાં પ્રદૂષણ ફક્ત ફટાકડા કરતા નથી, બીજા અનેક અને ઘણા મોટા પરિબળો છે કે જે પ્રદૂષણ કરે છે, પરંતુ દિવાળી ટાણે એક સામટા ફટાકડા ફૂટવાથી પ્રદૂષણનું સ્તર ખૂબ ઉંચે જાય છે તે પણ હકીકત છે.  જે અનુસાર સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું  રહેશે કે ૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ માત્ર સવારે ૬ વાગ્યાથી ૭ વાગ્યા અને રાત્રે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે.

તેણે સ્પષ્ટ કર્યું કે અગાઉ લાદવામાં આવેલો ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ  ૯ નવેમ્બરથી ફરીથી લાગુ થઈ જશે. બેન્ચે આ આદેશ ફટાકડા પરના પ્રતિબંધ અંગેના મામલામાં દાખલ કરાયેલી અરજીઓ પર આપ્યો હતો. મર્યાદિત દરમ્યાન જ ફટાકડા ફોડવાના આદેશનો ભાગ્યે જ ચુસ્ત રીતે અમલ થઇ શકશે તે અત્યારથી જ જણાઇ આવે છે અને દિલ્હીની હાલની સરકાર તો આ અમલ કડક રીતે કરાવવા માટે બહુ ઇચ્છુક નહીં જ હોય.

સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને કોઈપણ સૂચિત શાંતિ ક્ષેત્રો (સાઈલન્સ ઝોન)ના ૩૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવામાં આવશે નહીં.  તેણે જણાવ્યું કે આ વિસ્તારોને ‘નો-ક્રૅકર ઝોન’ તરીકે જાહેર કરવામાં આવશે અને તેને જમીન પર ચિહ્નિત કરીને પ્રકાશિત કરવામાં આવશે. આવા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર નિયંત્રણો વાજબી ગણી શકાય. બેન્ચે ફટાકડાના ઉત્પાદકો અને વેપારીઓ અંગે પણ નિર્દેશો જારી કર્યા છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ગ્રીન ફટાકડા ધરાવતા બોક્સ સંપૂર્ણપણે સીલબંધ હોવા જોઈએ જેથી તે અનધિકૃત અથવા પરંપરાગત ફટાકડા સાથે ભળી ન જાય. તેણે કહ્યું કે શ્રેણીમાં જોડાયેલા ફટાકડા (‘લૂમ’) અને હારમાળાઓનું  ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે નહીં. પરંતુ આ આદેશનું પણ કેટલું પાલન થશે તે એક સવાલ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ મામલે અગાઉ વિવિધ આદેશોમાં  આપવામાં આવેલ દિશાનિર્દેશોનો  અમલ ન થવો અને તેની અવગણના કરવી એ પુનરાવર્તિત સમસ્યા રહી છે. અને લાગે છે કે આ વર્ષે પણ અવગણનાનું પુનરાવર્તન જ થશે.

દિવાળી પર ફટાકડા ફોડવા એ ભલે ધર્મ સાથે સંકળાયેલી બાબત ન હોય પરંતુ લાંબા સમયથી ચાલતી આવેલી એક પરંપરા છે. દિવાળીના ટાણે ફટાકડા ફોડતા અટકાવવામાં આવે તો લોકોના મનમાં કચવાટ ઉભો થાય તે સ્વાભાવિક છે. વર્તમાન ગ્રીન ફટાકડા ફોડવા માટે આપવામાં આવેલી સમય મર્યાદા બહુ ઓછી છે એમ લાગે છે અને સુપ્રીમ કોર્ટે થોડા વ્યવહારુ બનીને સમય મર્યાદા થોડી વધારવી જોઇએ. લોકલાગણી અને પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો વચ્ચે સમતુલન જળવાય તે ઇચ્છનીય છે.

Most Popular

To Top