બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘મુરાસુ’ વાવાઝોડું વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ કલાક દરમિયાન વાવાઝોડું આશરે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું સોમવારે મોડી રાત્રે 11:30 વાગ્યાથી મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડું ઓંગોલ નજીક નેલ્લોર અને નરસાપુર વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થવાની શક્યતા છે. દરિયાકાંઠે ટકરાતી વખતે પવનની ગતિ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. જ્યારે પવનના તીવ્ર ઝાપટાં દરમિયાન તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ વાવાઝોડાની સિસ્ટમ ચેન્નાઈથી આશરે 260 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રિત હતી.
વાવાઝોડાની અસરને કારણે 2 અને 3 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને રાયલસીમામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. બીજી તરફ, ઉત્તર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
‘મુરાસુ’ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને ચેન્નાઈની તમામ શાળાઓમાં સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે. તોફાની પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળીના થાંભલા અને વાયરોને નુકસાન થવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
દરિયામાં ઊંચાં મોજાં અને ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ તેની અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે.