વિપક્ષ માત્ર રાજકીય દબાણ કે સાંસદોની સંખ્યાના બળે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને રાજીનામું આપવા મજબૂર કરી શકે તેમ નથી. સીઈસીને હટાવવા માટે કડક બંધારણીય મહાભિયોગ પ્રક્રિયા જરૂરી છે અને હાલમાં વિપક્ષ પાસે આ પ્રક્રિયા પસાર કરવા માટે જરૂરી સાંસદોનું સંખ્યાબળ નથી. રાજ્યસભાના સભાપતિ અને લોકસભાના સ્પીકરે માર્ચ અને એપ્રિલ 2026માં વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા મહાભિયોગના પ્રસ્તાવો અગાઉ જ ફગાવી દીધા હતા.
બંધારણ હેઠળ સીઈસીને માત્ર સાબિત થયેલા ગેરવર્તન અથવા અક્ષમતાના આધારે સંસદીય મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે. આ માટે લોકસભા અને રાજ્યસભા બંનેમાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા સભ્યોની બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જોકે, શાસક ભાજપને ફાયદો પહોંચાડવા માટે મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સંબંધિત નિર્ણયો લેવાના આરોપો હેઠળ જ્ઞાનેશકુમાર પર થયેલા હુમલાઓ છેલ્લાં 12 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર માટે સૌથી મોટો રાજકીય પડકાર બનીને ઊભર્યા છે.
આ મુદ્દાએ દેશની રાજધાની સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો છે અને વિપક્ષ માટે એક થવાનું કેન્દ્રબિંદુ બન્યો છે. ટીકાકારો ભાજપ પર પોતાનાં ચૂંટણી હિતો માટે ભારતીય ચૂંટણી પંચ ની સ્વાયત્તતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. 12 ઓક્ટોબરે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ કુમારના રાજીનામાની માગણી સાથે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી હતી. 31 ઓક્ટોબરે મતદાર યાદીના એસઆઈઆરમાં કથિત અનિયમિતતાઓ અંગે તેમનું ‘જાહેર મહાભિયોગ’ કર્યું હતું. ત્યાર બાદ 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે વિશાળ રેલી યોજી હતી.
જોકે, દિવસો સુધીની તૈયારીઓ છતાં રેલી પછી વિપક્ષના કાર્યકર્તાઓ કોઈ ચોક્કસ ભવિષ્યની યોજના વિના વિખેરાઈ ગયા. એ પણ એવા સમયે જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. વિપક્ષી પક્ષો કોઈ સુસંગત યોજના વિના ભાજપ અને એનડીએનો સામનો કેવી રીતે કરી શકે? શું ચૂંટણી જીતવામાં કોંગ્રેસની અસમર્થતાને કારણે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ફરિયાદોનો મુદ્દો ઊભો કર્યો છે? શું તેમની પોતાની પાર્ટીમાં ચૂંટણી જીતવા માટે સંગઠિત આંદોલનનો અભાવ છે?
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રામલીલા મેદાનની રેલીનો ઉપયોગ જમીની સ્થિતિ સમજવા અને આગામી યુપી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો સંદેશ મજબૂત કરવા કર્યો હતો. તેમણે અયોધ્યાના રામમંદિરમાં ‘ચંદા ચોરી’ સહિતના ચૂંટણી મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સાથે જ પીલીભીતની મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અંગે ભાજપ અને ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીના ટીકાકારોનું કહેવું છે કે તેઓ અને અન્ય વિપક્ષી નેતાઓ ચૂંટણી અંગે સતત પોતાના મુદ્દા બદલતા રહે છે.
થોડાં વર્ષો પહેલાં ઈવીએમ ટેમ્પરિંગનો મુદ્દો ઉઠાવી 99 ટકા બેટરી લેવલ ધરાવતા ઈવીએમ ભાજપને જીત અપાવે છે, જ્યારે 60 કે 70 ટકા બેટરી લેવલ ધરાવતા ઈવીએમ કોંગ્રેસને ફાયદો કરાવે છે, એવો આરોપ મૂકાયો હતો. ઈસીઆઈએ આ દાવાને ફગાવી સ્પષ્ટ કર્યું હતું કે કંટ્રોલ યુનિટની બેટરીને ચૂંટણી પરિણામો સાથે કોઈ સંબંધ નથી. ઉમેદવારોના પોલિંગ એજન્ટોની હાજરીમાં ઈવીએમમાં નવી, નોન-રીયુઝેબલ અલ્કલાઈન બેટરી લગાવી સીલ કરવામાં આવે છે.
ત્યાર બાદ રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ કોઈ માન્ય પુરાવા આપ્યા વિના ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો. તાજેતરની એક પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવ્યું કે વોટ ચોરીની જાણ તેમને ક્યારે અને કેવી રીતે થઈ? જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘‘જ્યારે હું 1977માં સાત વર્ષનો હતો ત્યારે ઇન્દિરાજી વડાં પ્રધાન હતાં. તેમના સહિત દરેક જણ જાણતાં હતાં કે તેઓ હારી રહ્યાં છે. એવી એક ફીલિંગ આવે છે.’’ તેમણે સ્વીકાર્યું કે આ લાગણી એક વાર ખોટી પડી શકે, પરંતુ બીજી, ત્રીજી કે ચોથી વાર નહીં. રાહુલે વધુમાં કહ્યું કે છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓમાં ટેક્નિકલ નિષ્ણાતોએ તેમને ગેરરીતિની શક્યતા અંગે શંકા વ્યક્ત કરી હતી. આમ, તેમના દાવાનો આધાર લાગણી અને શંકા હોવાનું જણાય છે.
વિપક્ષ કોઈ નક્કર પુરાવા વિના રાષ્ટ્રપતિ પાસે પણ પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિએ તેમને પુરાવા વિના ફરિયાદો ન લાવવા સમજાવ્યા હતા. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમની ચિંતાઓને ફગાવી કેમ ન દીધી. તેમણે દલીલ કરી હતી કે ચૂંટણીમાં છેતરપિંડી થઈ નથી તે સાબિત કરવાની જવાબદારી શાસક પક્ષની છે. EVM ટેમ્પરિંગની ફરિયાદોની જેમ ‘વોટ ચોરી’ના આરોપને સમર્થન આપતા અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. દેશમાં ક્યાંય સામાન્ય મતદારોએ પોતાનો મત ચોરાયો હોવાની ફરિયાદ કરી નથી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બેલેટ પેપર પાછાં લાવવાની માગણી કરી હતી. પરંતુ ઓક્ટોબરમાં બેલેટ પેપરથી યોજાયેલી સિલચર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ 42માંથી માત્ર બે વોર્ડમાં જીતી હતી. ભાજપે 32 અને તેના સહયોગીઓએ બે વોર્ડ જીત્યા હતા.
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 28 બેઠકો માટે બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી, જ્યારે ભાજપ અને તેના સહયોગીઓએ 16 બેઠકો જીતી હતી. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પણ એનડીએએ તમામ ચાર બેઠકો જીતી લીધી હતી. આ ચૂંટણીઓમાં સ્નાતકો અને શિક્ષકો મતદારો હતા. શું રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાજકીય વાપસી માટે માત્ર ચૂંટણી પંચ સામે પ્રચાર કરવાને બદલે જમીની સ્તરે વધુ કામ કરવાની જરૂર છે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.