Business

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર આખું વર્ષ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, દિવાળી-ક્રિસમસમાં પણ નહીં મળે છૂટ

મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર બોમ્બે હાઈકોર્ટે આખું વર્ષ પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રતિબંધ દિવાળી, નવરાત્રિ, ક્રિસમસ સહિત તમામ તહેવારો દરમિયાન પણ અમલમાં રહેશે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ધ્વનિ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કોર્ટે આ નિર્ણય લીધો છે. જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોકલેની ખંડપીઠે અગાઉ ગણેશોત્સવ દરમિયાન આપેલા આદેશનો વ્યાપ વધારીને તેને સમગ્ર વર્ષ માટે લાગુ કર્યો હતો. મહારાષ્ટ્રમાં તહેવારોના સરઘસો અને જાહેર કાર્યક્રમો દરમિયાન થતા અવાજ તથા હવાના પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકો પ્રદૂષણની ગંભીરતા અને શહેરોમાં રહેવાના લાંબા ગાળાના જોખમો અંગે જાગૃત નહીં થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. પ્રદૂષણને કારણે શહેરો ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, તેવી ચેતવણી પણ કોર્ટે આપી હતી.

આ આદેશ 22 સપ્ટેમ્બરે ગણેશોત્સવ દરમિયાન આપવામાં આવેલા નિર્દેશને આગળ વધારીને આપવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર મોટા અવાજવાળી સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ અને ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ મામલે સુઓ મોટો જનહિત અરજી સહિતની અરજીઓની સુનાવણી ચાલી રહી છે. કોર્ટે દિવાળી બાદ હવામાં વધતા પ્રદૂષણની બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર થતી અસર અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કાયદાઓ હોવા છતાં તેમનો યોગ્ય અમલ ન થવો એ સમસ્યાનું એક મુખ્ય કારણ હોવાનું અવલોકન કરવામાં આવ્યું હતું. આથી મહારાષ્ટ્ર સરકાર, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ને પ્રદૂષણ સામે જાગૃતિ અને કાયદાના અમલ માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટના નિર્દેશ મુજબ, ત્રણેય સંસ્થાઓએ સાથે મળીને પ્રદૂષણની હાનિકારક અસરો અંગે જાહેર નોટિસો બહાર પાડવાની રહેશે. એક અઠવાડિયાની અંદર શાળાઓ અને જાહેર પરિવહનનાં સ્થળોએ જાગૃતિ અભિયાન શરૂ કરવાનું પણ જણાવાયું છે. આ અભિયાનમાં જાણીતી હસ્તીઓને સામેલ કરવા અને ઓછું પ્રદૂષણ કરતા ગ્રીન ફટાકડાને પ્રોત્સાહન આપવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો નાગરિકો ફરિયાદ કરી શકે તેવી અસરકારક વ્યવસ્થા ઊભી કરવા પોલીસ સાથે સંકલન સાધવા પણ જણાવાયું છે. હવે આ નિર્દેશોનો અમલ કેવી રીતે થાય છે અને પ્રદૂષણ નિયંત્રણ માટે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે. આ કેસની આગામી સુનાવણી 25 નવેમ્બરે યોજાવાની છે.

Most Popular

To Top