SURAT

ઉધના-ભેસ્તાન વિસ્તારમાં ગેંગનો આતંક? હિસ્ટ્રીશીટર પર હુમલા બાદ પોલીસની બે ટીમ મહારાષ્ટ્ર રવાના

સુરતના ઉધના, ભેસ્તાન અને ડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર ગેંગની અદાવતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સતીશ મરાઠાની હત્યા બાદ નિષ્ક્રિય થઈ ગયેલી હોવાનું મનાતી ‘SR કંપની’ ગેંગ ફરી સક્રિય થઈ હોવાના આક્ષેપો વચ્ચે રાહુલ એપાર્ટમેન્ટ અને તેની સાથે સંકળાયેલા શખ્સો સામે અપહરણ કરી જીવલેણ હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ છે. જૂની અદાવત અને અગાઉ નોંધાયેલી ફરિયાદનું સમાધાન કરવા દબાણ લાવવા માટે 29 વર્ષીય અજય ઉર્ફે ભજજી ભાવરાવ આંબેકરનું અપહરણ કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. હુમલામાં અજયને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, ભેસ્તાનની તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતો અજય 22 ઓક્ટોબર, 2026ના રોજ મોડી રાત્રે મિત્રો સાથે ડીંડોલી વિસ્તારમાં ચા પીવા ગયો હતો. રાત્રે આશરે બે વાગ્યે તે પરત ફરી રહ્યો હતો ત્યારે ઉધનાના છત્રપતિ શિવાજી ચોક પાસે કૃણાલ ઉર્ફે બટકો મોહીતે અને રાજા ગાંડો એક્સેસ જેવા વાહન પર ત્યાં પહોંચ્યા હતા. બંનેએ અજયને કહ્યું હતું કે રાહુલ એપાર્ટમેન્ટે તેને બોલાવ્યો છે. અજયે તેમની સાથે જવાની ના પાડતાં બંનેએ ગાળાગાળી કરી તેનો કોલર પકડી લીધો હતો અને બળજબરીથી તેને બાઈક પર વચ્ચે બેસાડ્યો હતો. ત્યારબાદ તેને બાજપાઈ આવાસ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાહુલ એપાર્ટમેન્ટનો અડ્ડો હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યાં રાહુલ એપાર્ટમેન્ટ, ભાયદાસ પીપળે, કલ્પેશ ઉર્ફે ટર્કી સંજય ચૌધરી, વિપુલ ઉર્ફે નાગ્યા અને પ્રશાંત ભટેસીંગ રાજપૂત સહિતના શખ્સો હાજર હતા. રાહુલ એપાર્ટમેન્ટે અજયને વર્ષ 2022માં કલ્પેશ ઉર્ફે ટર્કી સામે નોંધાવેલી જૂની ફરિયાદમાં સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. અજયે સમાધાન કરવાનો ઇનકાર કરતાં આરોપીઓએ લાકડાના ફટકા વડે તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન કલ્પેશ ઉર્ફે ટર્કીએ લોખંડના પક્કડથી અજયના ડાબા પગના અંગૂઠાનો નખ ખેંચી કાઢ્યો હોવાની પણ ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે. આરોપીઓએ તેને બે થી અઢી કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

અજયને ગંભીર રીતે માર માર્યા બાદ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે પ્રશાંત રાજપૂત અને અન્ય એક અજાણ્યો શખ્સ તેને ભેસ્તાનમાં તેના ઘર નજીક રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે અજય ચાલી શકતો ન હતો. ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાં બેસવાનો પ્રયાસ કરતી વખતે તે બેભાન થઈ ગયો હતો. સવારે આશરે સાડા છ વાગ્યે એક મિત્રની માતાએ તેને રિક્ષામાં લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો હતો અને પરિવારને જાણ કરી હતી. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અજયને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

હુમલામાં અજયના જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું છે. તેના માથા પર પાંચથી છ ટાંકા આવ્યા છે, જ્યારે હોઠની અંદરના ભાગે પણ બે થી ત્રણ ટાંકા લેવા પડ્યા છે. શરીરના અન્ય ભાગોમાં પણ મુંઢ ઈજાઓ થઈ છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રાહુલ એપાર્ટમેન્ટ સામે સુરતના અલગ-અલગ પોલીસ મથકોમાં આશરે 26 ગુનાઓ નોંધાયેલા છે. બીજી તરફ, અજય ઉર્ફે ભજજી સામે પણ અગાઉ આશરે 26 ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. વર્ષ 2022માં અજયે ઉધના પોલીસ મથકમાં કલ્પેશ ઉર્ફે ટર્કી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ જ ફરિયાદમાં સમાધાન કરવા દબાણ લાવવા માટે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

આ બનાવ બાદ ઉધના પોલીસે અજયની ફરિયાદના આધારે રાહુલ એપાર્ટમેન્ટ, કલ્પેશ ટર્કી, બટકો મોહીતે, રાજા ગાંડો, વિપુલ નાગ્યા અને પ્રશાંત રાજપૂત સહિતના આરોપીઓ સામે અપહરણ, ગેરકાયદે મંડળી રચવા અને જીવલેણ હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટના બાદ આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હોવાની બાતમી મળતાં પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે. રાહુલ એપાર્ટમેન્ટ અને તેની ટોળકીને ઝડપી પાડવા સુરત પોલીસની બે વિશેષ ટીમો મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી છે. વિસ્તારમાં ફરી ગેંગવોર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top