National

જો પાકિસ્તાન T-20 વર્લ્ડકપમાં ભારતને હરાવે છે તો PCBને બ્લેન્ક ચેક મળશે: રમીઝ રાજા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB Chairman Ramiz Raja) ચેરમેન બન્યા બાદ રમીઝ રાજા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. હવે તેઓએ ભારતને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આગામી T-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન (India Pakistan T-20 World Cup 2021) વચ્ચે રમાનારી મેચ માટે રમીઝ રાજાએ એવું કહ્યું છે કે જો T-20 વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન ભારતને હરાવે છે તો પીસીબીને બ્લેન્ક ચેક મળશે.

T-20 વર્લ્ડકપની શરૂઆત થવા આડે હવે થોડા જ દિવસ બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન લાંબા અરસા બાદ એકબીજા સામે ટકરાશે. બંને દેશના ક્રિકેટપ્રેમીઓ આ હાઈવોલ્ટેજ ડ્રામા માટે રોમાંચિત છે, ત્યારે ક્રિકેટર્સ અને ક્રિકેટ બોર્ડના દિગ્ગજો પણ આ ટક્કર માટે અત્યારથી જ રોમાંચ અનુભવી રહ્યાં છે. ખાસ કરીને પાકિસ્તાનના ક્રિકેટરો અને પાકિસ્તાન બોર્ડ માટે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ મહત્ત્વની છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ દ્વારા પ્રવાસ રદ કરી દીધા બાદ પાકિસ્તાન ક્રિકેટની હાલત કફોડી બની છે. બોર્ડ પાસે રૂપિયા નથી અને ટીમ સાથે કોઈ રમવા તૈયાર નથી. આવા સંજોગોમાં પાકિસ્તાન ક્રિકેટ પડી ભાંગે તેમ છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજા રોજ વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે.

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન રમીઝ રાજાએ જાહેર કર્યું છે કે જો બાબર આઝમના નેતૃત્વવાળી ટીમે આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું તો પીસીબી બ્લેન્ક ચેક મળશે. ભારત 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 ની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આઈસીસી દ્વારા આપવામાં આવતા ભંડોળ પર પીસીબી નભે છે. એક રીતે પીસીબી આઈસીસી પર નિર્ભર છે જ્યારે બીજી તરફ આઈસીસીનું 90 ટકા ફંડ ભારત આપે છે. મને ડર છે કે જો ભારત આઈસીસીને ભંડોળ આપવાનું બંધ કરે તો પીસીબી પડી ભાંગશે. કારણ કે પીસીબી આઈસીસીને શૂન્ય ટકા ભંડોળ આપે છે.

રમીઝે વધુમાં કહ્યું કે હું પાકિસ્તાન ક્રિકેટને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છું, ક્રિકેટ પાકિસ્તાને રમીઝ રાજાને ટાંકીને સેનેટની સ્થાયી સમિતિ સાથેની બેઠકમાં જણાવ્યું હતું. રમીઝેના જણાવ્યા અનુસાર તેમને એક મજબૂત રોકાણકારે કહ્યું કે જો આગામી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે બ્લેન્ક ચેક તૈયાર છે.

ગયા મહિને ન્યૂઝીલેન્ડે સરકાર સામે સુરક્ષા ચેતવણીને પગલે પાકિસ્તાન સામે પ્રવાસ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પીસીબીના ચેરમેને કહ્યું કે જો પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે સદ્ધર રહ્યું હોત તો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ રદ કરતે નહીં. શ્રેષ્ઠ ક્રિકેટ અને આર્થિક રીતે સદ્ધર ક્રિકેટ એ બંને અલગ પડકારો છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં 2007માં T-20 વર્લ્ડકપની પ્રથમ આવૃત્તિમાં ભારત ચેમ્પિયન રહ્યું હતું.

Most Popular

To Top