Business

ચોર્યાસીમાં ભાજપના ઉમેદવાર રૂપિયાની લ્હાણી કરતા હોવાની ફરિયાદ મુદ્દે તપાસ

સુરત: સુરતના (Surat) ચોર્યાસી મત વિસ્તારના ભાજપાના (BJP) ઉમેદવાર સંદીપ દેસાઇના કહેવાતા કાર્યકર્તાઓ દ્વારા ગોડાદરામાં એક સોસાયટીના નાકે રોકડ (Cash) રૂપિયાની વહેંચણી કરી મતદાતાઓને રીઝવવામાં આવી રહ્યા હોવાની ગંભીર નનામી ફરિયાદ સી-વિજિલ એપ્લિકેશન પર મળી છે. ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ નહીં હોવા છતાં તંત્રએ આ ફરિયાદ પર તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • ગોડાદરાની સહજાનંદ સોસાયટીના નાકે સંદીપ દેસાઈના બેનર નીચે રૂપિયા અપાતા હોવાની ગંભીર ફરિયાદ
  • વણઓળખાયેલી વ્યક્તિએ સી-વિજિલ એપ્લિકેશન પર કરેલી ફરિયાદ બાદ તંત્ર હરકતમાં

મળતી માહિતી મુજબ જિલ્લા ચૂંટણી તંત્રને આજે સી-વિજિલ એપ્લિકેશન પર એવી ફરિયાદ મળી હતી કે, ગોડાદરા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના નાકે ચોર્યાસીના ભાજપાના ઉમેદવાર સંદીપ દેસાઇનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટર નીચે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા મતદારોને રૂપિયાની વહેંચણી કરવામાં આવી રહી છે. આ રીતે રૂપિયા વહેંચવા એ આચારસંહિતાનો ગંભીર ગુનો બનતો હોવાથી આ મુદ્દા પર પગલાં લેવા માટે સી-વિજિલ એપ્લિકેશન પર વણઓળખાયેલી વ્યક્તિએ અરજી કરી છે. મળતી માહિતી મુજબ સંદીપ દેસાઇ સામેની ફરિયાદનો ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના રિટર્નિંગ ઓફિસરની કચેરી દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. અને હાલ આ મુદ્દા પર તપાસ ચાલુ હોવાની માહિતી મળી છે.

આમ આદમી પાર્ટી પોતાની હેસિયત ઊભી કરવા, કોંગ્રેસ અસ્તિત્વ બતાવવા ચૂંટણી લડે છે: સુધાંશુ ત્રિવેદી
સુરત: આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સીટો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે, એ વાતમાં કોઈ શક નથી. જેથી ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ પ્રચાર પ્રસારમાં નાંખી છે. ગુજરાતભરમાં નેતાઓ પત્રકાર પરિષદ, રેલી, જાહેરસભા કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક પછી એક નેતાઓ આવી પ્રચારમાં જોડાઈ રહ્યા છે અને અન્ય રાજકીય પાર્ટીઓ પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી દ્વારા ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વલખા મારી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની હેસિયત ઊભી કરવા માટે આવી છે. અને ઓવૈસી પાર્ટી અહીં માત્ર આગ લગાવવા માટે આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1995 બાદ પરિવર્તનનો સમય શરૂ થયો છે. સુરત શહેરમાં પ્લેગ આવ્યો અને ત્યારબાદ સ્થાનિક તંત્રએ સફાઈ કરી અને રાજકીય સફાઈનો દોર પણ શરૂ થયો. અને 1994 બાદ સુરત મનપામાં ભાજપનું શાસન આવ્યું. સુરતમાં વિકાસની ગતિ થંભી નથી. જે લોકો ગુજરાતની પ્રજાને પાણી ન મળે તેના માટે આંદોલન કરી શકતા હોય તેમની માનસિકતા ગુજરાતની લોકોથી વધુ કોણ જાણી શકે છે. છેલ્લા લાંબા સમયથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી રહી છે અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ ભાજપાએ આપ્યું છે. ગુજરાત દેશે આખાને નેતૃત્વ આપ્યું છે.

Most Popular

To Top