Business

પ્રોસેસર્સ એસો.નો નિર્ણય: વેપારીઓ 30થી 60 દિવસમાં પેમેન્ટ કરશે તો 2 ટકા વ્યાજ ચૂકવવું પડશે

સુરત: સ્લોડાઉન અને પેમેન્ટ (Payment) સંકટને કારણે સુરતના (Surat) ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની 8 વર્ષો જૂની મિલ બંધ થઈ જતાં નાણાંની સમયસર વસૂલાતના મુખ્ય એજન્ડા સાથે ગુરુવારે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનની તાકીદની વાર્ષિક સાધારણ સભા જિતેન્દ્ર વખારિયાના અધ્યક્ષ સ્થાને સુરત-ડુમસ રોડની હોટેલમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિલંબથી મળતાં પેમેન્ટ પર 2 ટકા વ્યાજ વસૂલવા અને સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં જ્યાં શહેર અને જિલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં મિલો આવી છે ત્યાં 5 પ્રોસેસર્સ આગેવાનોની લવાદરૂપી એક્શન કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસજીટીપીએના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, બજારની વર્તમાન તરલ સ્થિતિ અને વેપારીઓ સહિત ઉદ્યોગના હિતમાં હાલ જોબચાર્જમાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય એજન્ડા પેમેન્ટ ધારાને લગતો હોવાથી એવો નિર્ણય લેવાયો છે કે, તા.1-12-2022થી ડિસ્પેચની તારીખથી 30 દિવસમાં પેમેન્ટ કોઇપણ જાતના ડિસ્કાઉન્ટ વિના અને 30 દિવસથી 60 દિવસમાં પેમેન્ટ કરવામાં આવે તો 2 % વ્યાજની રકમ સાથે પેમેન્ટ લેવાનું રહેશે. એટલે કે, પેમેન્ટ ક્રેડિટ 30 દિવસની રહેશે. ઉપરાંત જે પાર્ટી 60 દિવસની મર્યાદામાં પેમેન્ટ નહીં કરે તેવી પાર્ટી પાસે 61મા દિવસ પછી પ્રોસેસર્સ દ્વારા પેમેન્ટના પ્રશ્નના નિકાલ માટે 5 આગેવાનની એક્શન કમિટી પાર્ટીના ધંધાના સ્થળે જઇ પેમેન્ટ ચૂકવી દેવા સમજાવશે.

જિતેન્દ્ર વખારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા વિસ્તાર વાઇઝ 5 સભ્યની એક્શન કમિટી બનાવવામાં આવશે. જે સભ્યો આ નીતિ નિયમોનું પાલન નહીં કરે તેમને આ કમિટી દ્વારા 3 વાર સમજણ આપવામાં આવશે. છતાં નિયમોનું પાલન નહીં કરે તો કમિટી જે ભલામણ કરે એ મુજબ બ્લેક લિસ્ટ કરવા સુધીનો નિર્ણય લેવાશે. પ્રોસેસર્સને પ્રોસેસિંગ પેટે 90 % ખર્ચ એનર્જી (કોલસો તેમજ વીજ બિલ), કેમિકલ તથા લેબરના પગાર પેટે ચૂકવવાનો થાય છે. ડોલર ઇફેક્ટથી આંતરરાષ્ટ્રીય સ્થિતિ બગડી છે.

ટેક્સટાઇલ ઉદ્યોગની સંપૂર્ણ ચેઇનમાં યાર્ન બનાવનાર, યાર્ન વેચનાર, ગ્રે બનાવનાર અને કાપડ વેચનાર ટ્રેડર્સ બધાનો વેપાર ધારો ચાલી રહ્યો છે. જૂની પદ્ધતિથી મિલ હવે ચાલી શકે નહીં. પેમેન્ટ 30 દિવસમાં નિયમિત મળશે તો જ મિલો ચાલશે. આ સામાન્ય સભામાં કમલવિજય તુલસ્યાન (પ્રમુખ-પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન), પ્રમોદ ચૌધરી, વિપુલ દેસાઇ, બિનય અગ્રવાલ (ઉપપ્રમુખ-સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન), રમેશભાઈ ડુમસિયા, રવિન્દ્ર આર્ય, વિનોદ અગ્રવાલ, શ્યામભાઇ અગ્રવાલ જેવા અગ્રણી ઉદ્યોગકાર સહિત 200 જેટલા મિલમાલિકો હાજર રહ્યા હતા. એસોસિએશને મિલોને મળેલાં કામ અને કેપેસિટી પ્રમાણે મિલ ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

એસજીટીપીએના પ્રમુખ જિતેન્દ્ર વાખરિયાએ એજન્ડા રજૂ કરતાં કહ્યું હતું કે, આયાતી કોલસાની ગુણવત્તાની ફરિયાદો મળી છે, જેમાં કોલસામાં પાણી તેમજ કોલસાની ભૂકીનું પ્રમાણ વધુ હોવાના પ્રશ્નો છે. મોંઘી કિંમત ચૂકવવા છતાં મિલોને ક્વોલિટીવાળો કોલસો મળી રહ્યો નથી. આ મામલે રજૂઆત કરવામાં આવશે.

60 દિવસ સુધી પેમેન્ટ અટકી રહેશે તો મિલો નહીં ચાલે : કમલવિજય તુલસ્યાન
SGTPAની સામાન્ય સભાને સંબોધતા પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાને કહ્યું હતું કે, મિલમાલિકોને રો-મટિરિયલના ભાવ એડ્વાન્સ ચૂકવવા પડી રહ્યા છે. કલર, કેમિકલ, કોલસાનું પેમેન્ટ એડ્વાન્સ આપવું પડી રહ્યું છે. મિલોએ તમામ ખર્ચ તાત્કાલિક અથવા તો એડ્વાન્સમાં આપવા પડે છે, તેમાં જો કોઇ ઢીલાશ કરવામાં આવે તો ધરખમ વ્યાજનું ભારણ વેઠવું પડે છે. આવી પરિસ્થિતિમાં પ્રોસેસિંગ ચાર્જનું પેમેન્ટ 60 દિવસથી વધુ અટકી રહે તો પ્રોસેસિંગ એકમો બંધ કરવાની નોબત આવી શકે છે. અત્યારે પ્રોસેસ એકમોનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે. તાજેતરમાં કેટલાંક પ્રોસેસ હાઉસ બંધ થઈ ગયાં છે. વેપારીઓ નહીં સમજે તો બીજા બંધ થશે. કારીગરોની રોજગારીનો પ્રશ્ન ઊભો થશે.

મિલ માસ્ટર એક છોડી બીજી મિલમાં જોડાશે તો આગલા પેમેન્ટની જવાબદારી એની રહેશે
SGTPAના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, મિલમાલિકોની કેટલીક ફરિયાદ મિલોના માસ્ટરને લઈ મળી છે. હવે કોઇ એક મિલમાંથી બીજી મિલમાં માસ્ટર જાય તો પ્રથમ મિલનું NOC મેળવવાનું રહેશે. એટલું જ નહીં આગલી મિલનું બાકી પેમેન્ટ લાવી આપવાની જવાબદારી પણ માસ્ટરની જ રહેશે.

Most Popular

To Top