Dakshin Gujarat

બીલીમોરામાં શ્વાને એક જ દિવસમાં 8થી વધુ લોકોને બચકાં ભરતાં ફફડાટ

બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં શ્વાન કરડવા (ડોગ બાઈટ)ની (Dog Bite) ઘટના સામે આવી છે. જેમાં એક જ દિવસમાં બાળકથી લઇ મોટી ઉંમરની 8થી વધુ વ્યક્તિને કૂતરું કરડયું છે. કૂતરું (Dog) કરડીને ભાગી જતાં ગામ લોકો દહેશતમાં છે. ઘાયલોને બીલીમોરા મૅગુસી ખાનગી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે લઈ જવાયા હતાં. જો કે મેંગુસી હોસ્પિટલમાં ત્રીજા સ્ટેજ માટે આપવામાં આવતું ઇન્જેક્શન નહીં હોવાથી ભોગ બનનારને વલસાડ જઈ ઇન્જેક્શન લેવા પડ્યા હતા.

  • બીલીમોરામાં શ્વાનનો આતંક: એક જ દિવસમાં 8થી વધુ લોકોને બચકાં ભરતાં ફફડાટ
  • કૂતરૂં હડકાયું હોવાની ચર્ચાએ લોકોમાં ભય વધ્યો, અવાવરૂ જગ્યાએ નાસી ગયું
  • યોગ્ય ઈન્જેક્શન નહીં મળતાં પીડિતોને વલસાડ દોડવું પડ્યું

બીલીમોરા પંથકમાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છે. રોજે રોજ અસંખ્ય શ્વાનો રખડતાં જોવા મળે છે. શ્વાનની વસ્તી પણ વધી રહી છે. બીલીમોરા પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં ડોગ બાઈટની ઘટના સામે આવી છે. જેમાં લોકોના જણાવ્યા અનુસાર એક હડકાયા કૂતરાએ ઉત્પાત મચાવ્યો છે. આ કૂતરાએ 8થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી તેમને કરડયું છે. આ શ્વાન હડકાયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જે કરડીને ફરી અવાવરું જગ્યામાં નાસી જતા લોકોમાં ડરનો માહોલ છે. ભોગ બનનાર લોકોએ બીલીમોરા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ભોગ બનનારને પ્રથમ મેંગુસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સામાન્ય કૂતરા કરડ્યાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જ્યાંથી તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રીજા સ્તરનું કૂતરા કરડ્યાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

મેંગુસી હોસ્પિટલમાં ત્રીજા સ્તરના ડોગબાઈટના ઈન્જેક્શનો ફેબ્રુઆરી માસથી નથી!
બીલીમોરા મેંગુસી હોસ્પિટલમાં કૂતરું સામાન્ય કરડયું હોય તેના ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જયારે કૂતરાએ વધારે પ્રમાણમાં કરડી ઊંડો ઘા કર્યો હોય અને દાંત મારી લોહી વહેતું હોય તેની ત્રીજા સ્તરની કેટેગરીમાં ગણતરી કરવામાં આવે છે. જેના ઈન્જેકસ ઘણા મોંઘા આવે છે. જે હાલ મેંગુસીમાં ઉપલબ્ધ નથી. આ ઇન્જેક્શનની માંગણી મેંગુસી હોસ્પિટલ દ્વારા ફેબ્રુઆરી માસમાં જ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાની માહિતી મળી છે. મેગુસી હોસ્પિટલની સેવાનો લાભ બીલીમોરા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં લેતા હોય છે. પરંતુ આવી ઘટના જેમાં કૂતરું વધારે પ્રમાણમાં કરડયું હોય એટલે ત્રીજા સ્તરની ડોગ બાઈટ ના ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોય એ ઘણો ગંભીર પ્રશ્ન છે.

Most Popular

To Top