Sports

ઈંગ્લેન્ડ ટુર માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટું અપડેટ, શું શમીને બહાર બેસાડાશે?

ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની પસંદગી શનિવારે (23 મે) યોજાવાની છે. ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલા, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) પસંદગી સમિતિ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને આ પ્રવાસથી દૂર રાખવાનું વિચારી રહી છે. જસપ્રીત બુમરાહને લઈને પણ એક મોટી અપડેટ આવી છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમે બોર્ડને જણાવ્યું છે કે 34 વર્ષીય શમી હજુ સુધી લાંબા સ્પેલ ફેંકવા માટે સંપૂર્ણપણે ફિટ નથી. આવી સ્થિતિમાં તે પાંચેય ટેસ્ટ રમી શકશે કે નહીં તે ચોક્કસ નથી. એવું માનવામાં આવે છે કે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર ભારતીય ટીમમાં ફિટ બોલરોનો સમાવેશ કરવા માંગે છે, જે જરૂર પડ્યે લાંબા સ્પેલ ફેંકી શકે છે.

શમીને ભારતીય ટીમમાં સામેલ કરવા અને કેટલીક મેચોમાં તેને રમવા અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, જસપ્રીત બુમરાહ બોર્ડને પહેલાથી જ જણાવી ચૂક્યા છે કે તેમનું શરીર ત્રણથી વધુ ટેસ્ટ મેચ રમવાની સ્થિતિમાં નથી તેથી પસંદગી સમિતિ દ્વિધામાં છે કે શું ટીમમાં એવા જ અનિશ્ચિત બોલરને સામેલ કરવો કે જે ફક્ત થોડી જ મેચ રમી શકશે. આનાથી ભારતીય ટીમના આયોજન પર પણ અસર પડશે.

બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે શમી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ચાર ઓવર બોલિંગ કરી રહ્યો છે પરંતુ બોર્ડ અને પસંદગીકારોને ખબર નથી કે તે એક દિવસમાં 10 થી વધુ ઓવર ફેંકી શકશે કે નહીં. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોમાં ઝડપી બોલરો પાસેથી લાંબા સ્પેલની જરૂર પડી શકે છે અને અમે તે અંગે કોઈ જોખમ લેવા માંગતા નથી. શમીએ 2023માં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન ઓવલ ખાતે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

Most Popular

To Top