Gujarat Main

આ ચોમાસામાં ગુજરાતનો પહેલો ડેમ થયો ઓવરફ્લો, સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા

ભાવનગર: (Bhavnagar) ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam) બુધવારે મોડી રાત્રે ઓવરફ્લો (Overflow) થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની સપાટી વટાવી ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ડેમના ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના (Rain) કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા સમગ્ર વર્ષ દરમ્યાન પીવાના પાણીની સમસ્યા નહીં રહે. આ વર્ષના ચોમાસામાં ગુજરાતનો આ પહેલો ડેમ છે જે ઓવરફ્લો થયો છે. હવે નર્મદા ડેમ ઓવરફ્લો થાય તેની રાહ જોવાઈ રહી છે.

પાલિતાણાના શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવકના પગલે 17 ગામો એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં હાલ 15340 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પાલિતાણાના 5 ગામો જેમના માથા પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે તે નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને ખાસ એલર્ટ કરાયા છે. તો તળાજાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.  કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમ મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક જોતા ગઈકાલે રાત્રે જ મામલતદાર સહિતનો સ્ટાફ નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત પહોંચ્યો હતો. બીજી તરફ ભાવનગરના મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખુટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડાઓમાં ગુરુવારે પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદના પગલે મહુવાની માલણ નદીમાં ઘોડાપુર આવતા માલણ નદી બે કાંઠે થઈ છે. મહુવા પંથકમાં ધોધમાર વરસાદના પગલે મહુવાની નદીઓમાં નવા નીરની આવ્યા છે. આ વિસ્તારના મોટાભાગના કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

Most Popular

To Top