Dakshin Gujarat

ભરૂચ: દાવતમાં હલવો ખાધા બાદ કોંગી ઉમેદવાર સહિત 175થી વધુ લોકોની તબિયત બગડી

ભરૂચ: ભરૂચના (Bharuch) વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે 11મી શરીફની નિયાઝના (Niyaz Dawat) કાર્યક્રમમાં 175 લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થતા તબિયત લથડી ગઈ હતી. ચાંચવેલ ગામના તેમજ આસપાસના ગામના પરીચિતો નિયાઝની દાવતમાં જોડાયાં હતાં. જેમાં વાગરા વિધાનસભા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલ પણ દાવતમાં ગયાં હતાં. બપોરે12 વાગ્યાના અરસામાં નિયાઝનું ભોજન આરોગ્યા બાદ લોકો પોતાના ઘરે ગયાં બાદ બપોરે બે-ત્રણ વાગ્યા પછી લોકોને ગભરામણ સાથે ઝાડા-ઉલટીની ફરિયાદ ઉઠી હતી.

  • બપોરે 12 વાગ્યે ભોજન બાદ ૩ વાગ્યાથી ઝાડા ઊલટી શરૂ થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
  • સમગ્ર ઘટનાને લઈને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા તુરંત હોસ્પીટલે પહોચીને દર્દીઓનો ચિતાર મેળવી તબીબી નિષ્ણાતોને સલાહ આપી
  • તમામની દર્દીની તબિયત સારી છે : ડો અભિનવ શર્મા

જોતજોતામાં ગામમાં 175થી વધુ લોકોને અસર થતાં તેમને ફુડ પોઇઝનિંગ થયાનું માલુમ પડતાં તુરંત તમામને આરોગ્ય કેન્દ્રમાં ખસેવામાં આવ્યાં હતાં. જેમાં 15 જેટલાં લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત પટેલ વેલફેર, આમોદ-વાગરા આરોગ્ય કેન્દ્ર તેમજ ચાંચવેલ પીએચસી પર ખેસેડાયાં હતાં. નિયાઝની દાવત બાદ વિધાનસભાની વાગરાની બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલને પણ અસર થતાં તેમને ભરૂચની સીટી કેર હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

સમગ્ર ઘટનાની જાણ થતાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડીઆવ્યાં હતાં.તેમણે હોસ્પિટલના અધિકારીઓ જરૂરી સુચના આપીને વાગરા ખાતે પણ દર્દીની મુલાકાત લઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.નિયાઝમાં બિરીયાની તેમજ છાસ તથા બ્રેડ હલવાની દાવત રાખવામાં આવી હતી.

ફૂડ પોઇઝનિંગની ઘટનાને લઇને સિવિલ તંત્રએ પહેલાંથી ORSની પાણીની બોટલો તૈયાર રાખવા સાથે અન્ય જરૂરી દવાઓનો સ્ટોક પણ તૈયાર રખાયો હતો. વોર્ડમાં 1વર્ષથી માંડી 69 વર્ષના દર્દી દાખલ થયાં હતાં. ડો અભિનવ શર્માએ જણાવ્યું હતું કે ચાંચવેલ ગામે નિયાઝમાં 300થી વધુ લોકોને ફુડપોઇઝનિંગ થયું હોવાના મેસેજ અમને મળતાં અમે તુરંત એક્શનમાં આવી ગયાં હતાં. સિવિલ હોસ્પિટલના 10થી વધુ ડોક્ટરોને તેમજ નર્સિંગ સ્ટાફને તુરંત બોલાવી લેવાયાં હતાં. હાલમાં તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તમામને સામાન્ય અસર છે. કોઇની પણ હાલત ગંભીર ગણી શકાય તેમ નથી.

ભોજન આરોગ્યા બાદ બપોરે ગભરામણ થવા લાગી
દર્દી બિલાલ ઇલ્યાસ લાલિયાએ જણાવ્યું હતું કે અમારા ગામની નિયાઝ કાર્યક્રમમાં અમારા ગામના લોકો જોડાયા હતા. ભોજન આરોગ્યા બાદ હું મારા ઘરે હતો. ત્યારે બપોરે બે-ત્રણ વાગ્યે અચાનક મને ગભરામણ થવા લાગી હતી.ત્યારબાદ ઉલટી પણ થતાં મને મારા પરિવારે હસ્પિટલમાં લાવ્યાં.

હલવામાં વાપરેલાં માવાથી અસરની ફરિયાદો
ગ્રામજનોના જણાવ્યાનુંસાર ભઠિયારાએ હલવો બનાવવા માટે જે માવો વાપર્યો હતો તે વાસી હોવાથી કે અન્ય કોઇ કારણસર લોકોને ફુડ પોઇઝનિંગ થયું હતું. જે લોકોએ વધુ માત્રામાં હલવો આરોગ્યો હતો તેમને જ સૌથી વધુ અસર થઇ છે. નાના બાળકો કે જેમની ઉમર 1, 2 કે ૪ વર્ષ સુધીના હતાં તેઓને પણ હલવો ખાવાથી જ અસર થઇ હતી.

Most Popular

To Top