Columns

આ ટાપુ પર વનસ્પતિ માનવીને ચૂસી લેેય છે…ફકત હાડપિંજર જ બચે છે

કોઈક ગાઢ જંગલમાં સાહસ વિશેનું એક મંડળ જતું હોય છે અને છેલ્લે રહી જનારા એક સાહસવીર ફરતે વેલાનો ગાળિયો ભેરવાઈ જાય અને વનસ્પતિ તેને ઊંચકી લે. સાહસવીરોને ખબર પડે કે તેમનો એક સાથી ગાયબ થયો છે ત્યારે તેને શોધવા માટે તેઓ પાછા ફરે ત્યારે તેમને જેતે વેલા નીચે તેનું હાડપિંજર જોવા મળે. આવા દૃશ્યો કેટલીક હોરર કથાઓ અને ફિલ્મોમાં આવ્યા છે. માડાગાસ્કર ટાપુ પર માનવીને ચૂસી લેનાર આવી વનસ્પતિ હોવાની પહેલાં વાયકા હતી.

ખાસ કરીને ઉપખંડમાં શ્રધ્ધા અને ધર્મ સાથે માંસાહારનો ત્યાગ વણાઈ ગયો હોવાથી પેઢી દર પેઢી શાકાહાર જ અપનાવાય છે અને તેમાંય અમુક ધર્મમાં તો શાકાહારમાં પણ વધુ કેટલીક ચીજોને ખાવા પર પ્રતિબંધ છે. માંસાહાર અને શાકાહાર ઉપખંડમાં સવિશેષ ધ્યાન ખેંચે છે. ઉત્ક્રાંતિવાદી વિજ્ઞાની ચાર્લ્સ ડાવિન જ્યારે વનસ્પતિઓનો અભ્યાસ કરતો હતો ત્યારે વનસ્પતિ પણ માંસાહાર કરે છે તે જાણી તે દિંગ્મૂઢ થઈ ગયો હતો. તેમાં જીવડાંભક્ષક છોડોનો અભ્યાસ કરી એક પુસ્તક લખ્યું હતું. ઈન્સેક્ટે વોરસ પ્લાન્ટ્સ. મોટાભાગના છોડ પોતાના ખોરાકની જરૂરિયાત માટે તડકાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ વનસ્પતિઓ પાંદડાં પર બેઠેલા જંતુઓને ખાય છે.

આ જંતુઓ પાંદડા પર બેસે અને તેની ચીકાશ પર ચોંટી જાય એટલે આ પાંદડાના જંતુઓ તેને ભીંસી લે અને જરી વારમાં હાડપિંજર બનાવી ફેંકી દે છે. આ જંતુભક્ષી વનસ્પતિઓ પોતે જ માંસાહારી કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ આ છોડ કરે છે અને જંતુઓને પણ ફસાવી તેમના શરીરમાંથી પોષક તત્ત્વો શોષી લે છે પણ ખરેખર તો પ્રકાશ સંશ્લેષણથી આ છોડને જે પોષણ મળે છે તે જંતુઓને ખાવાથી વધારાની કોઈ ઊર્જી તેમને મળતી નથી.

પોષક તત્ત્વો મળવાની સંભાવના ઓછી હોય તેવા કાદવવાળા ઝરણાના નજીકનો વિસ્તાર, બંધિયાર પાણી અને પાંદડા વગેરે જેવા વિસ્તારમાં આવી જંતુનાશક વનસ્પતિ થાય છે. આ જમીનમાંથી તેમને નાઈટ્રોજન અને ફોસ્ફરસ નથી મળતાં અને તેઓ આવા જંતુઓના શરીરમાંથી પ્રાપ્ત કરે છે. આવી 600 થી વધુ જાતના છોડ દુનિયામાં જુદા જુદા ઠેકાણે થાય છે પણ જાણીતા વનસ્પતિશાસ્ત્રી ડૉ. મીનુભાઈ પરબિયાએ એક ચર્ચામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવી વનસ્પતિ નથી થતી પણ પૂર્વાંચલમાં એટલે કે આસામ, મેઘાલય, ત્રિપુરા વગેરે 7 રાજ્યોના જંગલોમાં થાય છે.

કોઈ પણ જીવડાંને આકર્ષવા માટે તેમના સુંદર પાંદડા કે ફૂલના દેખાવ અને સુગંધનો તેઓ ઉપયોગ કરે અને જીવડું બેસે એટલે તેના પગ ક્યાં તો પાનની ગુંદરીયા સપાટી પર ચોંટી જાય, તેમને પાનના તાંતણા ભીંસમાં લે, તેઓ લપસીને એવા સંકજામાં પડે જ્યાંથી તે નીકળી ન શકે, તેમને પચાવવા વનસ્પતિનો પોતાનો પાચકરસ પૂરતો થઈ પડે પણ કેટલીક વનસ્પતિઓ અન્ય જીવડાંઓનો પણ ઉપયોગ કરે છે. કેટલીક વનસ્પતિઓ આ પાન પર ફસાયેલા અન્ય જીવડાંઓને ચૂસીને પોતે પેટ ભરે છે અને વનસ્પતિ જીવડાં પચાવવામાં મદદ કરે છે.

ચાર્લ્સ ડાર્વિને લખ્યું હતું કે હું જાતિઓના ઉદ્દભવ કરતા આવા માંસાહારી છોડની વધુ કાળજી લઉં છું. તે અદ્દભુત છોડ છે.
આ છોડના પાંદડા 50 સેન્ટીમીટર સુધીના કદમાં હોઈ શકે. આ છોડને બુધ્ધિશાળી છોડ કહેવાનું વનસ્પતિશાસ્ત્રીઓના મતે ઉચિત નથી કારણ કે પરોપજીવી કીડીઓ અને ઈયળો પાંદડાની ચીકાશ પરથી છટકી જઈ આ છોડના શિકારનો 70% હિસ્સો હડપ કરી જાય છે અને આ છોડ હાથ ઘસતો રહી જાય છે એમ પણ નહીં કહેવાય કારણ કે તેને હાથ જ નથી!
– નરેન્દ્ર જોશી

Most Popular

To Top