Columns

માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે

સર સૈયદ અહમદ ખાનને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે અને મહમ્મદ અલી ઝીણાના મનોરથ મુસલમાનોના ગોપાલકૃષ્ણ ગોખલે થવાના હતા. જો સર સૈયદ ખરેખર મુસલમાનોના રાજા રામ મોહન રોય નીવડ્યા હોત તો મહમ્મદ અલી ઝીણા ખરેખર મુસલમાનોના ગોખલે થઈ શક્યા હોત અને ભારતનું કોમી વિભાજન ટાળી શકાયું હોત. પણ એવું બન્યું નહીં. મુક્ત વિમર્શ માટે ઇસ્લામમાં જોઈએ એવી મોકળાશ નથી.

રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨માં થયો હતો અને ૧૮૩૩માં અવસાન થયું હતું. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને અવસાન ૧૮૯૮માં થયું હતું. બન્નેના જન્મ વચ્ચે ૪૫ વરસનું અંતર હતું અને મૃત્યુ વચ્ચે ૬૫ વરસનું અંતર હતું. આ બન્ને અંતર વચ્ચેનો સમયગાળો નિર્ણાયક હતો. પહેલા ૪૫ વરસના બે મહાપુરુષોના જન્મના અંતરના સમયગાળામાં ભારતમાં અંગ્રેજીયત લાગુ કરવામાં આવતી હતી અને એ પછીના ૬૫ વરસના મૃત્યુ વચ્ચેના અંતરના સમયગાળામાં અંગ્રેજીયત અને અંગ્રેજી રાજ સાથે ભારતીય પ્રજાએ કેમ કામ પાર પાડવું એનો વિમર્શ ચાલી રહ્યો હતો. એક રીતે જોશો તો સર સૈયદ બન્ને છેડે રાજા રામ મોહન રોય કરતાં ફાયદામાં હતા. સર સૈયદ અહમદ ખાને જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે અંગ્રેજીયત લાગુ થઈ ચુકી હતી અને અંગ્રેજી રાજ અંગ્રેજીયત સાથે તેની પૂર્ણકળાએ ખીલી ચુક્યું હતું.

રાજા રામ મોહન રાયના સમયમાં દેશમાં જ્યારે અંગ્રેજીયત લાગુ કરવામાં આવતી હતી ત્યારે ભારતીય પ્રજાએ અંગ્રેજીયત અર્થાત્ અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્ય દૃષ્ટિકોણ અને પાશ્ચાત્ય જીવનમુલ્યો સાથે કેમ કામ પાડવું એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. રાજા રામ મોહન રાયે ત્યારે સલાહ આપી હતી કે આમાંથી જે આપણા માટે હિતકારી છે એ અપનાવવું જોઈએ પછી ભલે એ આપણી પરંપરાનો હિસ્સો હોય કે ન હોય. કોઈ ચીજ આપણી નથી એટલે એ અનિવાર્યપણે પરાઈ ન બનવી જોઈએ. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આપણી પરંપરામાં જે સાચવી રાખવા જેવું છે એ ધરાર સાચવવું જોઈએ, અંગ્રેજીયતની આણના પ્રભાવ હેઠળ આવીને તે છોડવાની જરૂર નથી. તેમણે શું છોડવું જોઈએ અને શા માટે છોડવું જોઈએ અને શું પકડી રાખવું જોઈએ અને શા માટે પકડી રાખવું જોઈએ એની પણ વાત કરી હતી. આનો અર્થ થયો પરંપરાઓ વચ્ચેનો વિવેક.

વિવેકમાં સ્વીકાર અને અસ્વીકાર બન્ને રહેલા છે. એ વિના વિવેક કરવો શક્ય નથી. અને એ તો દેખીતી વાત છે કે કોઈ પણ ચીજના સ્વીકાર કે અસ્વીકાર માટે મનને તૈયાર કરવું પડે છે. ખાસ કરીને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો હોય તો તેને છોડવામાં તફલીફ પડતી હોય છે અને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો ન હોય, બલકે તેનાથી વિરુદ્ધ હોય તો તેને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. આ મનની કેળવણી લોક-ભાગીદારીવાળા વ્યાપક સંવાદ વિના શક્ય નથી. એમાં નિંદા, બદનામી, શારીરિક હુમલા કે હત્યાના જોખમ રહેલાં છે પણ જોખમ ઉઠાવ્યા વિના ચાલવાનું નથી. આ પરંપરાઓ અને માન્યતાઓ વચ્ચે સારાસાર વિવેક કરવો એ સુધારો. એનું નામ જ આધુનિકતા. માનવીય હિત જેમાં રહેલું છે એ અપનાવવું જોઈએ પછી એ આપણું હોય કે પરાયાનું.

રાજા રામ મોહન રાય આ રીતે સારાસાર વિવેક કરનારી મનની કેળવણી કરનારા અને મનની મોકળાશ વધે એ માટે આંદોલન કરનારા ભારતના આધુનિક યુગના આદ્ય સુધારક હતા. એ પછી કુડીબંધ સુધારકો થયા હતા જેમણે પોતપોતાની રીતે સુધારાનું આંદોલન આગળ ચાલાવ્યું હતું. દરેક પડકારને, દરેક પ્રશ્નને, દરેક અવસરને તેઓ અલગ અલગ દૃષ્ટિકોણથી તપાસતા હતા. એમાં હિંદુ ધર્મ અને ધર્મવચનોની પણ ચિકિત્સા કરવામાં આવતી હતી. સનાતન ધર્મ ભલે સનાતન હોય પણ તે ઉણપોથી મુક્ત નથી એ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું હતું. એ આંદોલનને ભારતનાં નવજાગરણનાં આંદોલન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. નવજાગરણ માટેનું આંદોલન રાજા રામ મોહન રાયે ઘડી આપ્યું હતું એવું સંઘેડાઉતાર નહોતું. સુધારકો વચ્ચે વ્યાપક વિમર્શ થયો હતો.

વિમર્શનો કેન્દ્રવર્તી વિષય હતો શું અપનાવવું અને શું છોડવું. અલબત્ત એ નવજાગરણનું આંદોલન ખામી વિનાનું નહોતું. બહુ મોટી ખામી હતી. સુધારાની હિમાયત કરનારાઓએ અને તેના ફાયદા ગણાવનારાઓએ માત્ર સવર્ણ હિંદુઓની જ ચિંતા કરી હતી. તેના જ ફાયદાઓ જોયા હતા. દલિતોની અને બહુજન સમાજની તેમણે ચિંતા નહોતી કરી. માટે મહાત્મા ફૂલેએ આધુનિકતાના આંદોલનમાં ન્યાય નામનો માનવીય મૂલ્યોનો એક નવો ખૂણો ઉમેર્યો હતો જેની ઉપેક્ષા થઈ શકે એમ નહોતી.

સર સૈયદ અહમદ ખાન રાજા રામ મોહન રાય પછી ૪૫ વરસે થયા હતા અને તેમણે જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે હિંદુઓમાં સુધારાનું આંદોલન તેની સર્વોચ્ચ ઊંચાઈએ હતું. હકીકતમાં અંગ્રેજી માધ્યમમાં આધુનિક શિક્ષણ મેળવેલી અને નવા દૃષ્ટિકોણ સાથેની હિંદુઓની એક પેઢી અસ્તિત્વમાં પણ આવી ગઈ હતી. એની વચ્ચે ૧૮૫૭ના વિપ્લવમાં મળેલી નિષ્ફળતાએ હિંદુ અને મુસલમાનોના અંગ્રેજો પરત્વેના અભિગમને પ્રભાવિત કર્યો હતો. બન્ને કોમને એમ લાગવા માંડ્યું હતું કે કમ સે કમ સો-દોઢસો વરસ ભારતમાં અંગ્રેજો રાજ કરવાના છે એટલે ડહાપણ એમાં છે કે અંગ્રેજોના રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવે અને તેને અનુકુળ બનવામાં આવે.

હવે એ સમયે સર સૈયદ સામે બે કફોડી વાસ્તવિકતા હતી. એક તો એ કે ત્રણ દાયકા પહેલાં રાજા રામ મોહન રાયે હિંદુઓને અંગ્રેજીયત અથવા તો પાશ્ચાત્ય દૃષ્ટિકોણ, પાશ્ચાત્ય જીવનમુલ્યોની બાબતે વિચારતા કરી મુક્યા હતા અને સારાસાર વિવેક આધારિત આપ-લેની પ્રક્રિયા શરુ થઈ ચુકી હતી. બીજી બાજુ મુસલમાનો તેનો પ્રતિકાર કરતા હતા. ૧૮૫૭ના વિદ્રોહમાં વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ જુઓ તો મુસલમાનોએ હિંદુઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો. એનું કારણ એ હતું કે મુસલમાનો અંગ્રેજીરાજને ઇસ્લામ પરના આક્રમણ તરીકે જોતા હતા. વિદ્રોહમાં મુસલમાનોએ વધુ મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો અને મૌલવીઓ અંગ્રેજીયતના અસ્વીકારના ફતવાઓ કાઢતા હતા અને મસ્જિદોમાં અંગ્રેજવિરોધી તકરીર કરતા હતા એટલે અંગ્રેજોનો ગુસ્સો મુસલમાનો ઉપર ઉતર્યો હતો એ સર સૈયદ સામે બીજી કફોડી વાસ્તવિકતા હતી.

ટૂંકમાં ભારત કંપની સરકારથી મુક્ત થઈને સીધું અંગ્રેજી સંસ્થાન બન્યું ત્યારે રાજા રામ મોહન રાય અને તેમની પછીના સુધારકોના કારણે હિંદુઓ એક ડગલું આગળ હતા અને આગળ જઈ રહ્યા હતા અને મુસલમાનો એક ડગલું પાછળ હતા અને જો અંગ્રેજીયત અને અંગ્રેજી રાજનો સ્વીકાર કરવામાં ન આવે તો હજુ પાછળ જવાના હતા. ઉપરથી અંગ્રેજો તેમના ઉપર ખફા હતા. સર સૈયદ આ જાણતા હતા.

સર સૈયદની અહીં કસોટી થઈ હતી. રાજા રામ મોહન રાય અને તેમની પછીના હિંદુ સુધારકોની માફક વિવેકસર આધુનિકતાનો વ્યાપક પરિઘ અપનાવે તો ઇસ્લામની સર્વકાલીન પ્રાસંગિકતા કે અપ્રાસંગિકતા વિષે વિમર્શ કરવો પડે જેમાં તેમને જોખમ લાગ્યું હતું. માટે તેમણે આધુનિકતા એટલે પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ એવો સાંકડો અર્થ કર્યો હતો. અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુઓની સમકક્ષ બનો અને અંગ્રેજી શાસકોનો વિશ્વાસ રળીને જીવનમાં આગળ વધો. આખું આંદોલન અંગ્રેજી શિક્ષણ અપનાવવા માટેનું અને હિંદુઓની બરાબરી કરવા માટેનું હતું. હિંદુ સામે હરિફાઈનું હતું. તે ખરા અર્થમાં જેને આધુનિકતા કહેવાય તે માટેનું નહોતું. વળી સર સૈયદને આટલું પણ મનાવવા માટે નાકે દમ આવી ગયો હતો.

અહીં વાચકના મનમાં સવાલ થઈ શકે કે સર સૈયદ કોમની અંદરના પ્રતિકારને કારણે વ્યાપક અર્થમાં જેને આધુનિકતા કહેવાય તેની વકીલાત કરી શક્યા નહોતા કે તેમને પોતાને તેમાં રસ નહોતો? બીજા શબ્દોમાં કહીએ તો તેમણે પોતે સુધારાનો પરિઘ ટૂંકો રાખ્યો હતો કે રાખવો પડ્યો હતો? મને એમ લાગે છે કે તેમને પોતાને પરિઘ વિસ્તારવામાં કોઈ રસ નહોતો. માટે રાજા રામ મોહન રાય સાથેની તેમની સરખામણી ખોટી છે. કદાચ તે તેમને અસંભવ અને બિનજરૂરી બન્ને લાગ્યાં હોય. તેમનો ઉદ્દેશ માત્ર અને માત્ર મુસલમાન અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુ સાથે હરિફાઈમાં ઊભો રહે એટલો જ હતો. વળી મુસલમાનોએ પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ લેવું જોઈએ એની વકીલાત કરવા માટે પણ તેમને કુરાન અને હદીસનો આશરો લેવો પડતો હતો અને તેમાં પણ સામેથી વળતાં પ્રમાણોનાં તીર ફેંકાતા હતાં. તેમણે હાથ જોડીને વિરોધીઓને કહેવું પડ્યું હતું કે જો હદીસનો હવાલો આપવો હોય તો માત્ર બુખારીની હદીસનો હવાલો આપવામાં આવે જે પ્રમાણમાં પ્રામાણિક છે. શબ્દ પર ધ્યાન આપવામાં આવે; પ્રમાણમાં પ્રામાણિક છે.

આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે પ્રત્યેક હદીસ ભેળસેળ વિનાની પ્રામાણિક નથી અને ૧૪૦૦ વરસ દરમ્યાન ઉત્તરોત્તર જરૂરિયાત મુજબ તેમાં વધારો થતો ગયો છે. વિશ્વના સંપૂર્ણ અને માનવકલ્યાણ માટેના આખારી ધર્મમાં પ્રક્ષેપણ થયાં છે. માટે ઈરાની વિદ્વાન મહમ્મદ ઈબ્ન બુખારીએ નવમી સદીમાં હદીસોની પ્રામાણિકતાનો અભ્યાસ કરીને તેનું સંકલન કર્યું હતું જે બુખારીની હદીસ તરીકે ઓળખાય છે અને બુખારીની હદીસ પણ ક્યાં આજે એક સરખી છે! તેમાં પણ પ્રક્ષેપણો અને પાઠાંતરો મળે છે. શા માટે મુસલમાનો આ બધી વાસ્તવિકતાઓનો સ્વીકાર નથી કરતા? અને અસ્વીકાર કરવાથી વાસ્તવિકતા મટી જવાની છે? ક્યાંકથી તો નાનકડી શરૂઆત થવી જોઈએ. રોજ સરેરાશ સો મુસલમાન ઇસ્લામના નામે રહેંસાઈ જતા હોય ત્યારે એક નાનકડી બારી ખોલવાનો પણ કોઈ પ્રયાસ ન કરે! મુસલમાનો ઇસ્લામની બહારની વાસ્તવિકતાના સ્વીકાર માટે તૈયાર થાય એ માટે પ્રયાસ થવો જરૂરી છે અને હવે એ જરૂરિયાત તેની પરાકાષ્ટાએ છે.

જો સર સૈયદે આવો નાનકડો પણ પ્રયાસ કર્યો હોત તો તેમની સરખામણી રાજા રામ મોહન રાય સાથે થઈ શકત. તેમનું આધુનિકતા માટેનું આંદોલન મુસ્લિમ અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુની બરાબરી કરતો થાય એટલું સાંકડું હતું. જો નાનકડી પણ બારી ખોલી હોત તો અંગ્રેજી શિક્ષણ મેળવેલી મુસલમાનોની પહેલી-બીજી પેઢી આધુનિકતાના આંદોલનના બીજા ચરણરૂપે તેને હજુ વધુ આગળ લઈ ગયા હોત. શિક્ષિત મુસલમાનોની પછીની પેઢીએ પરિઘ વિસ્તાર્યો હોત. પણ એવું બન્યું નથી. આનું પરિણામ એ આવ્યું કે ઈ. સ. ૧૯૦૦થી લઈને ૧૯૪૭ સુધીના નિર્ણાયક સમયગાળામાં મુસલમાનોનું નેતૃત્વ કરનારા મુસ્લિમ નેતાઓ અંગ્રેજી શિક્ષણ મેળવેલા સાંકડા અર્થમાં આધુનિક હતા.

વ્યાપક અર્થમાં આધુનિક નહોતા. કેટલાક વ્યાપક અર્થમાં આધુનિક હતા તો અંગત જીવનમાં હતા, જાહેરજીવનમાં નહોતા. માટે નવયુવાન મહમ્મદ અલી ઝીણાનું મુસલમાનોના ગોખલે બનવાનું સપનું પૂરું થયું નહોતું અને તેઓ પણ આગળ જતા હિંદુઓના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. ગોખલે બનવા માટેની સર સૈયદ જગ્યા બનાવીને નહોતા ગયા અને એવી જગ્યા બનાવવાની ઝીણામાં હિંમત નહોતી અને ભારતનું વિભાજન થયું હતું. માનવી હોવાપણું મુસલમાન હોવાપણા કરતાં અદકેરું છે એનો સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે.  હિન્દુત્વવાદીઓએ પણ સમજવાની જરૂર છે કે માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે. જે હિંદુ આ વાત સ્વીકારતો હોય તેને જે મુસલમાનની અને ઇસ્લામની ટીકા કરવાનો અધિકાર છે. ટીકામાં સભ્યતા અને નિસ્બત એની મેળે આવી જશે.

Most Popular

To Top