Sports

BCCI ની સ્પષ્ટતા, કિંગ કોહલી જ રહેશે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન

વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પદેથી વિરાટ કોહલીને દૂર કરી રોહિત શર્માને જવાબદારી સોંપવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બીસીસીઆઈ (BCCI) એ તમામ ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી છે. બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ તમામ સમાચારોને નકારી કાઢતાં કહ્યું કે, અફવાઓ પર ધ્યાન આપો નહીં. તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય ટીમ હાલમાં ટી-20 (T-20) વર્લ્ડ કપ (WORLD CUP) પર ધ્યાન આપી રહી છે. સ્પિલ્ટ કેપ્ટન્સી પર કોઈ ચર્ચા કરવામાં આવી રહી નથી.


બીસીસીઆઈ (BCCI)ના સચિવ જય શાહે એક વર્તમાન પત્રને નિવેદન આપતાં કહ્યું કે, ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે ત્યારે કેપ્ટન બદલવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જય શાહે બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલના એ નિવેદનને પણ સમર્થન આપ્યું કે જેમાં ધૂમલે કહ્યું હતું કે, લિમીટેડ ઓવર ક્રિકેટમાં વિરાટની જગ્યાએ રોહિતને કેપ્ટન બનાવવાની વાતો બકવાસ છે. જય શાહે કહ્યું કે, આ પ્રકારની અફવાઓ ભારતીય ક્રિકેટ ટીમના હિતમાં નથી. હાલમાં ટીમ અને મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ પર છે.


નોંધનીય છે કે આ અગાઉ સોમવારે એવી અફવા ઉઠી હતી કે કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશીપની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલીએ એક ટેસ્ટ મેચ બાદ પેટરનીટી લીવ લીધી હતી. શ્રેણીની તે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 36ના નિમ્ન સ્કોર પર ઓલઆઉટ થયું હતું, જેના પગલે ટીમની નાલેશીજનક હાર થઈ હતી. કોહલીના પેટરનીટી લીવ પર ગયા બાદ બાકીની તમામ ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારત જીત્યું હતું. તે સમયથી જ કેપ્ટન બદલવા અંગે ચર્ચા ઉઠી હતી.

આ અગાઉ ટી-20 મેચોમાં હંગામી કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોહલી ટી-20, વન-ડે અને ટેસ્ટ ત્રણેયમાંથી એકેય ફોર્મેટમાં સદી મારી શક્યો નથી. તેથી વિરાટ કોહલી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ વધ્યું છે. જોકે, આજે બીસીસીઆઈએ આજે કોહલીને કેપ્ટનપદેથી દૂર કરવાની તમામ વાતોને નકારી કાઢી છે.

Most Popular

To Top