Dakshin Gujarat

બારડોલીની મીંઢોળા નદીમાં 506 મૂર્તિનું વિસર્જન, 9 ફૂટથી ઊંચી મૂર્તિને હજીરાના દરિયા કાંઠે લઈ જવાઈ

બારડોલી: (Bardoli) બારડોલી શહેર સહિત તાલુકામાં રંગેચંગે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કરાયું હતું. શહેરના મુખ્ય માર્ગ પર પરંપરા મુજબ ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 40 જેટલાં ગણેશમંડળો જોડાયાં હતાં. 3 ફૂટ સુધીની મૂર્તિ મીંઢોળામાં, ત્રણ ફૂટથી પાંચ ફૂટ સુધીની મૂર્તિ સરભોણ અને પાંચ ફૂટથી નવ ફૂટ સુધીની મૂર્તિનું ભુવાસણના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

બારડોલીમાં અસ્તાન રોડથી વિસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી. શહેરના રાજમાર્ગ એટલે કે સ્ટેશન રોડ પર અંદાજિત 40થી વધુ મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી હતી. વિસર્જન યાત્રામાં જોડાયેલી 9 ફૂટથી ઊંચી મૂર્તિને હજીરાના દરિયા કાંઠે રવાના કરવામાં આવી હતી. વિસર્જન યાત્રા દરમિયાન ઠેર ઠેર સમાજસેવી સંસ્થા દ્વારા નાસ્તો, શરબત, પાણી, છાસ વગેરેની નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી હતી.

બારડોલીની મીંઢોળા નદીમાં 3 ફૂટ સુધીની 180 અને 236 મંગલમૂર્તિ મળી કુલ 506 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે ભુવાસણ ખાતેના તળાવમાં 95 ફૂટથી 9 ફૂટ સુધીની 32 અને 127 મંગલમૂર્તિ મળી 159, સરભોણના તળાવમાં 28 5 ફૂટ સુધીની અને 100 મંગલમૂર્તિ મળી 128 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાં 500થી વધુ પ્રતિમાનું વિસર્જન
વ્યારા: તાપી જિલ્લામાં અંદાજિત ૫૦૦થી વધુ નાની-મોટી ગણેશજીની પ્રતિમાઓનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. ઢોલ-નગારાં, ડીજે, બેન્ડવાજા સાથે ગુલાલની છોળો ઉછાળી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. વ્યારામાં નાની માટીની શ્રીજીની પ્રતિમાઓનું ખટારી ફળિયા પાસે મીંઢોળા નદીમાં વિસર્જન કરાયું હતું. માટીની મોટી પ્રતિમાઓનું ટીચકિયા ગામે ડોલારા નદીમાં, જ્યારે પીઓપીની પ્રતિમાને સોનગઢ કુમકૂવા ખાતે અંબિકા સ્ટોન ક્વોરીમાં વિસર્જન કરાયું હતું. વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ન બગડે એ માટે તાપી પોલીસ વડા રાહુલ પટેલે ચાંપતો બંદોબસ્ત ખડકી ધીધો હતો.

આયોજકો દ્વારા નક્કી કરાયેલા રૂટ મુજબ રેલવે સ્ટેશન, નવા બસ સ્ટેન્ડ, મિશનનાકું વગેરે સ્થાનોથી શ્રીજીની પ્રતિમાઓ સયાજી સર્કલ થઈ નગરના જૂના બસસ્ટેન્ડ થઈ બેન્ક રોડ, કાપડ બઝાર, રામજીમંદિર, કાનપુરા થઈ નીકળી હતી. વિસર્જન સ્થળો નગર પાલિકાએ લાઇટિંગ, તરવૈયા, ક્રેનની સુવિધાથી સજ્જ કરાયાં હતાં. ઉચ્છલ, સોનગઢમાં તાપી નદી તેમજ કૃત્રિમ તળાવ અને વાલોડ, ડોલવણમાં નજીકની અંબિકા, પુર્ણા અને વાલ્મીકિ જેવી નદી-કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું.

નિઝર, કુકરમુંડામાં તાપી નદી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. કાવઠા અને હથોડા ગામે તાપી નદીનાં પુલ ઉપર બંને તાલુકા સહિત મહારાષ્ટ્રથી શ્રીજીની મૂર્તિઓ વિસર્જન માટે આવી હતી. તાપી જિલ્લામાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જનમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે ૧ એસપી, ૩ ડીવાયએસપી, ૮ પીઆઇ, ૨૦ પીએસઆઇ, ૪૧૮ હ્યુમન શોર્સિસ, ૧૦૫ મહિલા પોલીસકર્મચારી, ૪૮૦થી વધારે જીઆરડી મળી આશરે ૧૧૦૦ જેટલા કર્મીઓ બંદોબસ્તમાં રોકાયા હતા. ડ્રોન સહિતના કેમેરાઓ ગોઠવી સમગ્ર વિસર્જન પ્રક્રિયાની હિલચાલનું કવરેજ કરાયું હતું.

Most Popular

To Top