Dakshin Gujarat

બીલીમોરામાં કાવેરી, અંબિકા અને બંદર ઓવારે વિસર્જન યાત્રા પહોંચી, 350થી વધુ પ્રતિમાનું વિસર્જન

બીલીમોરા: (Bilimora) દશ દિવસ અગાઉ ગણેશ ચતુર્થીએ બાપાની સ્થાપના બાદ ગુરુવારે અનંત ચતુર્દશીએ ગણેશ ઉત્સવના (Ganesh Utsav) સમાપન સાથે બાપ્પા ને સલામત, શાંતિપૂર્ણ, એકતામય માહોલ માં વિદાય અપાઇ હતી.

ગુરુવારે વહેલી સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ બાદ વિસર્જન યાત્રાઓ શરૂ કરાઇ હતી. ‘ગણપતિ અપને ગાંવ ચલે’ જેવા ધાર્મિક ગીતોની સુરાવલી સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો સાથે ભક્તો મન મૂકીને ઝુમ્યા હતા.બીલીમોરા કાવેરી, અંબિકા અને બંદર ઓવારે ૩૫૦ થી વધુ વિસર્જન શોભાયાત્રાઓ પહોંચી હતી. જ્યાં પૂજન, આરતી, બાદ ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ’ અને ‘પુઢચ્યાં વર્ષી લવકર યા’ના નાદ સાથે દૂંદાળા દેવને અશ્રુભીંની વિદાય અપાઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ, જળાશયોમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે નીકળેલી વિસર્જનયાત્રા યાદગાર રહી હતી.

નાની મોટી અનેક પ્રતિમા સાથે વિવિધ મંડળો એ રાજમાર્ગો પર વાજતેગાજતે આકર્ષણ જમાવ્યું હતું. જે બાદ બાપ્પા ને ભાવભીંની વિદાય અપાઈ હતી.નગરપાલિકા સાથે બીલીમોરા અને ધોલાઈ મરીન પોલીસે વિસર્જનયાત્રા નો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વિસર્જન સ્થળે મોટી પ્રતિમાઓ ને માટે વિશેષ ક્રેન સાથે તરવૈયાઓ ની વ્યવસ્થા કરાઈ હતી. મોડી સાંજ સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયાના કારણે બંદર ઉપર ફોકસ લાઈટની પણ વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના બનવા ન પામતા ખૂબ શાંતિ થી પર્વ પસાર થતા વહીવટી તંત્ર સાથે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

ગિરિમથક સાપુતારા,આહવા,વઘઇ અને સુબિર ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન
સાપુતારા : ડાંગ જિલ્લાના પણ આહવા, સુબીર અને વઘઈ તથા સાપુતારા પંથકમાં ઠેર ઠેર ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને દસ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ ધરાવવામાં આવતો હતો. ત્યારે હવે અનંત ચૌદસના રોજ ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધામધૂમથી શોભાયાત્રાઓ ડીજેના તાલે નીકળી હતી.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,વઘઇ અને સુબિર પોલીસ મથક હદ વિસ્તારમાં ડાંગ એસ.પી યશપાલ જગાણિયાનાં માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધિપૂર્વક નદી,નાળા તથા કૃત્રિમ તળાવોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભક્તોએ શ્રીજીની પ્રતિમાનાં વિસર્જન વેળાએ ગણપતિ બાપ્પા મોરયા પુડલે વરસી લવકર યાનાં નાદો સાથે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યુ હતું.

Most Popular

To Top