Dakshin Gujarat

બારડોલી નગરમાં એક જ સોસાયટીમાંથી રાતોરાત 6 કારના કાચ તોડી આ વસ્તુની ચોરી

બારડોલી: બારડોલીના (Bardoli) ગાંધી રોડ પર આવેલી ન્યૂ બાળાદેવી સોસાયટીમાં પાર્ક કરેલી 6 જેટલી કારના કાચ તોડી તસ્કર કાર ટેપની (Car tap) ચોરી (Stealing) કરી જતાં ચકચાર મચી ગઈ હતી. કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારોમાં એક પછી એક કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપતો તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

બારડોલી ટાઉન પોલીસમથક વિસ્તારમાં ફરી તસ્કરોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પૂર્વે ધામડોદ લુંભાની નેચરવિલા સોસાયટીમાં આવેલા તસ્કરોને લોકોએ ભગાડ્યા હતા. ત્યારે હવે ગાંધી રોડ પર એક તસ્કરે 6 જેટલી કારના કાચ તોડી આતંક મચાવી દીધો હતો. ગાંધી રોડની ન્યૂ બાળાદેવી સોસાયટીના રહીશોએ ગત રાત્રે કોમન પ્લોટમાં કેટલીક કાર પાર્ક કરી હતી. સવારે ઊઠીને જોયું તો પાર્ક કરેલી 6 જેટલી કારના કાચ તોડી અંદરથી ટેપની ચોરી થઈ ગઈ હતી.

સોસાયટીમાં મૂકેલા સીસીટીવી ચેક કરતાં એક શખ્સ અલગ અલગ કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપતો જોવા મળ્યો હતો. એક જ સોસાયટીમાં એક સાથે 6 કારના કાચ તોડી ટેપની ચોરી થવાની ઘટનાથી સોસાયટીના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ ટાઉન પોલીસની રાત્રિ પેટ્રોલિંગના પણ ધજાગરા ઊડી ગયા છે.

સોનગઢના દેવજીપુરાના બંધ મકાનમાં ચોરી
સુરત: સોનગઢના દેવજીપુરામાં રહેતાં રેખા અશોક રાણા તેમના પતિ અને પુત્ર સાથે સુરતના ડિંડોલી ખાતે થોડા દિવસ માટે જતાં તેમનું ઘર બંધ હતું. રેખાબેન તેમના પતિ અને પુત્ર સાથે 16 મીએ સાંજે સુરતથી સોનગઢ પરત આવવા નીકળ્યાં હતાં, ત્યારે રેખાબેનના પડોશીએ તમારા ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં છે એમ ફોન કરી જણાવ્યું હતું. આથી રેખાબેન રાત્રે દેવજીપુરા પહોંચતાં નકૂચો તૂટેલી હાલતમાં જોતાં ચોરી થયાની આશંકા જણાઈ હતી. ઘરમાં બેડ પર સામાન વેરવિખેર હાલતમાં હતો તેમજ બેડરૂમનો દરવાજો પણ ખુલ્લો જોવા મળ્યો હતો. આ બનાવમાં લોકરમાંથી સોનાનું મંગળસૂત્ર સવા બે તોલા કિં.1,10,000ની ચોરી થતાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top